(G.N.S) Dt. 20

ગરમીના વધતા પ્રકોપ અને હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો તેમજ નોકરીદાતાