‘સુરત શહેર નહીં, પણ સ્પિરીટ છે’: એક સમયે પ્લેગ જેવી મહામારીનો સામનો કરનાર સુરત આજે સમગ્ર દેશમાં સ્વચ્છતા અને ગ્રીન એનર્જીના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
(જી.એન.એસ) તા. ૫
સુરત,
સુરત મનપા વેસ્ટ વોટરની ટ્રિટમેન્ટ કરી સ્થાનિક ઉદ્યોગોને સ્વચ્છ પાણી વેચી દર વર્ષે રૂ.૧૪૦ કરોડની કમાણી કરે છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
વડાપ્રધાનશ્રીની જનભાગીદારીથી જળસંચયની હાંકલને પરિણામે ભવિષ્યની અનિશ્ચિતતાઓ સામે ભારત પાણીની જરૂરિયાત પૂર્ણ કરવામાં આત્મનિર્ભર બનશે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસને મળશે નવી ગતિ: વિશ્વ પર્યાવરણ

દિવસે કેન્દ્ર અને રાજ્ય સરકારના ૨૪ પ્રોજેક્ટ્સની ભેટ આપતા વડાપ્રધાનશ્રી
રૂ.૪,૮૫૨ કરોડના ખર્ચે ૫ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને રૂ.૧૩,૯૨૬ કરોડના ખર્ચે ૧૯ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સુરત ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ૨૪ વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી દક્ષિણ ગુજરાતને રૂ.૧૮,૭૭૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી.
સુરતના દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને મંત્રીગણ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાનશ્રીએ સુરતી સ્પિરીટની સરાહના કરતા જણાવ્યું હતું કે, સુરત માત્ર એક શહેર નથી, પણ ‘સ્પિરીટ’ છે. એક સમયે પ્લેગ જેવી મહામારીનો સામનો કરનાર સુરત આજે સમગ્ર દેશમાં સ્વચ્છતા અને ગ્રીન એનર્જીના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે.
તેમણે સુરતવાસીઓની સ્વચ્છતા પહેલ અને પર્યાવરણ સુરક્ષાના કાર્યોને પ્રેરણાદાયી ગણાવી ઉમેર્યું કે, સુરતની આ જાગૃતિ અને સંસ્કારોને કારણે જ તે આજે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. દેશમાં સ્વચ્છતાને સંસ્કારમાં પરિવર્તિત કરવા છે. કારણ કે સ્વચ્છતા અભિયાન દેશના સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે.
દક્ષિણ ગુજરાતમાં માર્ગ, ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક ક્ષેત્રે કેન્દ્ર સરકારના રૂ.૧૬,૯૬૮ કરોડના બહુવિધ પ્રોજેક્ટ્સ અને રાજ્ય સરકારના રૂ.૧,૮૧૦ કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા વડાપ્રધાનશ્રીએ વધુમાં કહ્યું કે, આ પ્રોજેક્ટ્સથી માત્ર ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતામાં જ વધારો નહીં થાય, પરંતુ પર્યાવરણીય સંરક્ષણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યોને પણ હાંસલ કરવામાં મદદ મળશે.
વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજે વિશ્વના દેશો પર્યાવરણ સુરક્ષા અને ‘ગ્રીન ફ્યુચર’ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે ભારત પણ ‘ઈકોનોમી’ અને ‘ઈકોલોજી’ના સમન્વય સાથે ‘ગ્રીન ગ્રોથ’ની દિશામાં અગ્રેસર બની રહ્યું છે. આ દિશામાં ગુજરાતે આ સદીના પ્રારંભે દેશમાં સૌપ્રથમ ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી અને પાટણના ચારણકામાં ભારતનો પ્રથમ સોલાર પાર્ક સ્થાપીને દેશને દિશા ચીંધી હતી. આજે ભારત વિશ્વના ટોચના ૫ સોલાર એનર્જી ઉત્પાદક દેશોમાં સામેલ છે, જેમાં ગુજરાતનું યોગદાન અત્યંત મહત્વનું છે. દેશની કુલ રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં ગુજરાતનો હિસ્સો ૨૦ ટકા જેટલો છે એનો આનંદ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર અપનાવી વિકાસની વાટ પકડી છે. છેલ્લા ૧૨ વર્ષથી સમગ્ર દેશમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ ના ધ્યેય સાથે ‘કચરામાંથી કંચન’ એટલે કે કચરાનું સંપત્તિમાં મોટા પાયે પરિવર્તન કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન આપણા શહેરોને સાફ રાખવા અને તેમને હરિયાળા તથા સ્વચ્છ બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
વર્તમાન વૈશ્વિક સ્થિતિ અંગે વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, વર્તમાન દાયકો સમગ્ર વિશ્વ માટે આપત્તિનો દાયકો સાબિત થઈ રહ્યો છે. વિકટ કોરોના સંકટ અને ત્યારબાદ વિવિધ દેશો વચ્ચે યુદ્ધો ફાટી નીકળ્યા અને હવે વિશાળ ઉર્જા સંકટે સમગ્ર વિશ્વને અવ્યવસ્થામાં ધકેલી દીધું છે. પરંતુ કેન્દ્ર સરકારે ઉર્જા સપ્લાય ચેનને ખોરવાવા દીધી નથી. ૧.૪ અબજ ભારતીયોના સામૂહિક પ્રયાસોથી દેશ આવા દરેક સંકટનો મજબૂતીથી સામનો કરી રહ્યો છે.
