(જી.એન.એસ) તા. ૧૯
પંચમહાલ,
પંચમહાલ ખાતે આવેલ પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે પાટિયા પુલ નજીક ભુસ્ખલનની ઘટના સામે આવી છે. પથ્થરોમાં દબાઈ જતા 2 ના મોત થયા છે. પગથિયાં ઉપર પથ્થર પડતા ચારથી વધુ વ્યક્તિ દબાયા છે. ઇજાગ્રસ્તો પૈકી ત્રણ વ્યક્તિઓ ને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. પથ્થર નીચે દબાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કામગીરી ચાલું છે.ધોધમાર વરસાદ દરમિયાન આ ઘટના બની હતી.
છેલ્લા ૪૮ કલાકમાં પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોધરાના કાંકણપુર નજીક મયો નદી પર નિર્માણાધીન બ્રિજ ડૂબ્યો છે.કાંકણપૂર અને રામપુરાને જોડતો માર્ગ બંધ થયો છે. નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક નાના માર્ગો બંધ થયા છે. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થવાની ઘટના સામે આવી છે.
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક પાવગઢનો ડુંગર આવેલો છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલુ છે. પાવગઢના ડુંગરની ટોચ પર મહાકાળી માતાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. 51 શક્તિપીઠોમાં સામેલ પાવાગઢમાં આદ્યશક્તિ મહાકાળીનો વાસ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અહીંના લોકોમાં ભાતીગળ રીતભાત અને સાંસ્કૃતિક લોકવારસાના દર્શન થાય છે.
પંચમહાલમાં મેઘરાજાનું વિધિવત અને ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે. સિઝન નો પ્રથમ વરસાદ જ ખેતી લાયક થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. ખેતરોમાં પણ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડા જોઈએ તો.
- કાલોલ 0.8 ઇંચ
- હાલોલ 4 ઇંચ
- ઘોઘંબા 2 ઇંચ
- જાંબુઘોડા 2.5 ઇંચ
- ગોધરા 3.2 ઇંચ
- શહેરા 3.0 ઇંચ
- મોરવા હડફ 2 ઈંચ
વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, “પાવાગઢ ખાતે થયેલી દુઃખદ ભૂસ્ખલનની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ ભક્તજનો ઝડપથી સ્વસ્થ થઈ પોતાના પરિવારજનો વચ્ચે પરત ફરે તેવી મા મહાકાળીના ચરણોમાં પ્રાર્થના. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.”

