(જી.એન.એસ) તા. ૨૫
કચ્છ,
કચ્છના અત્યંત સંવેદનશીલ ગણાતા સર ક્રીક વિસ્તારમાંથી સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. દેશની સરહદની રક્ષા કરતા BSFના જવાનો દ્વારા સરક્રીક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન 4 પાકિસ્તાનીઓ અને ફાઈબરની બોટ સાથે પકડાયા હતા. પકડાયેલા પાકિસ્તાની નાગરિકોની ઓળખ કાદિર થાઇમોર,મુહમ્મદ મુસા, અઝગર થાઇમોર, અહસાન જાટ તરીકે થઈ છે. પાકિસ્તાની માછીમારો ફિશિંગના બહાને ભારતીય જળસીમામાં ઘૂસ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝડપાયેલા તમામ પાકિસ્તાની નાગરિકોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
સર ક્રીક વિસ્તારમાં ઘૂસણખોરીની પ્રવૃત્તિઓમાં વધારો થતાં BSF અને અન્ય સુરક્ષા એજન્સીઓ અત્યંત એલર્ટ મોડ પર આવી ગઈ છે. દરિયાકાંઠે અને સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે, જેથી દેશની સુરક્ષા સામે કોઈ જોખમ ઊભું ન થાય.

