પોલીસ અને BDDS ની ટીમો દ્વારા કોર્ટ પરિસર ખાલી કરવી તપાસ કરવામાં આવી
(જી.એન.એસ) તા. ૫
અમદાવાદ,
શનિવારે એક ઈમેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા તંત્ર દોડતું થયું હતું. આ ધમકીભર્યા ઈમેઈલને કારણે બોમ્બ સ્કવૉડ, પોલીસ ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને તપાસ હાથ ધરી હતી જોકે કોઈ શંકાસ્પદ ચીજ મળી નહોતી.
અમદાવાદ શહેરની ઘીકાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટ અને લાલ દરવાજા સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટ તથા સુરતની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બંને કોર્ટને ઈમેલ મારફતે ધમકી મળતા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંને કોર્ટ પરિસરમાં તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે અને ત્યાં હાજર લોકો તથા કોર્ટ સ્ટાફને બહાર ખસેડવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કોર્ટની આસપાસ પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ધમકીની જાણ થતાં જ પોલીસની ટીમો સાથે ફાયર બ્રિગેડ અને BDDS એટલે કે બોમ્બ ડિટેક્શન એન્ડ ડીસ્પોસલ સ્ક્વૉડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી છે. BDDSની ટીમ દ્વારા કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કોર્ટ બિલ્ડિંગ, આસપાસનો વિસ્તાર અને શંકાસ્પદ સ્થળોની તપાસ કરીને કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તે ચકાસવામાં આવ્યું હતું.
અમદાવાદ બાદ સુરતમાં પણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. કોર્ટના ઈમેલ આઈડી પર ધમકી ભર્યો મેલ આવ્યો હતો. ઘટનાને લઇ પોલીસ દોડતી થઇ હતી અને બૉમ્બ સ્કોડ અને ડોગ સ્કોડે પહોંચીને તપાસ શરુ કરી હતી.
સમગ્ર મામલામાં હવે પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે ધમકીભર્યો ઈમેલ કયા ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવ્યો છે. ઈમેલ ક્યારે મોકલાયો, તેનો ટેક્નિકલ સ્ત્રોત શું છે અને ઈમેલ મોકલનાર વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચી શકાય તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જરૂર પડ્યે સાઇબર નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી શકે છે.

