ભારતના તમામ આઠ રિકર્વ તીરંદાજો આગામી રાઉન્ડમાં પહોંચ્યા
(જી.એન.એસ) તા. ૫
અમદાવાદ,
અમદાવાદના પ્રતિષ્ઠિત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શનિવારે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ની સ્પર્ધાનો સત્તાવાર પ્રારંભ થઈ ચૂક્યો છે. સત્તાવાર પ્રેક્ટિસ અને સાધનોની તપાસ બાદ તીરંદાજોએ પોતાની સ્પર્ધાની શરૂઆત કરી હતી.
પ્રથમ દિવસે પેરા રિકર્વ ક્વોલિફિકેશન રાઉન્ડ અને વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ યોજાયા હતા. જેમાં પુરુષ અને મહિલા રિકર્વ કેટેગરીમાં કુલ 39 તીરંદાજોએ ભાગ લીધો હતો. દરેક કેટેગરીમાં ચાર એમ ભારતના આઠ તીરંદાજોએ ભાગ લીધો હતો.
ભારતીય તીરંદાજોએ શાનદાર શરૂઆત કરી, જેમાં હરવિંદર સિંહે પેરા રિકર્વ પુરુષ ક્વોલિફિકેશનમાં 20 તીરંદાજોમાં ત્રીજું સ્થાન મેળવ્યું, જ્યારે ભાવનાએ પેરા રિકર્વ મહિલા ક્વોલિફિકેશનમાં 19 તીરંદાજોમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

ભારતના તમામ આઠ તીરંદાજો — પુરુષ કેટેગરીમાં હરવિંદર સિંહ, પ્રવીણ, સહજવીર સિંહ અને વિજય સુન્ડી, તેમજ મહિલા કેટેગરીમાં ભાવના, પૂજા કુમારી, રાજશ્રી ધનરાજ રાઠોડ અને પૂજા — આગામી રાઉન્ડમાં પહોંચ્યા છે.
મહિલા ક્વોલિફિકેશનમાં ઈન્ડોનેશિયા ટોચ પર રહ્યું, જ્યારે પુરુષ ક્વોલિફિકેશનમાં ઈરાને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
આજે (રવિવાર) પેરા કમ્પાઉન્ડના તીરંદાજો મેદાનમાં ઉતરશે. જેમાં ભારતના અગ્રણી તીરંદાજો શીતલ દેવી, પાયલ નાગ અને રાકેશ કુમાર પણ સ્પર્ધામાં ભાગ લેશે.
પ્રથમ દિવસની શરૂઆત સાથે સ્પર્ધા હવે આગામી તબક્કામાં પ્રવેશી રહી છે. આવનારા દિવસોમાં વિવિધ કેટેગરીમાં ક્વોલિફિકેશન અને એલિમિનેશન રાઉન્ડ યોજાશે. જેના આધારે તા. 8 અને 9 સપ્ટેમ્બરના રોજ ફાઇનલ્સ અને મેડલ સમારોહ યોજાશે.