સુરતની ‘સર્ક્યુલર વોટર ઈકોનોમી’ની પ્રશંસા કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, શહેરના વેસ્ટ વોટરને ટ્રીટ કરીને ઉદ્યોગોને વેચાણ થકી પૂરૂ પાડવાની આ પદ્ધતિ પર્યાવરણ સુરક્ષાની સાથે આર્થિક ઉપાર્જનનું પણ ઉત્તમ ઉદાહરણ છે. તેમણે આગામી સમયમાં તાપી બેરેજ પ્રોજેક્ટ દ્વારા સુરતની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે એમ જણાવી પાંચ દાયકા સુધી શહેરની પાણીની તંગી ન પડે તેવી સુરત મનપાના આયોજનને બિરદાવ્યું હતું.
આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, સુરતનું હજીરા આજે મેરીટાઈમ હબ અને ડિફેન્સ પ્રોડક્શનના ગ્લોબલ સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે. અહીં વૈશ્વિક વ્યાપારની ઇકોસિસ્ટમ નિર્માણ પામી છે, નોમિક ઉજળી તકો છે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને આધુનિક રેલવે નેટવર્ક દ્વારા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોને પણ વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં આવ્યા છે.
દેશના નાગરિકો અનિશ્ચિતતા, અરાજકતા અને નિરાશાને ક્યારેય પસંદ નથી કરતા જેની સાબિતી પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હોવાનું જણાવી દેશના કરોડો નાગરિકો આગવા સંકલ્પોથી સિદ્ધિ મેળવવા પ્રતિબદ્ધ બને, દેશવાસીઓ બે કદમ આગળ વધે તો પોતે ત્રણ કદમ આગળ વધવા અને દેશવાસીઓની વિકાસની ઝંખના અને વિશ્વાસને પરિપૂર્ણ કરવા તત્પર છે એવી ખાતરી આપી હતી.
ગુજરાત અને દેશના ઔદ્યોગિક વિકાસમાં દક્ષિણ ગુજરાતનું યોગદાન અત્યંત મહત્વનું છે, ત્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં હાઈવે કનેક્ટિવિટી વધવાથી ‘‘પઢાઈ, દવાઈ અને કમાઈ’’- શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારીની તકોમાં વધારો થશે એમ જણાવી વડાપ્રધાનશ્રીએ ઉપસ્થિત જનમેદનીને ‘વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સિદ્ધ કરવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અને ગુજરાત સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @૨૦૪૭’ ના વિઝનને સાકાર કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના પથદર્શન હેઠળ વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધ્યું છે. વડાપ્રધાનશ્રીએ સમય કરતાં બે ડગલાં આગળ વિચારીને તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જનો અલાયદો વિભાગ કાર્યરત કર્યો હતો અને ક્લાઈમેટ ચેન્જના પડકારોને અવસરમાં બદલવા કમર કસી હતી. પાટણના ચારણકામાં એશિયાનો સૌથી મોટો સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપીને રાજ્યને ઉર્જાસક્ષમ બનાવવામાં તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત ‘ગ્રીન ગ્રોથ’ અને ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ના મોડેલ સાથે ‘વિકસિત ભારત@2047’ના નિર્માણમાં અગ્રેસર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના વિઝનને પરિણામે ગુજરાત સોલાર એનર્જી અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર છે. ‘પીએમ સૂર્યઘર નિ:શુલ્ક વીજળી યોજના’માં ગુજરાત ૨૧ ટકા યોગદાન સાથે દેશમાં લીડ લઈ રહ્યું છે. ૨૦૩૦ સુધીમાં ભારતને ‘નેટ ઝીરો એમિશન’ કન્ટ્રી બનાવવાની વડાપ્રધાનશ્રીના લક્ષ્યને સાકાર કરવામાં પણ ગુજરાત કટિબદ્ધ છે.
