(જી.એન.એસ) તા. ૧૭
ગાંધીનગર,
રાજ્યમાં શિક્ષણના સર્વાંગી વિકાસ અને દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાના ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે “શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬”, “કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬” કાર્યક્રમ અંગે માર્ગદર્શક બેઠક યોજાઈ હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં શિક્ષણ ક્ષેત્રે પાયાના પરિવર્તનો લાવવાના હેતુથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારિત ‘સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક(SCF)’ તેમજ શાળાઓની ગુણવત્તા ચકાસણી માટે ‘સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક(SQAAF)’ પુસ્તકનું મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, પ્રાથમિક શિક્ષણના સુદૃઢીકરણ માટે વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૨૮-૨૯ સુધી ત્રણ વર્ષ માટે મહત્વપૂર્ણ એવા ‘નિપુણ ગુજરાત કાર્યક્રમ’નો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના શાળા પ્રવેશોત્સવને પ્રગતિનો પ્રવેશોત્સવ બનાવવાના નિર્ધાર સાથે બાળકોના 100 ટકા શાળા નામાંકનથી ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે પણ નંબર વન પર રાખવાનું આહવાન કર્યુ હતું.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન શાળાઓમાં જતા દરેક અધિકારી પદાધિકારીએ એસ.એમ.સી.ની બેઠકમાં વાલીઓ અને શિક્ષણનું મહત્વ અને સર્વાંગી વિકાસ માટે શિક્ષણની આવશ્યકતા સમજાવવી જોઈએ.
“આપણે બાળકોના 100 ટકા શાળા નામાંકન માટે શું કરવું છે, કેવી રીતે કરવું છે તેના ચોક્કસ લક્ષ્ય અને વિઝન સાથે આગળ વધીશું અને વાલીઓને સમજાવીશું તો એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત નહી રહે” એમ મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 23 વર્ષ પહેલા શરૂ કરાવેલો આ શિક્ષણ સેવા યજ્ઞ અવિરતપણે 24માં વર્ષમાં પ્રવેશ્યો છે. વડાપ્રધાનશ્રીએ ખૂબ જ ઝીણવટ પૂર્વક અને બારીકાઈથી નાની નાની બાબતોની ચિંતા કરીને અપાર સંભાવનાઓ માંથી રોજે રોજ કઈ રીતે વધુ સારું કરી શકાય તેની દિશા આપણને આપી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
તેમણે રાજ્યમાં ડ્રોપ આઉટ રેટ આજે ઘટીને એક ટકા સુધી પહોંચી ગયો છે તેની સરાહના કરતા કહ્યું કે આપણે 100 ટકા નામાંકન પર ફોકસ કર્યું છે તેનું આ પરિણામ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, શાળા પ્રવેશોત્સવ સાથોસાથ બાળકોના વાંચન અને લેખન તથા ગણન પર ધ્યાન કેન્દ્રિત કરીને ગુણોત્સવને પણ સફળ બનાવીને 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થાય તે પણ એટલું જ જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિકાસના અન્ય ક્ષેત્રોમાં નંબર વન પર છે તેમ શિક્ષણમાં પણ નંબર વન પહોંચે તે માટે સૌના સહિયારા પ્રયાસોને પણ આ શિક્ષણ સેવા યજ્ઞમાં મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન કે શિક્ષણની સાથે શિક્ષકોએ તેમના રોજિંદા જીવનની આદતો, સંસ્કારો અને કૌશલ્યોને વધારવા પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. બાળકોમાં નાનપણથી જ સ્વચ્છતા, આરોગ્ય અને સદગુણો જેવી આદતો કેળવવામાં આવશે તો તેઓ ભવિષ્યમાં એક જવાબદાર અને સારા નાગરિક બની શકશે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ સૌ અધિકારીઓને શાળા પ્રવેશોત્સવના ત્રિ દિવસીય કાર્યક્રમને માત્ર સરકારી કામકાજ તરીકે ન ગણતા, તન અને મનથી જોડાઈને બાળકોના ભવિષ્યના ઘડતર માટે આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે બાળકો શાળામાં આવીને સ્વચ્છતા જાળવે, જમતા પહેલા હાથ સ્વચ્છ કરે અને સવારની રોજિંદી આદતો સુધારે તે દિશામાં શિક્ષકોએ વાલીઓને સાથે રાખીને સામાજિક અભિગમ અપનાવવો પડશે.
અગાઉ ચાલુ સત્ર દરમિયાન શાળા છોડી ચૂકેલા આશરે સાડા છ લાખ જેટલા બાળકોને શોધીને ફરી શાળા સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કરવા બદલ તેમણે શિક્ષણ વિભાગ અને સમગ્ર વહીવટી તંત્રની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આગામી દિવસોમાં સમાજના સાથ-સહકાર અને રાજ્ય સરકારના પ્રયાસોથી રાજ્યમાં ડ્રોપ-આઉટ રેશિયો શૂન્ય સુધી પહોંચશે તેવો વિશ્વાસ નાયબ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની ગૌરવશાળી સિદ્ધિ વિશે જણાવતા કહ્યું હતું કે, સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં સમગ્ર દેશમાં ગુજરાતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે રાજ્યની ૧૫ શાળાઓએ પણ આ પ્રતિષ્ઠિત રેટિંગમાં સ્થાન મેળવ્યું છે. વધુમાં, દેશના શ્રેષ્ઠ ૧૦ જિલ્લાઓમાં રાજકોટ જિલ્લાને સાતમું સ્થાન મળ્યું છે. આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર શિક્ષણ વિભાગ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગુજરાતની જનતાને શિક્ષણ મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
શિક્ષણ મંત્રી ડૉ. વાજાએ ‘સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક(SCF)’, ‘સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક(SQAAF)’ અને નિપુણ ગુજરાત અભિયાનના ત્રિવેણી શુભારંભને શિક્ષણ ક્ષેત્રે નવા યુગની શરૂઆત તરીકે વર્ણવી હતી. ગુજરાતે શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા નવતર અભિગમો દ્વારા ૧૦૦ ટકા નામાંકન અને સુવિધાસભર શાળાઓનું લક્ષ્ય હાંસલ કર્યું છે. હવે રાજ્ય સરકારનું મુખ્ય ધ્યાન શિક્ષણની ગુણવત્તા સુધારવા પર કેન્દ્રિત છે.
