Home દેશ - NATIONAL સુપ્રિમ કોર્ટના ચાર જજોના બળવા પાછળ પણ સૌહરાબુદ્દિન કેસનું ભૂત…!?

સુપ્રિમ કોર્ટના ચાર જજોના બળવા પાછળ પણ સૌહરાબુદ્દિન કેસનું ભૂત…!?

1524
0

આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી ગેલેપ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના ત્રીજા સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે જાહેર કર્યા એ જ દિવસે ઘરઆંગણે અન્ય કોઈ નહીં પરંતુ દેશની સર્વોચ્ચ સુપ્રીમ કોર્ટના સિનિયર મોસ્ટ ચાર જજોએ સુપ્રીમ કોર્ટ નહીં બચાવો તો લોકશાહી ખતમ થઇ જશે એવી જાહેરાત કરીને મોદી સરકારની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાના વટાણા વેરી નાખ્યા. ભારતના ઈતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે કે જેમાં સુપ્રીમના મુખ્ય ન્યાયમૂર્તિ સામે એક નહીં પણ ચાર ચાર જજોએ બળવો પોકાર્યો હોય. મોદી સરકારે જોકે એનાથી કોઈ ફેર પડતો નથી એવો દેખાવ ભલે કર્યો હોય પરંતુ આંતરિક રીતે મોદી સરકાર હચમચી ગઈ હોવાનું સમજાય છે.
રાજકીય સૂત્રોએ જણાવ્યું કે સુપ્રીમના જે ચાર જજોએ જેમાં જસ્ટીસ કુરિયન જોસેફ, જસ્ટીસ ચેલમેશ્વર, જસ્ટીસ ગોગોઈ અને જસ્ટીસ મદનમકુરે દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને એમ કહ્યું કે જો સુપ્રીમકોર્ટમાં ચાલી રહેલી ગડબ઼ડો રોકવામાં નહીં આવે તો ભારતમાં લોકશાહી ખતમ થઈ જશે. તેમણે ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની કાર્યપદ્ધતિ સામે સખત વિરોધ નોંધાવ્યો છે. જેમાં સૌહરાબુદ્દિન એન્કાઉન્કટર કેસની સુનાવણી કરી રહેલા સીબીઆઈના ખાસ જજ બી. એચ. લોયાના રહસ્યમય મોતનો મુદ્દો મુખ્ય બાબત હોવાનું મનાઈ રહ્યું છે. ચાર જજોએ જે પત્ર લખ્યો છે તેમાં જસ્ટીસ લોયાના રહસ્યમય મોતની તપાસ કરવા અંગે થયેલી પીઆઈએલ સિનિયર જજની કોર્ટને સોંપવાને બદલે જુનિયર જજને સોંપવામાં આવતા આ ચાર જજો ભડક્યા હોવાનું મનાય છે. સૂત્રો એમ પણ કહે વાસ્તવમાં જે ચિત્ર ધીમે ધીમે ઉપસી રહ્યું છે તેમાં જજ લોયાના રહસ્યમય મોતનો મામલો કેન્દ્રસ્થાને હોય તેમ જણાઈ રહ્યું છે. નોંધનીય છે કે જજ લોયા એક રહસ્યમય સંજોગોમાં નિધન પામ્યા હતા. પીઆઈએલમાં આ અંગેની વિસ્તૃત માહિતી અને આક્ષેપ કરવામાં આવ્યો છે. સોહરાબુદ્દિન કેસમાં એક રાજકીય કદાવર નેતાનું ભવિષ્ય જોડાયેલું છે.
