(જી.એન.એસ) તા. ૨૮
સુરત,
ગુરુવારે સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોનુ બોર્ડ તો સમયસર મળ્યું પરંતુ તેમાં સુરતના નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન, ભાજપ પક્ષના નેતા અને મ્યુ ભાજપ પક્ષના દંડકના નામની જાહેરાતમાં મોટો વિવાદ સર્જાયા બાદ, મોવડીમંડળે નામો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે બોર્ડ બેઠક સમાપ્ત થયાના દોઢ-બે કલાક બાદ હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી.
- સુરતના મેયર – માયાબેન માવાણી
- સુરતના ડે. મેયર – સુધાકર ચૌધરી
- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન – રાજનભાઈ પટેલ – રિપીટ
- શાસક પક્ષના નેતા – અલ્પાબેન
- શાસક પક્ષના દંડક – ઉર્મિલાબેન ત્રિપાઠી
28મી મેને ગુરુવારના રોજ, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ કમિટીના નેતા, મ્યુનિસિપ ભાજપ પક્ષના નેતા અને મ્યુ ભાજપ પક્ષના દંડકના નામની જાહેરાત કરવાની હતી. આના માટે ભાજપમાંથી પ્રદેશકક્ષાએથી સુરત ભાજપના કર્તાહર્તા ઉપર ફોન મારફતે સુરત મનપાના હોદ્દેદારોના નામનો મેન્ડેટ આપવાનો હતો. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ મળવાના સમય સુધી ગુજરાત ભાજપના પ્રદેશ કક્ષાએથી નામાવલી મોકલી કે જણાવાઈ શકી નહોતી. તેના કારણે વરરાજા વિનાના જાનૈયા જેવો ઘાટ સુરત ભાજપના કોર્પોરેટરોનો થયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ તો મળ્યું પરંતુ, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ કમિટીના નેતા, મ્યુનિસિપ ભાજપ પક્ષના નેતા અને મ્યુ ભાજપ પક્ષના દંડકના નામની જાહેરાત કરવાના એજન્ડા અનુસાર કામ ના થઈ શક્યું. બોર્ડ બેઠકના નામે સુરતના કોર્પોરેટરો હળી મળીને વાતો કરીને છૂટા પડ્યાં.

