(G.N.S) Dt. 22
અમદાવાદ,
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકભાગીદારી વધારવા માટે SVAP (State Voters Awareness Programme) અંતર્ગત સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ૨૦ અને ૨૧ એપ્રિલના રોજ જિલ્લાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા જનજાગૃતિના ભાગરૂપે પ્રભાવશાળી ‘શેરી નાટક’ (Street Play) અને મતદાન શપથના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય સ્તરે વસતા નાગરિકોને લોકશાહીના પર્વમાં જોડાવા અને પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ગામના ચોક અને જાહેર સ્થળોએ એકત્ર થઈને વાસ્તવિક પરિસ્થિતિઓને વર્ણવતા નાટકો રજૂ કર્યા હતા, જેમાં મતદાનનું મહત્વ અને એક એક મતની કિંમત વિશે જીવંત સમજ આપવામાં આવી હતી. આ સાથે જ શાળાના કર્મચારીગણ દ્વારા વાલીઓ અને સ્થાનિક રહીશોને કોઈ પણ જાતના ભય કે પ્રલોભન વગર અચૂક મતદાન કરવા માટે સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા. કલા અને સામાજિક જવાબદારીના આ સમન્વય દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી અંગેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી અને નોડલ ઓફિસર SVAP એ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના માધ્યમથી સમાજ સુધી પહોંચવાનો આ પ્રયાસ આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવામાં ચોક્કસપણે અસરકારક સાબિત થશે.