સૂત્રોએ કહ્યું કે વડાપ્રધાન મોદી દાઓસ જવાના છે. આમ તો દરવર્ષે દાઓસમાં વર્લ્ડ ઈકોનોમી ફોરમના નેજા હેઠળ પરિષદ યોજાય છે. પરંતુ આ વખતે વડાપ્રધાન મોદી હાજર રહેવાના હોવાથી શાહરુખ ખાનને પણ ત્યાં હાજર રાખીને તેમનું સન્માન થવાનું છે. દાઓસમાં મોદીની હાજરી તેમની પ્રતિષ્ઠા માટે એક મુઠ્ઠી ઉંચેરી બાબત કહી શકાય પરંતુ તેમની આ મુલાકાત પહેલા જ સુપ્રીમકોર્ટના ચાર જજોએ જે ન્યાયતંત્ર પર દેશનો સામાન્ય માનવી એવી આશા રાખે છે કે સરકારમાં કે અન્યત્ર ન્યાય નહીં મળે તો છેવટે ન્યાયતંત્ર ન્યાય અપાવશે પંરતુ ન્યાયતંત્રમાં પણ બધું જ ઠીકઠાક નથી અને ચીફ જસ્ટીસની કાર્યપદ્ધતિ સામે વિરોધ કરનાર ચાર જજોએ જે કહ્યું તે યોગ્ય જ છે કે કાલે ઉઠીને કોઈ અમને એમ ન કહે કે અમે અમારો આત્મા વેચી નાખ્યો છે. ચાર જજોના આ શબ્દો થોડામાં ઘણું કહી જાય છે. સૂત્રોએ કહ્યું કે ચાર જજોના આક્ષેપ બાદ તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની જે રાજરમત સોશ્યલ મીડિયા દ્વારા શરુ થઇ છે તે પણ ગંભીર બાબત છે. છેલ્લા ઘણાં સમયથી એવું જોવામાં આવી રહ્યું છે કે મોદી સરકારની સામે બોલનારને એક યા બીજી રીતે હેરાન પરેશાન કરવાનો આક્ષેપો થયા છે. ચાર જજોએ પોતાની પ્રતિષ્ઠા અને જીવનને જોખમમાં મુકીને લોકશાહીને બચાવવા માટે જે મામલો જનતાની અદાલતમાં મૂક્યો છે ત્યારે કેન્દ્ર સરકારે તેમની સાથે વાતચીત કરીને તેમના આક્ષેપોમાં તથ્ય હોય તો સુપ્રીમકોર્ટના ન્યાય વ્યવસ્થામાં ફેરફારો કરવા જોઇએ. સુપ્રીમકોર્ટના જજો જ્યારે પોતે જ હારી થાકીને જનતાની અદાલતમાં જવા માટે મીડિયાનો સાથ લે ત્યારે એ પુરવાર કરે છે કે લોકશાહીમાં મીડિયા ચોથી જાગીર છે.
સૂત્રોએ કહ્યું કે ચીફ જસ્ટીસ સામે આક્ષેપો થયા છે ત્યારે તેમની સામે મહાઅભિયોગનો કેસ ચલાવવાની પ્રક્રિયા મોદી સરકારે કરવી જોઇએ. ભૂતકાળમાં આ પ્રક્રિયા થઇ જ હતી. એથી એમાં કોઇ નવી પ્રણાલી નહીં ગણાય. દરમ્યાનમાં ભાજપના વરિષ્ઠ સાસંદ સુબ્રમણ્યમ સ્વામીએ ચાર જજોના મામલામાં ઝંપલાવીને એમ કહ્યું છે કે વડાપ્રધાન મોદીએ તેમાં હસ્તક્ષેપ કરવો જોઇએ. મામલો વધારે ગંભીર સ્વરુપ લે તે પહેલા અને આ જજોને એક્ટિવિસ્ટ બનવું છે એવી ટીકા ટિપ્પણી રોકવાની સાથે જો કેન્દ્ર સરકાર દરમ્યાનગિરી નહીં કરે તો ન્યાયતંત્રની સાથે સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleન્યાયતંત્ર કટોકટીમાં, મુખ્ય ન્યાયાધીશ પર મહાભિયોગનો નિર્ણય જનતા કરે
Next articleપ્રવીણ તોગડીયાને રાજસ્થાન પોલીસ ઉઠાવી ગઇ..!, સંઘ-વિએચપીમાં હડકંપ