નવી પેઢીને સમૃદ્ધ ભવિષ્ય આપવા જળસંરક્ષણ અતિ આવશ્યક છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ‘કેચ ધ રેઈન’- જળસંરક્ષણ જનભાગીદારી અભિયાન ૨.૦ હેઠળ જળસંચયને જનઆંદોલન બનાવીને રાજ્યમાં ૨.૨૦ લાખ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પૂર્ણ કરવામાં આવ્યા છે. સાથે જ ૩૩ જિલ્લાઓમાં ૨,૭૦૩ અમૃત સરોવરના કામ પૂર્ણ થતા ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ગ્રીન કવર વધારવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, એક પેડ મા કે નામ અભિયાન ૨.૦ હેઠળ રાજ્યમાં ૧૬.૯૬ કરોડ વૃક્ષો વાવ્યા છે. ૮૨ નમો વડવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી માટે ‘મિશન લાઈફ’ અને પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારીને ૮ લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન સાથે જોડવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના હસ્તે રાજ્યને ૧૮,૮૦૦ કરોડથી વધુના ૨૪ વિકાસકામોની ભેટ મળી છે, ત્યારે વિકાસકામો રાજ્યની સુખ-સુવિધા અને સુખાકારીમાં વધારો કરશે. રાજ્યના આદિજાતિ વન વિસ્તારમાં હાઈવે કનેક્ટિવિટી માટે નેશનલ હાઈવે પ્રોજેક્ટ તથા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે (પેકેજ ૬ અને ૭) પ્રોજેક્ટ રાજ્યની પ્રગતિના નવા રાજમાર્ગો સાબિત થશે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી રાજ્યની મુલાકાત વેળાએ કરોડોના વિકાસકાર્યોની અણમોલ ભેટ આપે છે, એ જ કડીમાં રૂ. ૧૮ હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી કામોની મળેલી ભેટ દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસને વેગ આપશે.
પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરતની ધરતી પર પધારેલા પર્યાવરણના સાચા રક્ષક એવા વડાપ્રધાનશ્રીના સ્વાગત માટે ૧૫,૫૦૦થી વધુ નાગરિકોએ પ્લાસ્ટિકનો સહેજ પણ ઉપયોગ કર્યા વિના પોતાના હાથે બનાવેલા હેન્ડમેડ પોસ્ટરો પ્રદર્શિત કર્યા છે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ ગ્રીન પ્રોટોકોલને ધ્યાને લઈને પીવાના પાણી તરીકે બોટલના સ્થાને માટલાઓનો ઉપયોગ તથા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને બેકડ્રોપ તૈયાર કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, આજે દેશના ખૂણે-ખૂણે વીજળી પહોંચી છે, જેમાં ‘પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના’ દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમે છે અને તેને પાંચ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. સુરત મહાનગરપાલિકા દેશની એકમાત્ર એવી મહાનગરપાલિકા છે, જે ગંદા પાણીને રિસાયકલ કરીને ઉદ્યોગોને પૂરું પાડીને વર્ષે દહાડે રૂ.૧૪૦ કરોડની માતબર આવક મેળવે છે.
વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સુશાસનને બિરદાવતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશે સેવા અને સુશાસનના અભૂતપૂર્વ આયામો સર કર્યા છે. તેમના કાર્યકાળમાં દેશભરમાં ૪ કરોડ પાકાં ઘર, ૧૦ કરોડ શૌચાલય, ૫૦ કરોડ જનધન બેંક ખાતાં, ૮૦ કરોડ લોકોને નિ:શુલ્ક રાશન તેમજ ૨૫ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય થયું છે.
