(G.N.S) Dt. 22
પશ્ચિમ એશિયાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલિયમ ઉત્પાદનો તેમજ અન્ય આવશ્યક વસ્તુઓની ઉપલબ્ધતા અને કિંમતો પર સતત નજર રાખી રહી છે. સામાન્ય નાગરિકોને આ આવશ્યક વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે તે માટે સરકાર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ સંદર્ભમાં આજે દાદરા અને નગર હવેલી જિલ્લાના સિલવાસામાં જિલ્લા સચિવાલય ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદ દ્વારા મહત્વપૂર્ણ પ્રેસ બ્રિફિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સંજીબ કુમાર બેહરા, ED & SH, ગુજરાત રાજ્ય અને શ્રી અમિત કુમાર પમાસી, ડિરેક્ટર ફૂડ & સિવિલ સપ્લાય, DNHH & DDએ સંબોધિત કરી હતી.
પ્રેસ બ્રિફિંગ દરમિયાન અધિકારીઓએ CNG અને PNGની ઉપલબ્ધતા, ગુજરાતના ઉદ્યોગો પર પશ્ચિમ એશિયાની પરિસ્થિતિના પ્રભાવ અને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે લેવામાં આવેલા પગલાં અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પેટ્રોલિયમ, LPGની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. તેમણે જનતાને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટમાં આવીને વધુ ખરીદી ન કરવા અપીલ પણ કરી હતી
શ્રી સંજીબ કુમાર બહેરા એ જણાવ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં LPG, પેટ્રોલ, ડીઝલ, CNG અને PNGની વર્તમાન સ્થિતિ સ્થિર છે. વહીવટીતંત્ર તમામ જિલ્લાઓમાં ઇંધણની ઉપલબ્ધતા અને પુરવઠાની સ્થિતિનું નજીકથી અને સતત નિરીક્ષણ કરી રહ્યું છે. પુરવઠા સ્તર અને લોજિસ્ટિક્સનું મૂલ્યાંકન કરવા માટે દૈનિક સમીક્ષાઓ કરવામાં આવી રહી છે. કોઈપણ ઉભરતી સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવા અને કોઈપણ વિક્ષેપોને રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 72 રિટેલ આઉટલેટ્સ કાર્યરત છે, જેમાંથી 65 PSU OMCs દ્વારા અને 7 ખાનગી કંપનીઓ દ્વારા સંચાલિત છે. કોઈપણ સમયે કોઈ આઉટલેટ પર પુરવઠો ખૂટી ગયો નથી અને આગળ પણ આવું જ રહેશે. માસિક સરેરાશ વેચાણ પેટ્રોલ માટે 5,600 KL અને ડીઝલ માટે 16,500 KL છે, જ્યારે દૈનિક સરેરાશ વેચાણ પેટ્રોલ માટે 197 KL/દિવસ અને ડીઝલ માટે 590 KL/દિવસ છે. હાલના ટ્રેન્ડ મુજબ પેટ્રોલ 226 KL/દિવસ અને ડીઝલ 660 KL/દિવસ છે. માંગમાં થોડો વધારો થયો છે, પરંતુ કોઈ કતાર કે વિક્ષેપ નથી અને તમામ આઉટલેટ્સ પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતના 17 સપ્લાય પોઇન્ટ્સ દ્વારા UT ને પુરવઠો આપવામાં આવે છે, જ્યાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ચિંતાનો કોઈ વિષય નથી.
LPG પુરવઠા અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, UTમાં કુલ 8 LPG વિતરકો છે, જેમાં 1 ઇન્ડિયન ઓઇલ, 2 ભારત પેટ્રોલિયમ અને 5 HPCLના છે. તાજેતરના ભૂ-રાજકીય પરિસ્થિતિ પછી પણ એક પણ વિતરક પાસે પુરવઠો ખૂટ્યો નથી. ઘરેલું LPG પુરવઠો સંપૂર્ણ રીતે સામાન્ય છે અને કોઈ ફરિયાદ નોંધાઈ નથી. માર્ચ 2026માં 1,11,230 સિલિન્ડરની બુકિંગ અને 1,12,000 સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી, જ્યારે 1.75 લાખ સક્રિય ગ્રાહકો છે. શરૂઆતનો ગભરાટ ઓછો થયો છે અને પુરવઠો માંગ કરતા વધુ છે.
