ગુજરાતના મંદિરોમાં જન્માષ્ટમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી
(જી.એન.એસ) તા. ૫
અમદાવાદ,
અમદાવાદ શહેરના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવને લઈને ખુબ સારી અને મનમોહક રોશની કરવામાં આવી હતી સાથે જ ભગવાન શ્રીકૃષ્ણને ભાવતા છપ્પન ભોગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મંદિરોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે. આ પવિત્ર અવસરે વહેલી સવારથી જ અમદાવાદના વિવિધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. પરિવારજનો સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રીકૃષ્ણના દર્શન કરવા અને ભક્તિમય માહોલનો અનુભવ કરવા પહોંચી રહ્યા છે. નંદ ઘેર આનંદ ભયોના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિરસથી છલકાઈ રહ્યું છે. રાત્રિના બાર વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી કરાશે, જેનો ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

એક ભક્તે ઇસ્કોન મંદિર, એસ.જી. હાઈવેનો મહિમા વર્ણવતા જણાવ્યું કે તેઓ છેલ્લા 15-17 વર્ષથી જન્માષ્ટમી નિમિત્તે ઇસ્કોન મંદિરની મુલાકાત લે છે. ઇસ્કોનનું નામ સાંભળતા જ રૂવાડા ઊભા થઈ જાય છે. કૃષ્ણ મહિમા, કીર્તન અને અદભુત શણગારની વાત આવે ત્યારે આ મંદિરનું મહત્વ અનેક ગણું વધી જાય છે. તેમણે ખાસ કરીને ભગવાનના આજના અપરંપાર શણગારનો ઉલ્લેખ કર્યો. ઘણા ભક્તો ઉપવાસ રાખીને આ કીર્તનનો લાભ લઈ રહ્યા છે. મંદિરનું લાઈટિંગ ડેકોરેશન પણ ખૂબ જ અદભુત અને દિવ્ય લાગી રહ્યું છે.
જન્માષ્ટમીના દિવસે દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં વહેલી સવારથી જ ‘જય દ્વારકાધિશ’ ના નાદથી સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યુ હતું. દ્વારકાના નાથનો જન્મદિવસ છે અને આ રૂડા અવસરે મંદિરમાં દર્શન માટે હકડેઠઠ મેદની ઉમટી રહી છે. સમગ્ર દેશમાં જ્યારે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે દ્વારકાધિશના દર્શને પણ ભક્તો ઉમટી રહ્યા છે..

વહેલી સવારથી મંગળા આરતીનો લાભ લેવા ભાવિ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. મંગળા આરતી બાદ પ્રભુની ખુલ્લા પડદે અનઘોળ (સ્નાન વિધિ) કરવામાં આવ્યુ. જન્મોત્સવને પગલે મંદિરને અદ્દભૂત શણગાર અને રોશનીથી સજાવવામાં આવ્યુ છે. ભાવિકોને દર્શનમાં કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સુરક્ષા વ્યવસ્તા સુનિશ્ચિત કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
દ્વારકાધિશ મંદિરમાં રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવની આરતી શરૂ થઈ અને મધ્ય રાત્રિ સુધી ભાવિ ભક્તો દ્વારકાધિશના દર્શનનો લાભ લીધો હતો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડાકોરના ઠાકોર રાજાધિરાજ રણછોડરાયજીએ અમૂલ્ય રત્નો જડિત મોટો મુગટ ધારણ કરી ભાવિકોને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા હતા. મધરાતે કૃષ્ણ જન્મને વધાવવા ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. યાત્રાધામ ડાકોરની ગલીઓ જય રણછોડ માખણચોરના નાદથી ગૂંજી ઉઠી હતી. રણછોડરાયજી મંદિરમાં જન્માષ્ટમીના રોજ રાત્રિના 12 કલાકે ઠાકોરજીના જન્મ ઉત્સવનો પ્રારંભ થયો હતો.
રાજાધિરાજ રણછોડરાયજી પ્રભુને લલાટે કુમકુમ તિલક કરી સલામી સાથે જન્મોત્સવનો પ્રારંભ થયો હતો. પ્રથમ પંચામૃત સ્નાન, શુદ્ધોદક સ્નાન બાદ ચુનરીયા વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યાં હતાં. બાદમાં અમૂલ્ય હીરા અને રત્નોજડિત ઝરઝવેરાતનો અદભુત આકર્ષણ ધરાવતો મોટો મુગટ ધારણ કરાવવામાં આવ્યો હતો. જન્માષ્ટમીના આ સેવા દર્શન બાદ બાલ ગોપાલલાલજી મહારાજને મંદિરમાં સોનાના પારણે ઝૂલાવવામાં આવ્યાં હતાં. જે સમયે પ્રભુને જન્મોત્સવના કીર્તનથી લાડ લડાવવામાં આવ્યાં હતાં.

કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે રણછોડરાયજી મંદિરમાં ભાવિકોનો મહેરામણ ઉમટ્યો હતો. જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી જ વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શન માટે મંદિરે પહોંચ્યા હતા. ભાવિકોનો પ્રવાહ મધરાત સુધી અવિરત ચાલુ રહ્યો હતો. મધરાતે સોનાના પારણે ઝૂલતા ગોપાલલાલજીના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. સમગ્ર પર્વ દરમિયાન શ્રદ્ધાળુઓની સુવિધા માટે મંદિર પ્રશાસન તેમજ વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.
પૂજારી જનક મહારાજે જણાવ્યું હતું કે, લાલાનો જન્મ ખૂબ ધામધૂમથી અહીં મનાવવામાં આવતો હોય છે. રાત્રે બાર વાગે જેવો ઠાકોરજીનો જન્મ થાય તે દરમિયાન ભગવાનને રાજ તિલક કરવામાં આવતુ હોય છે. તિલક કર્યા બાદ ભગવાનને સ્નાન કરાવવામાં આવતુ હોય છે. રાત્રે પંચામૃત સ્નાન,અભ્યંગ સ્નાન કર્યા પછી ભગવાનને વિવિધ પ્રકારના આભૂષણ ધરાવવામાં આવતા હોય છે. ત્યારબાદ સવા લાખનો મુગટ ધારણ કરાવવામાં આવતો હોય છે. જે વર્ષમાં ત્રણ જ વાર ભગવાન ધારણ કરતા હોય છે. એક જન્માષ્ટમીના દિવસે,આસો સુદ પૂર્ણિમાના દિવસે અને કારતક સુદ પૂર્ણિમાના દિવસે. બાલ કૃષ્ણ લાલજીને સોનાના પારણે ઝુલાવવામાં આવતા હોય છે. વારાદારીઓ ભગવાનને લાડ લડાવતા હાથમાં સોનાનો ઘુઘરો આપી અને ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી’ ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલકી’ ગાઈને લાલાને ખૂબ પ્રેમથી રાત્રે બે વાગ્યાના અરસામાં ભગવાન પારણે બિરાજે છે અને પારણે ઝૂલે છે.
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના નંદ મહોત્ત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી પર્વ બાદ યોજાયેલા નંદ મહોત્સવ નિમિત્તે શામળિયા મંદિરે ભગવાનને ઝુલાવવાનો વિશેષ મનોરથ યોજાયો હતો.
મંદિર પરિસરમાં ઠાકોરજીને સુંદર પારણામાં પધરાવી હેતના હિંચકે ઝુલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભગવાનને ચાંદીના વિવિધ રમકડાં રમાડવામાં આવ્યા હતા. ઠાકોરજીના આ અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
નંદ મહોત્સવના વિશેષ મનોરથના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો શામળાજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને આનંદના માહોલથી ગુંજી ઉઠ્યું હતું.
શામળાજીમાં શ્રાવણ વદ નોમના પાવન પર્વે પારણા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીના બીજા દિવસે શ્રાવણ વદ નોમ નિમિત્તે ભગવાન શામળિયાનો પારણા ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. ઠાકોરજીને સુંદર પારણામાં પધરાવી પય્યાના હીંચકે ઝુલાવવામાં આવ્યા હતા. ભગવાનને પેંડા-બરફી સહિતના મિષ્ટાન્નનો વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ પારણું ઝુલાવી બાળ સ્વરૂપ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમી અને પારણા ઉત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ભારે ભીડ વચ્ચે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના કારણે દર્શનાર્થીઓએ શાંતિપૂર્ણ અને સુગમ રીતે ઠાકોરજીના દર્શન કર્યા હતા. દર્શનાર્થીએ મંદિરના પૂજારીઓ અને કર્મચારીઓના સહયોગી અભિગમની પ્રશંસા કરી હતી. સાથે જ સુંદર વ્યવસ્થા બદલ શામળાજી મંદિર ટ્રસ્ટ તથા સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