આજે ઓનલાઈન યુપીઆઈ ટ્રાન્જેક્શન ક્ષેત્રે ભારત વિશ્વનો સૌથી મોટો દેશ બન્યો છે. આ ઉપરાંત, સર્જિકલ સ્ટ્રાઈક, ઓપરેશન સિંદુર અને કલમ ૩૭૦ નાબૂદ કરીને જમ્મુ-કાશ્મીરને ભારત સાથે સંપૂર્ણપણે જોડવાનું ઐતિહાસિક કામ તેમણે કર્યું છે. એટલું જ નહીં, દેશને વૈશ્વિક કક્ષાની સુવિધા ધરાવતી ‘વંદે ભારત’ ટ્રેનોની ભેટ આપી છે અને દેશમાં હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે આધુનિક એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનશ્રીની ઈધણની બચતની અપીલમાં લોકો સ્વયંભુ જોડાયા છે. ગુજરાતમાં પાંચ જ દિવસમાં અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો તેવી રીતે રાજયની એસ.ટી. બસોમાં લોકો વધુ મુસાફરી કરતા થયા છે. વડાપ્રધાનશ્રીને આવકારવા માટે ૧૮ જેટલા ગ્રુપો સાથે હજારો લોકો સાયકલ યાત્રામાં જોડાઈને ઇન્ડોર સ્ટેડિયમ સુધી આવ્યા હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, ટેકસટાઇલ, ડાયમંડ, સિલ્ક, મેટ્રો, બ્રિજ અને સ્વચ્છ સિટી સુરત વડાપ્રધાનશ્રીની ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’માં અમૂલ્ય યોગદાન આપવા તૈયાર છે.
તેમણે સુરતમાં બનનારી દેશની પ્રથમ ૨૯+ માળની નવી સરકારી બિલ્ડિંગ અને મિની સચિવાલયનો ઉલ્લેખ કરી ઉમેર્યું કે, સુરતની તાપી બેરેજ યોજનાના પ્રોજેક્ટને વડાપ્રધાને મજુરી આપી હતી જેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ પ્રોજેકટ હેઠળ કેન્દ્ર, રાજય અને પાલિકાના સહયોગથી ૧૦૦૦ કરોડનો પ્રોજેકટ આગામી બે વર્ષમાં પૂર્ણ થશે. જેના કારણે સુરત દેશભરમાં એકમાત્ર એવું શહેર બનશે, જેણે આવનારા ૫૦ વર્ષોની પાણીની જરૂરિયાતને ધ્યાને રાખી ભવિષ્યલક્ષી વ્યવસ્થાપન કર્યું છે. તાપી શુધ્ધિકરણ પ્રોજેકટ માટે વર્ષ ૨૦૧૯માં રૂા. ૯૦૦ કરોડની ફાળવણી કરવા બદલ વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો.
વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીની જનભાગીદારીથી જળસંચયની હાંકલને પરિણામે ભવિષ્યની અનિશ્ચિતતાઓ સામે ભારત પાણીની જરૂરિયાત પૂર્ણ કરવામાં આત્મનિર્ભર બનશે. સાથે જ તેમણે આ અભિયાન થકી રાજસ્થાનમાં ૪૦ હજાર, મધ્યપ્રદેશમાં ૩૫ હજાર અને બિહાર સહિત દેશભરમાં લોક્સહયોગથી ૧.૫૫ કરોડ જળસંચયના સ્ટ્રકચરો ઉભા કરી મોટા જથ્થામાં પાણીનો સંગ્રહ કરાયો હોવાનું ઉમેર્યું હતું.
આ વેળાએ વડાપ્રધાનશ્રી અને મહાનુભાવોએ સભાસ્થળે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતન અને સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રીશ્રી પ્રદ્યુમ્ન વાજા, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, આદિજાતિ રાજ્ય મંત્રી ડો. જયરામભાઈ ગામીત, વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી, સાંસદ સર્વશ્રી મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર શ્રીમતી માયાબેન માવાણી, જિ. પંચાયત પ્રમુખશ્રી સમીર મોદી, જિલ્લા કલેકટરશ્રી તેજસ પરમાર, મ્યુ.કમિશનર એમ.નાગરાજન, પો.કમિશનર અનુપમસિંહ ગહલોત, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મનપાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

