(જી.એન.એસ) તા. ૨
ગાંધીનગર,
૧૦૮ સેવા એટલે માત્ર એમ્બ્યુલન્સ નહીં, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા મળતી ‘પ્રિ-હોસ્પિટલ કેર’. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારથી તા. ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ વાવેલો નાનો છોડ આજે ૧૯ વર્ષ બાદ એક વટવૃક્ષ બની ચૂક્યું છે. ગુજરાતની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ સફળતાપૂર્વક ૧૯ વર્ષ પૂર્ણ કરીને ૨૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.
રાજ્યમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે નાગરિકો માટે આશીર્વાદરૂપ બનેલી ‘૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ’ દ્વારા અત્યાર સુધીમાં ૧ કરોડ ૯૯ લાખથી પણ વધુ ઈમરજન્સી કેસોને પ્રતિસાદ આપીને રાજ્યના લાખો પરિવાર માટે સાચા અર્થમાં ‘લાઈફલાઈન’ બની છે.
કટોકટીની સ્થિતિમાં જરૂરિયાતમંદ, ગંભીર બીમાર કે ઈજાગ્રસ્ત વ્યક્તિને ત્વરિત હોસ્પિટલ પહોંચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સુવિધા પૂરી પાડવાના ઉદાત્ત હેતુથી ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલી બનાવવામાં આવી હતી.
૧૦૮ નંબર પર આવતા ૯૯ ટકા જેટલા ફોન કોલ્સનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરના ધોરણો કરતાં પણ શ્રેષ્ઠ સક્ષમતા દર્શાવે છે. સમગ્ર રાજ્યમાં દર ૨૧ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઈમરજન્સી કેસની સારવાર માટે રવાના થાય છે. સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૧૩:૦૯ મિનિટ છે.
મેડિકલ, પોલીસ અને ફાયર સંબંધિત કટોકટી માટે ૨૪ કલાક અવિરત સેવા આપવાના હેતુથી અમદાવાદના નરોડા-કઠવાડા ખાતે ૧૫ એકરના વિશાળ વિસ્તારમાં સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. સમયનો વ્યય અટકે છે અને ત્વરિત એમ્બ્યુલન્સ રવાના કરી શકાય તે હેતુથી અહીં લોકેશન બેઝ્ડ સર્વિસ થી સજ્જ અદ્યતન CAD Application ના ઉપયોગથી કોલ કરનારનું લોકેશન ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય છે.
આ ઉપરાંત નાગરિકોની સરળતા માટે ‘૧૦૮ સીટીઝન મોબાઈલ એપ્લિકેશન’ અને ભારત દેશમાં સૌ પ્રથમ વખત પેપરલેસ ૧૦૮ ઈમરજન્સી સેવા તેમજ એમ-ગવર્નન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
૧૯ વર્ષની સેવાકીય યાત્રાના આંકડાકીય સિદ્ધિઓ
૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં કુલ ૧ કરોડ ૯૯ લાખ જેટલા કટોકટીના કેસોમાં ત્વરિત સેવા પૂરી પાડવામાં આવી છે. જેમાં મુખ્યત્વે ૧ કરોડ ૯૬ લાખ ૪૨ હજારથી વધુ મેડિકલ ઈમરજન્સી કેસો, ૨ લાખ ૫૫ હજારથી વધુ પોલીસ સંબંધી ઈમરજન્સી કેસો અને ૮ હજાર ૩૦૦ થી વધુ ફાયર સંબંધિત ઘટનાઓમાં સમયસર મદદ પહોંચાડવામાં આવી છે. આ સફળ કામગીરી દરમિયાન ૧૯ લાખ ૬૬ હજારથી વધુ ગંભીર સ્થિતિમાં મુકાયેલી મહામૂલી માનવ જિંદગીઓને ઉગારી લેવામાં આવી છે. જ્યારે એમ્બ્યુલન્સ વાહનો દ્વારા ૬૨ કરોડથી પણ વધુ કિલોમીટરનું સફળ સંચાલન કરવામાં આવ્યું છે.
માતા અને બાળ સુરક્ષા તેમજ વિવિધ મેડિકલ ઈમરજન્સીમાં યોગદાન
ગુજરાતમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના સરકારી લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં ૧૦૮ સેવાનો સિંહફાળો રહ્યો છે. ૧૯ વર્ષના સમયગાળા દરમિયાન ૬૨ લાખ ૯૭ હજારથી વધુ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત કેસોમાં કટોકટીના સમયે મદદ પહોંચાડવામાં આવી છે, જેમાં ૧ લાખ ૬૪ હજાર ૭૧૫ થી પણ વધુ પ્રસૂતિઓ એમ્બ્યુલન્સના તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે કે રસ્તામાં સફળતાપૂર્વક કરાવવામાં આવી છે. આ સિવાય ૨૪ લાખ ૧૮ હજારથી વધુ માર્ગ અકસ્માતના કેસો, ૧૧ લાખ ૭૭ હજારથી વધુ શ્વાસ સંબંધિત ગંભીર કેસો અને ૯ લાખ ૮૭ હજારથી વધુ હૃદયરોગના હુમલા સંબંધી કેસોમાં દર્દીઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડી પ્રી-હોસ્પિટલ કેર પૂરી પાડવામાં આવી છે.
દરિયાઈ બોટ અને એર એમ્બ્યુલન્સ જેવી નવિનતમ પહેલ
રાજ્ય સરકારે ૨૧ માર્ચ ૨૦૨૨ થી GUJSAIL અને GVK EMRI ના સંકલનમાં સમગ્ર ભારતમાં પ્રથમ વખત સંકલિત ‘એર એમ્બ્યુલન્સ સેવા’ નો પ્રારંભ કર્યો છે. આ ઉપરાંત દરિયામાં કામ કરતા માછીમારોના આરોગ્ય રક્ષણ માટે પોરબંદર અને ઓખા બંદર ખાતે વિશેષ ‘બોટ એમ્બ્યુલન્સ સેવા’ પણ શરૂ કરવામાં આવી છે.
દરરોજ સરેરાશ ૪,૭૮૦ જેટલા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી આ નિઃશુલ્ક સેવા આજે રાજ્યના દરેક છેવાડાના નાગરિક માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
ગુજરાતમાં ‘૧૧૨’ ઇમરજન્સી સેવાનું એક વર્ષ પૂર્ણ: પ્રતિ મિનિટ સરેરાશ ૧૦ કોલ એટેન્ડ કરીને ગણતરીની મિનિટોમાં મદદ પહોંચી
રાજ્યમાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે શરૂ કરવામાં આવેલી એકીકૃત ઇમરજન્સી હેલ્પલાઇન ‘૧૧૨’ની સેવાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષના સમયગાળા દરમિયાન ‘૧૧૨’ હેલ્પલાઇન દ્વારા ૧૦ લાખથી વધુ ઇમરજન્સી કોલ્સ એટેન્ડ કરવામાં આવ્યા છે. ૧૧૨ સેવા ખરા અર્થમાં નાગરીકો માટે લાઈફલાઈન સાબિત થઈ છે. કંટ્રોલ રૂમ દ્વારા પ્રતિ મિનિટ સરેરાશ ૧૦ કોલ એટેન્ડ કરીને ગણતરીની મિનિટોમાં પોલીસ કે સંબંધિત મદદ પહોંચાડવામાં આવી છે.
૨૪ કલાક અને ૩૬૫ દિવસ રજા વગર કામ કરતા આ બંને સેવાઓના કોલ સેન્ટર એજન્ટ્સ, એમ્બ્યુલન્સ સ્ટાફ, ડ્રાઇવરો અને પોલીસ કર્મચારીઓ ગુજરાતના સાચા અને અદ્રશ્ય ‘હીરો’ છે.

