(જી.એન.એસ) તા. ૫
અમદાવાદ,
શહેરના બાપુનગર વિસ્તારમાં સોલાર ઇન્વર્ટર આપવાના નામે એક વેપારી સાથે 1.46 કરોડથી વધુ રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને બાપુનગર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીની રાજકોટથી અટકાયત કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આ મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપીએ ફરિયાદી વેપારીને સોલાર ઇન્વર્ટર સપ્લાય કરવાનું વચન આપીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ બેંક ટ્રાન્સફર મારફતે બે તબક્કામાં કુલ 1,46,73,913 રુપિયા મેળવી લીધા હતા, જેમાં પ્રથમ વખત રુપિયા 56,38,957 અને બીજી વખત રુપિયા 90,34,956 ટ્રાન્સફર કરાવ્યા હતા. વિશ્વાસ સંપાદિત કરવા માટે આરોપીએ ફેક ઇન્વોઇસ અને ઈ-વે બિલ બનાવીને વેપારીને મોકલી આપ્યા હતા, પરંતુ જે-તે સમયે માલની ડિલિવરી કરી ન હતી.
પૈસા પાછા આપવા મામલે અયોગ્ય જવાબો અને સતત વાયદા કર્યા બાદ પણ સોલાર ઇન્વર્ટર ન મળતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ મામલે 03 સપ્ટેમ્બર 2026ના રોજ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદ નોંધાતા જ પોલીસે ખાસ તપાસ ટીમની રચના કરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે રાજકોટ ખાતે દરોડો પાડીને આરોપી હિતેશભાઈ રમેશભાઈ ભુવાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આરોપી સામે અગાઉ પણ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓ નોંધાયેલા છે. હાલ બાપુનગર પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરુ કરી છે.