તેમણે વધુમાં કહ્યું કે, સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટીની સ્થાપના દ્વારા સરકારી અને ખાનગી તમામ શાળાઓ માટે સમાન ગુણવત્તા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જીસીઆરટી દ્વારા તૈયાર કરાયેલા નિયત માપદંડોના આધારે શાળાઓનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરીને તેના પરિણામો જાહેર કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અને નિપુણ ગુજરાત અભિયાનના માધ્યમથી વિદ્યાર્થીઓમાં માત્ર જ્ઞાન નહીં, પરંતુ સર્જનાત્મકતા, નવીનતા, સંશોધનવૃત્તિ અને ‘લર્નિંગ બાય ડુઇંગ’ના અભિગમને પ્રોત્સાહન આપવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ ગુજરાત માટે માત્ર સરકારી કાર્યક્રમ નહીં પરંતુ એક સામાજિક ચળવળ અને શિક્ષણ ઉત્સવ બની ગયો છે. રાજ્યના મંત્રીમંડળ, લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓ ગામડાં સુધી પહોંચી બાળકોના નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કાર્યરત છે. આ વર્ષે ખાસ કરીને શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને સમાજને શિક્ષણ પ્રક્રિયામાં વધુ સક્રિય ભાગીદાર બનાવવા પર મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો.
મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસે જણાવ્યું હતું કે, તમામ બાળકો શાળામાં પ્રવેશ મેળવીને શિક્ષિત બને તેની ચિંતા કરીને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી ગુજરાતમાં સૌપ્રથમ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, જે શિક્ષણ યજ્ઞ આજે પણ અવિરત ચાલુ છે. આ શિક્ષણ યજ્ઞ થકી આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અને ગુણવત્તામાં હકારાત્મક બદલાવ આવ્યો છે. તાજેતરમાં વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી નિતિ આયોગની બેઠકમાં પણ પોષણ, શિક્ષણ અને આરોગ્ય પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે, રાજ્યનો દરેક બાળક શાળામાં પ્રવેશ લેશે, નિયમિત શાળામાં આવશે તો જ શિક્ષણની ટકાવારીમાં વધુ વધારો થશે. આ ઉપરાંત જે બાળકો શાળા છોડી જતા રહ્યા છે તે શાળામાં પરત આવશે તો જ ડ્રોપ આઉટ રેશિયો ઘટીને શૂન્ય થશે. વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવે તે માટે આપણે શાળા પ્રવેશોત્સવ દરમિયાન વાલીઓ, SMC સભ્યો, આગેવાનો, નાગરિકોને મળીને સમજાવવા પડશે.વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવું જરૂરી છે, આ બાળકો જ ભારતનું ભાવિ છે. ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર છે ત્યારે શિક્ષણમાં પણ સંયુક્ત પ્રયાસોથી આપણે ફરીથી અગ્રેસર બનીએ તેવો આ પ્રસંગે મુખ્ય સચિવશ્રીએ સૌ અધિકારીઓને આહ્વાન કર્યું હતું.
શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણેએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ માત્ર નવા વિદ્યાર્થીઓના પ્રવેશનો કાર્યક્રમ નથી, પરંતુ રાજ્યના દરેક બાળકને શિક્ષણની મુખ્યધારામાં જોડવાનું એક વ્યાપક જનઆંદોલન છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ યાત્રા આજે ૨૪મા વર્ષમાં પ્રવેશી છે. આ વર્ષે બાલવાટિકાથી ધોરણ-૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓના ડેટા આધારિત મેપિંગ દ્વારા કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની વિશેષ કાળજી લેવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ ધોરણોમાં અભ્યાસ છોડવાના જોખમ ધરાવતા વિદ્યાર્થીઓને પુનઃશિક્ષણ સાથે જોડવા માટે રાજ્યવ્યાપી અભિયાન હાથ ધરાયું છે. શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને અન્ય ડેટાબેઝના સંકલનથી દરેક બાળક સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે કમિશનર ઓફ સ્કૂલ્સ અને જીસીઈઆરટીના નિયામક શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાના પાયાના આધારસ્તંભ તરીકે શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વધુ એક મક્કમ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ૨૧મી સદીની પ્રથમ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦’ અન્વયે ગુજરાત સરકાર દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરીને આજે શિક્ષણ વિભાગના મહત્વપૂર્ણ પ્રકલ્પોનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તેમના દ્વારા SCF, SQAAF અને નિપુણ ગુજરાત અભિયાનની વિશેષતાઓ દર્શાવતી ટૂંકી અને માહિતીપ્રદ શોર્ટ ફિલ્મ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી પ્રકાશ ત્રિવેદીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં મંજૂર થયેલી ૨૯૮ માધ્યમિક શાળાઓ પૈકી ૫ શાળાઓના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને અધિકાર પત્રો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ, રાજ્ય સરકારના ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓ, શૈક્ષણિક સંઘોના હોદ્દેદારો, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, શિક્ષકો સહિત વર્ચ્યુઅલ માધ્યમથી કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા તાલુકા-જિલ્લા કક્ષાએથી શિક્ષણ અધિકારીશ્રીઓ સહભાગી થયા હતા.

