રાજ્ય સરકારના આર્થિક સહયોગ અને સંવેદનશીલ અભિગમને પરિણામે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સેંકડો જીવ બચાવવામાં અમે સફળ રહ્યા છીએ ;- તબીબી અધિક્ષક ડો. રાકેશ જોશી
(જી.એન.એસ) તા. ૩૧
અમદાવાદ,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે જનકલ્યાણ માટે સતત કાર્યરત છે તેમ જણાવતા આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા કહ્યું હતું કે, રાજ્ય સરકારે હીમોફીલીયા જેવા દુર્લભ અને ગંભીર રોગથી પીડાતા દર્દીઓ માટે એક અત્યંત સંવેદનશીલ અને જીવનરક્ષક પહેલ હાથ ધરી છે. આ પહેલના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન માત્ર એક જ વર્ષમાં હીમોફીલીયાના ૬૬૯ દર્દીઓને રૂ. ૧૭ કરોડથી વધુની કિંમતના ઇન્જેક્શન સંપૂર્ણ નિ:શુલ્ક આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે મોંઘા ગણાતા એવા ‘ક્લોટીંગ ફેક્ટર ઇન્જેક્શન’ પણ સરકાર દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘી તબીબી સારવારના ભારણમાંથી મુક્તિ અપાવવા માટે સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. હીમોફીલીયા દર્દીઓ માટે જરૂરી એવા ક્લોટીંગ ફેક્ટરના ઇન્જેક્શન ખૂબ જ મોંઘા હોવાથી સામાન્ય અને ગરીબ દર્દીઓ તે ખરીદી શકતા નથી. દર્દીઓની આ આર્થિક મુશ્કેલીને સમજીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે GMERSCL – ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી કોમર્શિયલ લિમિટેડ મારફતે આ મોંઘા ઇન્જેક્શનોની જથ્થાબંધ ખરીદી કરી છે.
હીમોફીલીયા રોગ શું છે ?
હીમોફીલીયા એ લોહી ગંઠાવા માટે જરૂરી એવા ક્લોટીંગ ફેક્ટર-૭, ૮ અને ૯ની જન્મજાત ઉણપથી થતી એક દુર્લભ બીમારી છે. આ ક્લોટીંગ ફેક્ટરની ઉણપને કારણે લોહી ગંઠાઈ જવાની કુદરતી ક્ષમતા ખોરવાય છે, જેથી આ બીમારીથી પીડિત દર્દીને સામાન્ય ઈજા કે સામાન્ય વાગવા છતાં પણ શરીરની અંદર કે બહાર સ્વયંભૂ રક્તસ્રાવ -Bleeding શરૂ થઈ જાય છે અને લાંબા સમય સુધી રક્તસ્રાવ ચાલુ રહે છે. આવા સમયે દર્દીનો જીવ બચાવવા માટે તાત્કાલિક ક્લોટીંગ ફેક્ટરના ઇન્જેક્શન આપવા અનિવાર્ય બને છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોશીએ વર્ષ દરમિયાન આપવામાં આવેલા ઇન્જેક્શનની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન દર્દીઓને કુલ રૂ. ૧૭ કરોડથી વધુની કિંમતના ઇન્જેક્શન નિ:શુલ્ક આપવામાં આવ્યા છે. જેમાં ૨,૦૯૫ ફેક્ટર-૮ ઇન્જેક્શન, ૧,૧૦૦ ફેક્ટર-૯ ઇન્જેક્શન, ૩૯૭ ફેક્ટર-૭ ઇન્જેક્શન, ૧૦૩ ફેક્ટર-૯ ઇનહીબીટર, ૨૭૮ ફેક્ટર-૮ ઇનહીબીટર, ૬૨૬ ફીબા (FEIBA) ઇન્જેક્શન તેમજ ૨૪૩ EMICIZUMAB ઇન્જેક્શનનો સમાવેશ થાય છે.
તબીબી અધિક્ષક ડો. રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, જે ફેક્ટરની દર્દીના શરીરમાં ઉણપ હોય તે ચોક્કસ પ્રોટીન -ફેક્ટર જ સીધેસીધું ઇન્જેક્શનના રૂપમાં દર્દીને આપવામાં આવે છે. આ ઉપરાંત હીમોફીલીયા દર્દીઓનો રક્તસ્રાવ રોકવા અને તેમનો જીવ બચાવવા માટે આ ઇન્જેક્શનો રામબાણ ઈલાજ સમાન છે. રાજ્ય સરકારના આર્થિક સહયોગ અને સંવેદનશીલ અભિગમને કારણે જ સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓને આ મોંઘીદાટ સારવાર એક પણ રૂપિયાના ખર્ચ વગર મળી રહી છે, જેના કારણે અમે સેંકડો નિર્દોષ જીવ બચાવવામાં સફળ રહ્યા છીએ.
રાજ્ય સરકારની આ ભગીરથ અને સંવેદનશીલ પહેલ દર્દીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને હીમોફીલીયા જેવા દુર્લભ તેમજ ગંભીર રોગ સામેની લડતમાં નાગરિકોને મળતી મજબૂત સરકારી સહાયને ઉજાગર કરે છે.

