અમદાવાદમાં એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ₹11.05 લાખથી વધુના ગાંજાની હેરાફેરીનું નેટવર્ક ઝડપી પાડ્યું
(જી.એન.એસ) તા. ૫
અમદાવાદ,
સમગ્ર રાજ્ય અને શહેરોમાં નશાના કાળા કારોબાર સામે પોલીસ વિભાગ કડક એક્શન લઇ રહ્યું છે તેમાં અમદાવાદ પોલીસને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રથી મોકલવામાં આવેલું ₹11 લાખનું એક રહસ્યમય કન્સાઇનમેન્ટ અમદાવાદ સુધી પહોંચી ગયું હતું. ગેરકાયદેસર ધંધાઓ કરનાર લોકોના ખરાબ ઈરાદા મુજબ ભીડભાડથી દૂર કોઈ સૂમસામ ખૂણે ચૂપચાપ ડિલિવરી થઈ જાય અને માલ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વહેંચાઈ જાય. પરંતુ આ ‘ડિલિવરી નેટવર્ક’ જ્યાં પહોંચવાનું હતું, ત્યાં એસ.ઓ.જી. (SOG) ક્રાઇમ બ્રાન્ચ પહેલેથી જ અદ્રશ્ય બનીને ગોઠવાઈ ચૂકી હતી.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા ડીસીપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમો સતત વોચમાં હતી. આ દરમિયાન અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ મંગળસિંહને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી એવી પાકી હતી કે ગોમતીપુર પતરાવાળી મસ્જિદ સામે મીટર ગેજ લાઈનથી પ્લેટફોર્મ નંબર 12 તરફ જતા નિર્જન રસ્તે કંઈક મોટું થવાનું છે. અધિકારીઓ સતર્ક હતા અને અચાનક મોટા પાર્સલો સાથે એક શંકાસ્પદ પુરુષ અને મહિલાની હિલચાલ દેખાઈ. કશું સમજે કે ભાગવાનો પ્રયાસ કરે તે પહેલાં જ પોલીસે ઘેરો ઘાલી બંનેને દબોચી લીધા. પકડાયેલા શખ્સોમાં કૃષ્ણનગરનો આશિષ ઉર્ફે ભટ્ટો પટેલ અને કુબેરનગરની સોનલબેન યાદવ હોવાનું સામે આવ્યું છે.
પાર્સલો જપ્ત કર્યા બાદ પોલીસે જ્યારે પાર્સલ ખોલાવ્યા તો તેની અંદરથી 21 કિલો 980 ગ્રામ જેટલો ગાંજા મળી આવ્યો હતો. આશરે ₹11.05 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી બંને સામે ડીસીબી પોલીસ મથકમાં એનડીપીએસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

