(જી.એન.એસ) તા. ૧૩
અમદાવાદ,
કેન્દ્રની મોદી કેબિનેટે અમદાવાદ-ધોલેરા વચ્ચેના મહત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટને મંજૂરી આપતાં ગુજરાતના વિકાસને વધુ એક મોટું બળ મળ્યું છે. અમદાવાદ (સરખેજ)થી ધોલેરા વચ્ચે સેમિ હાઈ સ્પીડ ડબલ-લાઇન રેલ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી અપાઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપેલી માહિતી મુજબ સરકારે કેબિનેટ બેઠકમાં કુલ રૂપિયા 3,18,165 કરોડની મહત્ત્વની યોજનાઓને મંજૂરી અપાઈ છે.
ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. ધોલેરામાં ભારતનો પ્રથમ સેમિ કન્ડક્ટર પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે અને તેને એક વિશાળ ઇન્ડસ્ટ્રિયલ હબ તરીકે વિકસાવાઈ રહ્યું છે. ત્યારે આજે કેબિનેટ બેઠકમાં સેમિ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે. જેની પાછળ અંદાજે રૂ. 20,૦૦૦ કરોડથી વધુનો ખર્ચ કરાશે. આ પ્રોજેક્ટથી ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી ઝડપી બનશે, જે સેમિ કન્ડક્ટર ઉદ્યોગ અને સ્થાનિક વેપાર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
આમ જોવા જઈએ તો અમદાવાદ થી ધોલેરા વચ્ચે અંદાજિત 134 કિમીનું અંતર છે, સેમી હાઈ સ્પીડ ટ્રેન 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે જેથી માત્ર 40 મિનિટમાં પહોંચી જવાશે. 2030-31 સુધીમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

