(G.N.S) 29,

અંગદાનમાં અનોખી ‘એકતા’: મિઝોરમના બ્રેઈન ડેડ યુવાને ગુજરાતમાં ફેલાવી માનવતાની મહેક
માતૃત્વની પરાકાષ્ઠા: બ્રેઈન ડેડ પુત્રના અંગો દાન કરી માતાએ ચાર જરૂરિયાતમંદોને આપ્યું નવજીવન
અમદાવાદ,
માનવતાની કોઈ સીમા હોતી નથી અને પરોપકારની ભાવના ભાષા કે પ્રાંતના બંધનોથી પર હોય છે. આ વાતને સાર્થક કરી બતાવી છે મિઝોરમના ૨૪ વર્ષીય યુવાન મોઇંગસુહાના પરિવારે. મિઝોરમના મામીત જિલ્લાના તુઇપુઇબારી ગામનો રહેવાસી મોઇંગસુહા અમદાવાદમાં કામ કરતી પોતાની બહેનને મળવા માટે આવ્યો હતો. કોને ખબર હતી કે ખુશીઓની આ મુલાકાત કરુણાંતિકામાં ફેરવાઈ જશે. મેમ્કો બ્રિજ નજીક થયેલા એક ગંભીર અકસ્માતે મોઇંગસુહાના જીવનની ગતિ રોકી દીધી. માથામાં ગંભીર ઇજાઓ સાથે તેને ૨૫ એપ્રિલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ તબીબોએ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો.
પોતાના જુવાનજોધ પુત્રને ગુમાવવાનું અસહ્ય દુઃખ એક તરફ હતું, અને બીજી તરફ કોઈના જીવનમાં અંધકાર દૂર કરવાની તક હતી. મોઇંગસુહાની માતાએ અત્યંત હિંમત અને ઉદારતા દાખવી પોતાના વ્હાલસોયા પુત્રના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો. આ એક એવો નિર્ણય હતો જેણે મિઝોરમ અને ગુજરાત વચ્ચે માનવતાનો અતૂટ સેતુ બાંધ્યો. આ અંગદાન થકી મોઇંગસુહાનું હૃદય, એક લીવર અને બે કિડની પ્રાપ્ત થઈ. યુ.એન. મહેતા હોસ્પિટલમાં હૃદયનું અને સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં લીવર તેમજ કિડનીનું પ્રત્યારોપણ કરીને ચાર દર્દીઓને નવું જીવન બક્ષવામાં આવશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરીન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી આ ઘટનાને અંગદાનના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ માને છે. તેમના મતે, મિઝોરમના આ પરિવારનો નિર્ણય સાબિત કરે છે કે હવે દેશના ખૂણેખૂણે અંગદાન અંગે જાગૃતિ ફેલાઈ રહી છે. દુઃખદ ક્ષણોમાં પણ મિઝોરમના યુવાનના પરિવારજનો દ્વારા લેવાયેલો અંગદાનનો નિર્ણય ખરેખર પ્રશંસનીય છે. આવા દાતા પરિવારો પ્રત્યે આપણે સૌ ઋણી છીએ એમ તેમણે જણાવ્યું હતું.
સિવિલ હોસ્પિટલ માટે આ ૨૩૮મું અંગદાન હતું. આ આંકડાઓ માત્ર સંખ્યા નથી, પરંતુ તે સેંકડો પરિવારોની આશાઓ છે જે અંગદાનને કારણે ફરી જીવંત થઈ છે. અત્યાર સુધીમાં અહીં થયેલા ૨૩૮ અંગદાન દ્વારા કુલ ૭૮૮ અંગો અને ૨૩૮ પેશીઓ મળીને કુલ ૧૦૨૬ અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. જેમાં ૨૧૨ લીવર, ૪૩૯ કિડની, ૭૬ હૃદય, ૩૪ ફેફસાં, ૬ હાથ, ૨ નાના આંતરડા, ૧૯૪ આંખો અને ૪૪ સ્કીનનો સમાવેશ થાય છે. આ મહાન કાર્ય દ્વારા આશરે ૭૬૬ જેટલા દર્દીઓને જીવનદાન આપવામાં સહાય મળી છે.
