(જી.એન.એસ) તા. ૧
અમદાવાદ,
અમદાવાદમાં ED અને CBI જેવી કેન્દ્રીય એજન્સીઓમાં ‘સેટિંગ’ કરાવી આપવાના બહાને કરોડો રૂપિયા પડાવનાર મહાઠગ પિયુષકુમાર ઉર્ફે સુનિલ પટેલની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ED અને CBIમાં મોટી ઓળખાણ હોવાનો દાવો કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ ED દ્વારા જપ્ત કરાયેલી 11.10 કરોડની રકમ છોડાવી આપવાની ખાતરી આપીને ફરિયાદી પાસેથી 3.18 કરોડથી વધુની રકમ મેળવી હોવાનો આરોપ છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.આલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2024માં ED દ્વારા આંગડિયા પેઢી પર દરોડા પાડીને 11.10 કરોડની રોકડ સહિત અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આરોપી વિજયકુમાર ઉર્ફે મુખી અને તેના સાગરિતોએ ફરિયાદીનો સંપર્ક કરીને પોતાને ED અને CBIમાં ઊંચા અધિકારીઓ સુધી સીધી ઓળખાણ હોવાનું જણાવ્યું હતું અને જપ્ત કરાયેલી રકમ છોડાવી આપવાની ખાતરી આપી હતી.
પોલીસ ઇન્સ્પેકટર વી.બી.આલના જણાવ્યા મુજબ, ફરિયાદી પાસેથી અલગ અલગ હપ્તામાં કૂલ 3,18,65,900 વસૂલવામાં આવ્યા હતા. જોકે, આરોપીઓએ ન તો ફરિયાદીનું કામ કરાવ્યું અને ન તો લીધેલા રૂપિયા પરત કર્યા હતા. આ સમગ્ર મામલે અમદાવાદના DCB પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે પોતાના માણસના નામે રૂ. 13.20 કરોડનો નોટરાઇઝ કરાર તૈયાર કરાવ્યો હતો, જેથી ફરિયાદીને એવું લાગે કે જપ્ત કરાયેલી રકમ છોડાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આરોપીની કાર્યપદ્ધતિ સરકારી અને કેન્દ્રીય તપાસ એજન્સીઓમાં ઓળખાણ હોવાનું કહી લોકોને વિશ્વાસમાં લેવાની અને ત્યારબાદ મોટી રકમ પડાવી લેવાની હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ અનેક છેતરપિંડી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેના વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. પકડાયેલ આરોપી મૂળ મહેસાણા જિલ્લાનો રહેવાસી છે અને અગાઉ વિદેશમાં પણ રહી ચૂક્યો છે. હાલમાં તેની વધુ પૂછપરછ ચાલી રહી છે જેથી આ પ્રકારની છેતરપિંડીના અન્ય ભોગ બનનાર લોકો અને સંભવિત સાગરિતો અંગે માહિતી મળી શકે છે.
ક્રાઇમ બ્રાન્ચે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ સાથે પણ આરોપીએ ED, CBI અથવા અન્ય કોઈ કેન્દ્રીય એજન્સીમાં ઓળખાણના નામે રૂપિયા લઈને છેતરપિંડી કરી હોય તો તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવે.