તાજેતરના આંકડાઓ મુજબ ગયા અઠવાડિયે 25,475 બુકિંગ અને 26,065 ડિલિવરી થઈ, જ્યારે ગઈકાલે 3,381 બુકિંગ અને 3,489 ડિલિવરી થઈ. 99.1% બુકિંગ ડિજિટલ છે અને 96.4% ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ દ્વારા થાય છે, જે પારદર્શિતા અને ગેરકાયદે વેચાણ અટકાવે છે.
તેમણે જણાવ્યું કે ઉજ્જવલા યોજનાના અંતર્ગત કુલ 18,335 કનેક્શન આપવામાં આવ્યા છે અને પુરવઠો નિયમિત છે. કેન્દ્ર સરકારની 5 કિલો મફત LPG સિલિન્ડર યોજના હેઠળ કોઈ દસ્તાવેજોની જરૂર નથી અને આધાર આધારિત સુવિધા ઉપલબ્ધ છે ગત રોજ 140, ગત સપ્તાહે 1753. ગત મહિનામાં કુલ 6662 સિલિન્ડર વિતરિત કરવામાં આવ્યા છે.
વાણિજ્યિક LPG પુરવઠા અંગે, 25 માર્ચ 2026ના સરકારી માર્ગદર્શિકા મુજબ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, વૃદ્ધાશ્રમ, બાળ સંભાળ કેન્દ્રો, હોસ્ટેલ અને સરકારી સંસ્થાઓને 100% પુરવઠો આપવામાં આવે છે, જ્યારે અન્ય ક્ષેત્રોને 70% સુધી પુરવઠો આપવામાં આવે છે. આરોગ્ય, શિક્ષણ, ફાર્મા, હૉસ્પિટાલિટી, ફૂડ પ્રોસેસિંગ અને ઉદ્યોગ સહિતના તમામ ક્ષેત્રોમાં પુરવઠો જાળવવામાં આવ્યો છે અને કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
શ્રી અમિત કુમાર પમાસી, ડિરેક્ટર ફૂડ & સિવિલ સપ્લાય, DNHH & DDએ જણાવ્યું હતું કે તમામ માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન LPGની અછત ન થાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે અને નવા PNG કનેક્શન સમયસર અને સુવ્યવસ્થિત રીતે આપવામાં આવી રહ્યા છે. જરૂરી કામ સમયમર્યાદામાં મોટા પાયે પૂર્ણ કરવામાં આવ્યું છે. સાથે જ 5 કિ.ગ્રાના અંદાજિત 22000 સિલેન્ડર પણ બજારમાં વિતરણમાં છે. અધિકૃત ગેસ એજન્સીઓ પાસે 5 કિલોગ્રામ LPG સિલિન્ડરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પરપ્રાંતિય મજૂરો રૂપિયા 1476ની કિંમતે નવું 5 KG LPG સિલિન્ડર ખરીદી શકે છે, અથવા Rs. 614ની કિંમતે સિલિન્ડરને રિફિલ કરી શકે છે. ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. ખરીદી અથવા રિફિલ માટે માત્ર આધાર કાર્ડની જરૂર છે. અન્ય કોઈ વધારાના દસ્તાવેજો જરૂરી નથી
તેમણે વધુમાં ઉમેર્યું કે જનતામાં ગભરાટ, સંગ્રહખોરી અથવા કાળા બજારને રોકવા માટે પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસનના સહકારથી ફ્લાઈંગ સ્ક્વોડ અને નિરીક્ષણ ટીમો તૈનાત કરવામાં આવી છે. જેના દ્વારા બજારની સ્થિતિ પર નજર રાખવા માટે આજ સુધીમાં અમારી સરેરાશ 1100 જેટલી સ્થળ મુલાકાત અને રેડ કરવામાં આવી છે. અંતે, તેમણે લોકોને આશ્વાસન આપતાં કહ્યું કે આવશ્યક ઉત્પાદનો સહિતના ભાવ સ્થિર રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. તેથી કોઈ અછત નથી અને ગભરાવાની કોઈ જરૂર નથી.

