(જી.એન.એસ) તા. 23
નાઈજરના ગૃહ મંત્રાલયે માહિતી આપતા કહ્યું હતું કે, શુક્રવારે બપોરે માલી અને બુર્કિના ફાસોની સરહદે આવેલા કોકોરુ ગ્રામીણ વિસ્તારના ફામ્બિતા ગામમાં એક જેહાદી સંગઠન દ્વારા હુમલ કર્યો હતો અને આ ઘટના માટે ‘ઈસ્લામિક સ્ટેટ ઈન ગ્રેટ સહારા અથવા EIGS’ને જવાબદાર ઠેરવ્યું હતું.
ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બપોરે 2 વાગ્યે, જ્યારે મુસ્લિમ શ્રદ્ધાળુઓ શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા, ત્યારે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ મસ્જિદને ઘેરી લીધી અને નરસંહાર કર્યો.” તેમાં કહેવામાં આવ્યું છે કે હુમલાખોરોએ બહાર નીકળતા પહેલા એક બજાર અને ઘરોમાં આગ લગાવી દીધી હતી.
આ હુમલાની ઘટનામાં નાઈજરના 44 નાગરિકોની હત્યા બાદ સરકારે 3 દિવસનો શોક જાહેર કર્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, કામચલાઉ મૃત્યુઆંક ઓછામાં ઓછો 44 હતો, જ્યારે 13 ગંભીર રીતે ઘાયલ થયા હતા. મંત્રાલયે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. નાઇજર, તેના પડોશીઓ બુર્કિના ફાસો અને માલી સાથે, એક દાયકા કરતાં વધુ સમયથી જેહાદી સંગઠનો દ્વારા બળવો સામે લડી રહ્યું છે. તેમાંથી કેટલાક સંગઠનો અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા છે. આ પહેલા પણ તે અનેકવાર આવા હુમલા કરી ચૂક્યું છે.

