(જી.એન.એસ) તા. ૨૩
ભરૂચ,
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ અને વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે સંબોધન કરતા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વનેતા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતે સર્વસમાવેશી અને સર્વાંગી વિકાસની નેમ રાખી છે. વડાપ્રધાનશ્રી મોદીજીએ દરેક સમાજના પ્રત્યેક વર્ગના નાગરિકોનું જીવન સુચારુ અને સુખમય બને તે માટે ‘સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ’નો મંત્ર આપ્યો છે. વિશ્વબંધુ સંસ્થા અને વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ દ્વારા આદિવાસી વિસ્તારમાં આયોજિત 51 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં વડાપ્રધાનશ્રીના કાર્યમંત્રને સાકાર કરતો આજનો અવસર છે.
તેમણે પ્રભુતામાં પગલા પાડી રહેલા નવ દંપતીઓનું દામ્પત્ય જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્ણ રહે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, સામાજિક સમરસતા અને સમાનતા એ વિકાસના મુખ્ય સ્તંભો છે, આ વાતને વિશ્વબંધુ સંસ્થા અને વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત વિશાળ સમૂહ લગ્નોત્સવ સાબિત કરે છે. આ સંસ્થા ગાયો, ગરીબો, છેવાડાના આદિવાસીઓ તેમજ અનાથ બાળકો માટે કાર્ય કરી રહી છે. માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં ઊંચ-નીચ, નાના-મોટાની ભાવનાઓ અને દ્વેષ સંપૂર્ણપણે નાબૂદ થાય અને સામાજિક સમરસતા સ્થાપિત થાય તે દિશામાં કાર્યરત છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સેવાભાવથી સામાજિક સમરસતા અને સમાજ કલ્યાણ માટે રાજ્ય સરકારે વિવિધ પગલાં લીધા છે. વંચિત વર્ગો અને જરૂરિયાતમંદોની પડખે ઊભી રહેલી સરકારે સમૂહ લગ્નોત્સવને પ્રોત્સાહન આપવા ‘સાત ફેરા સમૂહ લગ્ન સહાય યોજના’ અમલમાં મૂકી છે. ગરીબ પરિવારોની દીકરીના લગ્ન સમયે ‘કુંવરબાઈનું મામેરું’ યોજનાથી સહાય પણ આપવામાં આવે છે.
ભાજપાની સરકાર વંચિત વર્ગો અને જરૂરિયાતમંદોની સેવા અને વિકાસના સંકલ્પ સાથે કાર્યરત છે. આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી ભાઈઓને અમૃતકાળમાં ભારતની વિકાસયાત્રામાં સરખા ભાગીદાર બનાવવાનું કામ શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવીને વનબંધુઓની વિરાસતને આજની અને આવનારી પેઢી સમક્ષ રજૂ કરવામાં આવી છે. આદિવાસી સમાજની આસ્થાના કેન્દ્ર એવા દેવમોગરા, શબરીધામ, ચંપા સરોવર અને ઉનાઈ માતા જેવા તીર્થક્ષેત્રોના વિકાસ માટે અનેક પગલાં લેવાયા છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારનો વિકાસ આજે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
તેઓએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી મોદીજીએ પાણી બચાવો, ‘એક પેડ મા ના નામ’, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, પ્રાકૃતિક ખેતી, સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવનશૈલી, યોગ અને રમતગમતને જીવનનો ભાગ બનાવવા સહિતના સંકલ્પો આપ્યા છે તેને આપણે આપણે સૌ ચરિતાર્થ કરીએ.
આ કાર્યક્રમમાં રાષ્ટ્ર ઋષી ગુરૂવર્ય પૂ. શ્રી શશીભાનુ રાજયોગીજી, પૂ.ઉદયાનાંદ સરસ્વતી મહારાજ, પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતિભાઇ ભાડેશિયા, પ્રદેશ ચુંટણી સંચાલન સમિતિના સંયોજકશ્રી ગોરધનભાઈ ઝડફીયા, વિશ્વભારતી ગુજરાત પ્રદેશના ડો. નિતિનભાઇ પેથાણી, ધારાસભ્યશ્રીઓ, અગ્રણીઓ, દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

