પ્રદેશ પ્રમુખ મારી ઓળખ નથી, ભાજપનો કાર્યકર્તા મારી ઓળખ છે: જગદીશ પંચાલ
(જી.એન.એસ) તા.4
ગાંધીનગર,
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે (વિશ્વકર્મા) શનિવારે પદભાર સંભાળ્યા બાદ કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે પક્ષ દ્વારા સોંપાયેલી જવાબદારી બદલ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો અને બૂથ સ્તરના કાર્યકરને પ્રમુખ બનાવવાની પરંપરાને બિરદાવી હતી. ઑગસ્ટ 12, 1973માં જન્મેલા જગદીશ વિશ્વકર્માની રાજકીય કારકિર્દી સંગઠનના પાયામાંથી શરૂ થઈ છે અને આજે તેઓ રાજ્યના સૌથી મહત્ત્વના સંગઠનાત્મક પદ પર પહોંચ્યા છે. તેમની સફર માત્ર રાજકીય નેતા તરીકેની જ નહીં, પણ એક સફળ ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન તરીકેની પણ છે, જે તેમને ગુજરાતની રાજનીતિમાં એક કદાવર નેતા બનાવે છે.

નવા પ્રમુખે પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘મને જે જવાબદારી આપી છે, તે બદલ તમામને હું વંદન કરું છું. તેમણે પૂર્વ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના વખાણ કરતાં કહ્યું હતું કે, સી આર પાટીલે સંગઠનને વધુ મજબૂત બનાવાનું કામ કર્યું છે.’
પોતાની નિમણૂકને કાર્યકરની ઓળખ ગણાવતા જગદીશ પંચાલે કહ્યું હતું કે, ‘મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકરને આ જવાબદારી આપી છે. આ જવાબદારીની સાચી ઓળખ મારી સામે બેઠેલો કાર્યકર છે. મારી ઓળખ કેસરિયો ખેસ છે.’
જગદીશ વિશ્વકર્માની રાજકીય કારકિર્દીની શરૂઆત 1998 માં અમદાવાદના ઠક્કરબાપા નગરમાં બૂથ ઇનચાર્જ તરીકે થઈ હતી. સંગઠનમાં તેમના સમર્પણની પક્ષે નોંધ લીધી, જેના પરિણામે તેમને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જેવો મહત્ત્વપૂર્ણ હોદ્દો સંભાળવાની તક મળી. અમદાવાદ શહેર પ્રમુખ તરીકેની તેમની કામગીરી સંગઠનાત્મક કુશળતાનો પુરાવો આપે છે. આ પછી તેમને ભાજપના ઉદ્યોગ સેલના સંયોજક બનાવવામાં આવ્યા હતા, જે તેમના વ્યાવસાયિક પૃષ્ઠભૂમિને જોતાં તાર્કિક પગલું હતું.
હાલમાં, જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સેવા આપી રહ્યા છે. તેઓ સહકાર, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો (MSME), કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્ત્વના વિભાગોનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. તેઓ અમદાવાદના નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય છે, જે તેમને માત્ર સંગઠનાત્મક જ નહીં, પણ વહીવટી અનુભવ પણ પૂરો પાડે છે.

નવા પ્રમુખે કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદેશ આપતાં કહ્યું હતું કે, ‘પ્રદેશ પ્રમુખ ઓળખ નથી, પરંતુ ભાજપનો કાર્યકર્તા ઓળખ છે.’ તેમણે કાર્યકર્તાઓને વિનંતી કરી હતી કે, ‘હું કાર્યકર્તાને વિનંતી કરું છું કે 25 વર્ષથી જનતાએ આપણા પર ભરોસો મૂક્યો છે જેથી આપણી જવાબદારી વધી છે.’
આ વખતે ભાજપ હાઇકમાન્ડે ગુજરાત ભાજપનું સુકાન ઓબીસી નેતાને સોપ્યું છે. જગદીશ પંચાલ ઓબીસી સમાજમાંથી આવે છે. સાથે તેમને સંગઠનનો બહોળો અનુભવ પણ છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે કામગીરી સુપેરે નિભાવી છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી છે ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી હાઇ કમાન્ડે જગદીશ પંચાલની પસંદગી કરી છે. મહત્ત્વની વાત એ છે કે જૂના જોગીઓને બદલે હાઇ કમાન્ડે યુવા નેતાને ગુજરાત ભાજપના સુકાની બનાવ્યા છે.
આ ઉપરાંત મહત્ત્વની વાત એ છે કે જગદીશ પંચાલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના અતિ વિશ્વાસુ મનાય છે. જોકે, હાલ ગુજરાતમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકથી આ વિખવાદ શમી જશે.

જગદીશ પંચાલ ટેક્સટાઇલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ 12 ઑગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જ થયો હતો. બી.એ. અને માર્કેટિંગમાં તેમણે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત ભાજપનો મોટો ઓબીસી ચહેરો ગણાય છે. તેમણે 1998માં બુથ ઇન્ચાર્જ તરીકે તેમની રાજકીય સફર શરુ કરી હતી. તેઓ અમદાવાદના નિકોલથી ત્રણ વખત વિધાનસભા માટે ચુંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે 2015થી 2021 સુધી ફરજ બજાવી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં જ ભાજપે એમએમસીની 2021ની ચૂંટણી જીતી હતી.

