(જી.એન.એસ) તા. 24
અમદાવાદ,
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગુજરાત બાર કાઉન્સિલ સહિત દેશની તમામ બાર કાઉન્સિલોને ફેબ્રુઆરી-2022 સુધીના વકીલોને સંબંધિત દસ્તાવેજો સાથે પ્રેકટીસ વેરફિકેશન ફોર્મ ભરાવી દેવા નિર્દેશો જારી કર્યા છે અને 30 દિવસની મહેતલ આપી છે. પણ વાસ્તવિકતા એ છે કે, ગુજરાતના 53 હજારથી વધુ વકીલોએ હજુ વેરીફિકેશન ફોર્મ ભર્યા જ નથી.
ગુજરાત સહિત દેશભરમાંથી ભૂતિયા વકીલોને વકીલાતના વ્યવસાયમાંથી બાકાત કરવાના ભાગરૂપે ખુદ સુપ્રીમકોર્ટે સમગ્ર દેશમાં વકીલોની વેરીફિકેશનની પ્રક્રિયાને લઇ વર્ષ 2015માં કેટલાક મહત્ત્વના નિર્દેશો જારી કર્યા હતા અને ત્યારથી સમગ્ર દેશમાં વકીલોની વેરીફિકેશનની પ્રક્રિયા જે તે સ્ટેટ બાર કાઉન્સિલના માઘ્યમથી શરૂ કરવામાં આવી હતી.
જો કે, આજે લગભગ 10 વર્ષ બાદ પણ વેરીફિકેશનની પ્રક્રિયા પૂરી થઇ નથી. ત્યારે બીસીઆઇના નવા નિર્ણય અનુસંધાનમાં ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા પરિપત્ર અંગે બાર કાઉન્સિલની વેરીફિકેશન કમીટીના સભ્ય અને ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું કે, જૂલાઇ-2010 પછી અને તા.28-2-2022 પહેલા નોંધાયેલા વકીલો પૈકી જે 18 હજાર વકીલોએ પોતાના ડેકલેરેશન ફોર્મ અગાઉ ભરેલા હતા, તેઓને પણ હવે નવેસરથી પ્રેકટીસ વેરીફિકેશન ફોર્મ ભરવાના રહેશે.
પ્રેકટીસ વેરીફિકેશન ફોર્મની સાથે સૂચનાપત્રમાં જણાવ્યા મુજબ, ધોરણ-10, ધોરણ-12, ગ્રેજયુએશન અને એલએલબીની તમામ માર્કશીટ્સ સ્વપ્રમાણિત કરીને મોકલવાની રહેશે. દરેક માર્કશીટની નકલ પર સનદ નંબર અચૂક લખવાનો રહેશે.
વેરીફિકેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઇ નથી રહી તેનું એક કારણ એ પણ છે કે, વાસ્તવમાં વેરીફિકેશનની પ્રક્રિયા જ બહુ જટિલ અને ગૂંચવણભરી બનાવી દેવાઇ છે. કારણ કે, છેલ્લા 9 વર્ષથી વેરીફિકેશન ફોર્મ અને ડેકલેરેશન ફોર્મ કરાવવાના નિર્દેશો હતા, હવે બીસીઆઇએ ફેબ્રુઆરી-2022 સુધીના બધા વકીલોએ માત્ર વેરીફિકેશન ફોર્મ જ ભરવાનું નવુ ગતકડું કાઢયુ છે. તો, વેરીફિકેશનની પ્રક્રિયા પણ માનીએ છીએ એટલી સરળ નથી.
રાજયના હજારો વકીલોએ ખરેખર તો આ મામલે ગંભીરતા અને જાગૃતતા દાખવી વેરીફિકેશન ફોર્મ સમયસર જમા કરાવવા જોઇએ, તે બાર કાઉન્સિલમાં જમા જ કરાવ્યા નથી. બીસીઆઇના નવા નિર્ણય મુજબ, ગુજરાતના જે 18 હજારથી વધુ વકીલોએ અગાઉ ડેકલેરેશન ફોર્મ જમા કરાવી દીધા હતા, તેમણે પણ હવે બીસીઆઇના નિર્ણય મુજબ, પ્રેકટીસ વેરીફિકેશન ફોર્મ જમા કરાવવા પડશે. વેરીફિકેશનની પ્રક્રિયામાં જટિલતાને લઇ વકીલોમાં પણ રોષ વ્યાપ્યો છે.

