(જી.એન.એસ) તા. 7
અમદાવાદ,
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ શિવમ આવાસ યોજના ખાતે એક રીઢા ગુનેગાર દ્વારા ફિલ્મી ખેલ કરવામાં આવ્યો હતો જ્યારે તેને પોલીસને પકડવા આવતા જોઈને આરોપી શિવમ આવાસ યોજનાના ફ્લેટની બાલ્કનીમાં ચઢી ગયો હતો. પોલીસ આરોપીને નીચે ઉતરી જવા કહી રહી હતી ત્યારે આરોપીએ બાલ્કનીમાંથી કુદી પડવાની ધમકી આપી હતી. આરોપીએ આત્મહત્યાની ધમકી આપ્યા બાદ પોલીસે રેસ્કયૂ કરવા માટે ફાયર ડિપાર્ટમેન્ટના જવાનોને પણ ઘટના સ્થળે બોલાવી લીધા હતા.
આરોપીએ પોલીસને બાલ્કનીમાંથી કુદીને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. પોલીસે સત્વરે ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરી. ફાયર ડિપાર્ટમેન્ટના જવાનોએ સ્થળ પર પહોંચીને આરોપીને નીચે ઉતારવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યુ હતું. પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓની 3 કલાકની મહામહેનત બાદ આરોપી ઝડપાયો હતો. આરોપી સહીસલામત ઝડપાતા પોલીસ, ફાયર ડિપાર્ટમેન્ટ અને આસપાસ એકઠા થઈ ગયેલા લોકોએ રાહતની શ્વાસ લીધો હતો, પોલીસ તેને હવે પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

