સુરતના રઘુકુળ માર્કેટ પાસે 864 મેટ્રિક ટન વજનવાળું ઓપન વેબ ગર્ડર તબક્કાવાર પદ્ધતિથી સફળતાપૂર્વક ગોઠવાયું
(જી.એન.એસ) તા. ૭
સુરત,
ગુજરાત મહારાષ્ટ્ર મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત એન્જિનિયરિંગ ક્ષેત્રે સુરતમાં એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી હતી જેમાં, શહેરના ખુબ ભીડભાળ વાળા વિસ્તારમાંથી એક એવા રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ પાસે કમેલા ખાડી પર 86 મીટર લાંબા વિરાટ ઓપન વેબ ગર્ડરને અત્યાધુનિક ચાર તબક્કાવાર પદ્ધતિથી સફળતાપૂર્વક સેટ કરી સ્થાઈ કરવામાં આવ્યું છે.
સુરતના કમેલા ખાડીનો આ વિસ્તાર ભારે મશીનરી અને ક્રેનની અવરજવર માટે ખૂબ જ મર્યાદિત અને જટિલ ક્ષેત્ર માનવામાં આવે છે. રઘુકુળ ટેક્સટાઈલ માર્કેટ પાસે જમીનની સપાટીથી 12.4 મીટરની ઊંચાઈ પર આ 86 મીટર લાંબા ગર્ડરને ફીટ કરવા માટે વિશેષ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ભગીરથ કાર્યને પાર પાડવા માટે એસેમ્બલિંગ (ભાગોને ભેગા કરવા), લોન્જિટ્યુડિનલ પુલિંગ (લાંબી દિશામાં ખેંચવું), લિફ્ટિંગ (ઊંચકવું) અને ટ્રાન્સવર્સ શિફ્ટિંગ (સાઈડમાં ચોકસાઈપૂર્વક ગોઠવવું) જેવી ચાર અત્યાધુનિક તબક્કાવાર એન્જિનિયરિંગ પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી, જે ઓગસ્ટ-2026માં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સુરત ખાતે મેટ્રો તંત્ર દ્વારા આ પહેલા પણ આવા જ મોટા એન્જિનિયરિંગ સીમાચિહ્નો સર કરવામાં આવ્યા છે. સરોલી સ્ટેશન પાસે પણ આ જ કદનું એટલે કે 86 મીટર લાંબું અને 864 મેટ્રિક ટન વજન ધરાવતું ભવ્ય ગર્ડર જમીનથી 15 મીટરની ઊંચાઈએ નવેમ્બર-2025માં સફળતાપૂર્વક લોન્ચ કરાયું હતું. આ ઉપરાંત, સરોલી સ્ટેશનથી ભરત કેન્સર હોસ્પિટલ સ્ટેશન વચ્ચે 50 મીટર લંબાઈ અને 417.3 મેટ્રિક ટન વજન ધરાવતું અન્ય ગર્ડર પણ એપ્રિલ-2026માં જમીનથી 13 મીટરની ઊંચાઈએ સુરક્ષિત રીતે બેસાડી દેવામાં આવ્યું છે.
મેટ્રો તંત્ર દ્વારા આગામી દિવસોમાં આનાથી પણ વધુ જટિલ ગર્ડર લોન્ચ કરવાની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આગામી તબક્કામાં કમેલા ફ્લાયઓવર પર 18 મીટરની ઊંચાઈએ 54 મીટર લાંબું અને 543.36 મેટ્રિક ટન વજન ધરાવતું ગર્ડર ગોઠવવાનું કામ હાથ ધરાશે. આ સાથે જ, અંજના ફાર્મ સ્ટેશન નજીક રેલવે લાઈન પરથી પસાર થતા સ્પાન માટે 16 મીટરની ઊંચાઈએ 74 મીટર લાંબું અને 640.81 મેટ્રિક ટન વજન ધરાવતું વિશાળ ઓપન વેબ ગર્ડર ગોઠવવાની જટિલ કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. સુરત મેટ્રોની આ સિદ્ધિઓથી શહેરના માળખાકીય વિકાસને વેગ મળવાની સાથે લાખો નાગરિકોના મુસાફરીનો અનુભવ અત્યંત ઝડપી અને સુવિધાસભર બનશે.

