(જી.એન.એસ) તા. ૨૨
અમદાવાદ,
સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે અમદાવાદના એક્સપ્રેસ હાઈવે સીટીએમ ટોલનાકા પાસે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
આ હાઇ-પ્રોફાઇલ કેસમાં અફઘાનિસ્તાનથી લવાયેલું હેરોઇન અને MD ડ્રગ્સ દિલ્હી થઈને રાજકોટ પહોંચાડવાનું મોટું કાવતરું હતું. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિગતો આપતા જણાવ્યું કે, આ રેકેટમાં હવે ગુજરાત સહિત 6 રાજ્યો અને સરહદ પારથી ચાલતા કાળા કારોબારનો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડ્રગ્સનો આ જથ્થો ચોકલેટ, ડ્રિંક્સ અને રેડીનેસ પ્રકારના કલરફુલ પેકેટોમાં છુપાવાયો હતો.
પોલીસની ટીમો દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહી દરમિયાન 2.5 કિલોથી વધુ MD ડ્રગ્સ અને 4.5 કિલોથી વધુ હેરોઇન જપ્ત કર્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે હેરોઇનનો આ જથ્થો સીધો અફઘાનિસ્તાનથી મંગાવાયો હતો. અફઘાનિસ્તાનમાં ડ્રગ્સની હેરાફેરી માટે ડ્રોનનો ઉપયોગ થતો હોવાની પણ ચોંકાવનારી વિગતો ખુલી છે. જ્યારે એમ.ડી. ડ્રગ્સનો જથ્થો રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મંગાવવામાં આવ્યો હતો – અનુપમસિંહ ગેહલોત, પોલીસ કમિશનર, અમદાવાદ
ડ્રગ્સ કેસના મુખ્ય તથ્યો –
કુલ જપ્ત ડ્રગ્સ: 2.5 kg થી વધુ MD અને 4.5 kg થી વધુ હેરોઇન (કિંમત: ₹25 કરોડ+)
મુખ્ય કનેક્શન: અફઘાનિસ્તાન ➔ દિલ્હી ➔ અમદાવાદ ➔ રાજકોટ
મુખ્ય માસ્ટરમાઇન્ડ: રાજકોટનો અસલમ અને પેરોલ પર છૂટેલો કફીલ અહેમદ
ટેકનોલોજી: ક્રિપ્ટોકરન્સી, એન્ક્રિપ્ટેડ એપ્સ અને અફઘાનિસ્તાનમાં ડ્રોનનો ઉપયોગ
સપ્લાય મોડસ ઓપરેન્ડી: મહિલાઓ અને પરિવારોનો ઉપયોગ, ચોકલેટ/પીણાના પેકેટમાં પેકિંગ
મુખ્ય આરોપીઓ: કફીલ અહેમદ, તીફેલ નોખેજ અને અસલમ
આ સમગ્ર રેકેટના તાર રાજકોટના નામચીન ડ્રગ્સ માફિયા અસલમ સાથે જોડાયેલા છે, જેના કહેવાથી આ જથ્થો મંગાવાયો હતો. તપાસના કેન્દ્રમાં અત્યારે મુખ્ય આરોપી કફીલ અહેમદ અને તીફેલ નોખેજ ની ભૂમિકા છે. કફીલ અહેમદ અગાઉ પણ ડ્રગ્સના કેસોમાં ઝડપાઈ ચૂક્યો છે અને પેરોલ પર બહાર આવ્યા બાદ ફરી આ ગેરકાયદે નેટવર્કમાં સક્રિય થયો હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત મેરઠના મોહમ્મદ ઇમરાન અલ્વીની ભૂમિકા અંગે પણ ઘાટી તપાસ ચાલી રહી છે.
આરોપીઓ અમદાવાદમાં માત્ર 1 દિવસ માટે રોકાવાના હતા અને અહીંથી ગુજરાતના 7 અલગ-અલગ સ્થળોએ ડિલિવરી કરવાની યોજના હતી. રાજકોટ અને જૂનાગઢ જેવા શહેરોમાં આ ડ્રગ્સ સપ્લાય થવાનું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ ડ્રગ્સ માફિયાઓ પોતાની ઓળખ છુપાવવા માટે અત્યાધુનિક રસ્તા અપનાવતા હતા. નાણાકીય વ્યવહારો માટે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થતો હતો અને આંતરિક સંપર્ક માટે એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ વાપરવામાં આવતી હતી. આ સિવાય શંકા ન જાય તે માટે ડ્રગ્સ સપ્લાય કરવા મહિલાઓ અને આખા પરિવારનો ઉપયોગ કરાતો હોવાની ભીતિ છે. અમદાવાદ સિવાય દિલ્હી, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સુધી સપ્લાય ચેઇનના તાર જોડાયેલા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસની આ સતર્કતાથી ગુજરાતમાં ઘૂસાડાતો કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડાઈ ગયો છે. હાલ તો પોલીસે ગુજરાતના સ્થાનિક પેડલરો અને માફિયાઓ ના સંપર્કો શોધવા તપાસના ચક્ર ગતિમાન કર્યા

