(જી.એન.એસ) તા. ૨૭
અમદાવાદ,
ટ્રેઇન્ડ નર્સીસ એસોસિયેશન ઑફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટર દ્વારા આયોજિત એક દિવસીય કૉન્ફરન્સના ઉદ્ઘાટન સમારંભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી.
કૉન્ફરન્સના ઉદ્ઘાટન સમારંભમાં મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે કૉન્ફરન્સ તો કુંભ સમાન છે, જેમાં જ્ઞાન અને કૌશલ્યનું આદાનપ્રદાન થઈ શકે છે. માણસ તરીકે આપણે સતત શીખતા રહેવાનું હોય છે. આપણા ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સતત શીખતા રહેવું જરૂરી છે, એવું તેમણે ઉમેર્યું હતું. શ્રી પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે એઆઈ કે રોબોટ પણ નર્સિંગનું કામ લઈ શકશે નહીં. કારણ કે રોબોટ જાણકારી આપી શકશે, પરંતુ લાગણી-ભાવના સાથે કામ કરી શકતા નથી. દર્દી માટે દવા કરતાં પણ યોગ્ય વર્તન અને સારસંભાળ વધારે જરૂરી હોય છે. નર્સિંગ જેવા વ્યવસાયમાં તો ટંગ મેનેજમેન્ટની ઘણી મોટી ભૂમિકા હોય છે. ટંગ મેનેજમેન્ટ શ્રેષ્ઠ હોય, એ દુનિયા જીતી શકે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
આરોગ્ય મંત્રીશ્રીએ દયા, પ્રેમ અને કરુણાનો મંત્ર આપતાં નર્સિંગ પ્રોફેશનલ્સને જણાવ્યું હતું કે દયા, પ્રેમ અને કરુણા સાથે કામ કરવામાં આવે તો દર્દી ઝડપથી સાજો થઈ શકે છે. પેશન્ટની સેવા માટે, શ્રેષ્ઠ સારવાર માટે કમિટમેન્ટ હશે તો ભીતરની ફ્લોરેન્સ બહાર આવશે, એવું તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ ગુજરાતના નર્સિંગ પ્રોફેશનલ્સની દેશ-વિદેશમાં એક અલગ છાપ ઊભી થાય, એવા પ્રયાસો કરવા માટે પણ આહવાન કર્યું હતું. દરેક વ્યક્તિ માટે શુભ-ચિંતન અને શ્રેષ્ઠ કાર્યની ભાવના હશે તથા દયા, પ્રેમ અને કરુણાના ભાવ અને માનવતાપૂર્ણ અભિગમ સાથે કામ કરવામાં આવશે તો આ લક્ષ્ય હાંસલ કરી શકાશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીએ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે પ્રબોધેલ – ફળની આશા રાખ્યા વિના નિષ્કામ કર્મ કરવાનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે સ્થાન કોઈ પણ હોય, કામ કોઈ પણ હોય, પરંતુ રાગ-દ્વેષ કે નાની-નેગેટિવ વાતોને બદલે આપણું શ્રેષ્ઠ આપવાનો હંમેશાં પ્રયાસ કરવો જોઈએ. શુદ્ધ અને સાત્વિક ભાવે કરેલું કોઈ પણ કામ શ્રેષ્ઠ પરિણામ આપે છે.
ઉદ્ઘાટન સમારંભમાં ઇન્ડિયન મેડીકલ એસોસિયેશનના રાષ્ટ્રી પ્રમુખ શ્રી ડૉ. અનિલકુમાર જે. નાયક, TNAIના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતી એન્ની કુમાર, સિવિલના પૂર્વ સુપરિટેન્ડન્ટ શ્રી ડૉ. એમ.એમ. પ્રભાકર, સિવિલના તબિબિ અધિક્ષક શ્રી ડૉ. રાકેશ જોષી, TNAIના રાષ્ટ્રીય પ્રમુખ (વેસ્ટર્ન ઝોન) શ્રી હિતેષ ભટ્ટ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. TNAI ગુજરાત સ્ટેટ બ્રાંચના જનરલ સેક્રેટરી શ્રી ઇકબાલ કડીવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે TNAI ગુજરાત સ્ટેટ બ્રાંચના પ્રમુખ હિતેષ ભટ્ટ, જીએનસીના રજિસ્ટ્રાર ડૉ. પ્રજ્ઞા ડાભી, જીઆઈએનઈઆરએના પ્રિન્સિપાલ અને ઓર્ગનાઇઝિંગ જોઇન્ટ સેક્રેટરી ડૉ. હિરલ શાહ, સિવિલ હોસ્પિટલના નર્સિંગ સુપરિટેન્ડન્ટ શ્રી રોમાંચ ઉપાધ્યાય, TNAI ગુજરાત સ્ટેટ બ્રાંચના ઉપપ્રમુખ ટ્વિંકલ ગોહેલ, જોઇન્ટ સેક્રેટરી હેમદીપ પટેલ સહિતના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય સ્મારક ખાતે ધ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, અમદાવાદ (GINERA) દ્વારા આયોજિત આ કૉન્ફરન્સ ‘રિડિફાઇનિંગ ક્લિનિકલ પ્રેક્ટિસ: એમ્પાવરિંગ નર્સ થ્રુ ઇનોવેટિવ ટેક્નોલોજી’ થીમ પર યોજાઈ હતી, જેમાં રાજ્યભરમાંથી નર્સિંગ પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં સહભાગી બન્યો હતો.

