અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ગુનાઓ ઉકેલવાની મળી સફળતા
(જી.એન.એસ) તા. ૧૩
અમદાવાદ,
શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રિક્ષામાં મુસાફરી કરતા સામાન્ય લોકોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. એસ.ટી બસ સ્ટોપ, ગીતા મંદિર પાસેથી રિક્ષામાં બેઠેલા એક મુસાફરના પર્સમાંથી નજર ચૂકવીને લાખોના ઘરેણાં ચોરનાર બે શખસોને પોલીસે દબોચી લીધા છે. પકડાયેલા શખસો પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ અને ગુનામાં વપરાયેલી રિક્ષા મળી કુલ રૂ.4.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ આગળ વધારી હતી જેમાં, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે દાણીલીમડા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. એસટી વર્કશોપ પાસે આવેલા અદાણી સીએનજી પંપ પાસેથી પોલીસે શંકાસ્પદ રિક્ષા સાથે બે શખસોને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ
– સલીમભાઈ ઉર્ફે સલ્લો મોહમ્મદભાઈ શેખ (ઉં.વ.43):
– રિક્ષા ચાલક સમશેરખાન નામદારખાન પઠાણ (ઉં.વ.37)
4 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.60 લાખની કિંમતનો સોનાની ચેઈન, રૂ.44,000ની કિંમતનું સોનાનું પેન્ડન્ટ, રૂ. 1.07 લાખથી વધુની કિંમતની 2 જોડી સોનાની બુટ્ટીઓ, ચાંદીના ઘરેણાં, રૂ.5,000 રોકડ અને રિક્ષા સહિત કુલ 4.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

