આસામ વિધાનસભા ચૂંટણી પરિણામ: હિમંત બિશ્વા સરમાની હેટ્રિક, ‘મામા’ની લોકપ્રિયતાનો સિંહફાળો
(જી.એન.એસ) તા. ૪
દિસપુર,
અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ સાબિત કરી દીધું છે કે હિમંત બિશ્વા સરમા માત્ર એક નેતા નહી, પરંતુ ઉત્તર-પૂર્વના રાજકારણના અજેય રાજા છે. ભાજપે જે પ્રકારે અસમમાં જીતની હેટ્રિક લગાવી છે, તેણે દિલ્હીથી લઈને ગુવાહાટી સુધીના તમામ રાજકીય વિશ્લેષકોને સ્તબ્ધ કરી દીધા છે. આ જીત પાછળ માત્ર મોદી લહેર નહીં, પણ હિમંતનું સચોટ માઇક્રો-મેનેજમેન્ટ છે જેમાં ભાજપે ૧૦૦ થી વધુ સીટો મેળવી ફરીવાર સરકાર બનશે તેની પુષ્ટી કરી દીધી છે.
અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ સાબિત કર્યું છે કે, હિમંત બિશ્વા સરમાએ રાજકારણનું એક નવું વ્યાકરણ તૈયાર કર્યું છે. તેમણે ડેવલપમેન્ટ + અસ્મિતા + ઈમોશનલ કનેક્ટનો એવો જાદુઈ ફોર્મ્યુલા બનાવ્યો છે જેને તોડવો વિપક્ષ માટે હવે લોઢાના ચણા ચાવવા જેવું છે. અસમના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ બિન-કોંગ્રેસી સરકારે આટલી પ્રચંડ બહુમતી સાથે હેટ્રિક લગાવી હોય.
આ જીત એ વાતની સાક્ષી પૂરે છે કે અસમના લોકોએ મામા ના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. હિમંતે બતાવ્યું છે કે કેવી રીતે પ્રાદેશિક મુદ્દાઓને રાષ્ટ્રીય રાષ્ટ્રવાદ સાથે જોડીને ચૂંટણી જીતી શકાય છે. અસમના દરેક ઘરમાં અને દરેક મનમાં આજે હિમંત બિશ્વા સરમાએ પોતાની જગ્યા બનાવી લીધી છે, અને આ જીત સાથે અસમમાં ‘હિમંત યુગ’ સત્તાવાર રીતે વધુ મજબૂત બનીને ઉભર્યો છે.
કોંગ્રેસ માટે આ ચૂંટણી હારવા કરતાં જીત ભાજપને ભેટમાં આપવા જેવી રહી. ગૌરવ ગોગોઈ, જેઓ વિપક્ષના મુખ્ય ચહેરા હતા, તેમનો મોટાભાગનો સમય દિલ્હીના રાજકારણમાં પસાર થયો. તેઓ સંસદમાં સક્રિય રહ્યા પણ અસમની ગલીઓમાં તેમનો પ્રભાવ હિમંત સામે ઝાંખો પડ્યો. ગૌરવે મુદ્દાઓ ચોક્કસ ઉઠાવ્યા, પણ તેઓ હિમંતના જાદુ અને તેમની જમીની પકડનો મુકાબલો કરી શક્યા નહીં.
બાકી હતુ તે ચૂંટણી પહેલાના આંતરિક વિવાદો અને AIUDF (બદરૂદ્દીન અજમલ) સાથે ગઠબંધન ન કરવાની રણનીતિએ પૂરી કરી દીધી. લઘુમતી મતો વહેંચાઈ ગયા અને બીજી તરફ મિયા નેરેટિવના કારણે હિન્દુ મતો એકતરફી ભાજપને મળી ગયા. ભાજપે ખૂબ જ ચતુરાઈથી વિપક્ષના દરેક નિવેદનને અસમના અપમાન સાથે જોડી દીધું, જેનો જવાબ કોંગ્રેસ પાસે નહોતો.
મુખ્યમંત્રી હિમંતે એક વ્યૂહાત્મક હથિયાર તરીકે કર્યો. અસમની ભૌગોલિક સ્થિતિ અને બાંગ્લાદેશી ઘૂસણખોરી હંમેશાથી એક અત્યંત સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. હિમંત બિશ્વા સરમાએ આ મુદ્દે ક્યારેય બાંધછોડ ન કરવાની છબી બનાવી. તેમણે પોતાની રેલીઓમાં અને જાહેર નિવેદનોમાં સ્પષ્ટપણે મિયા પોલિટિક્સને ટાર્ગેટ કરી અને તેને અસમિયા સંસ્કૃતિ તેમજ સ્વદેશી લોકોની ઓળખ માટે ખતરો ગણાવ્યો. હિમંતનો આ નેરેટિવ ખૂબ જ પાવરફુલ રહ્યો કે, “જો અસમના લોકોએ પોતાની જમીન, ભાષા અને ઓળખ બચાવવી હોય, તો તેમણે એક થવું પડશે. (કટોગે તો બટોગે)” તેમણે મદરેસાઓ બંધ કરવાથી લઈને લેન્ડ જેહાદ વિરુદ્ધ લીધેલા કડક નિર્ણયોએ હિન્દુ અને સ્વદેશી અસમિયા મતદારોને સંપૂર્ણપણે ભાજપ તરફ વાળી દીધા. કોંગ્રેસ જ્યારે સેક્યુલરિઝમની વાતો કરતી, ત્યારે ભાજપ તેને મિયા તુષ્ટિકરણ કહીને વળતો પ્રહાર કરતી. આ હાઈપર-લોકલ ધ્રુવીકરણને કારણે વિપક્ષના મતોનું ગણિત સાવ ખોરવાઈ ગયું.

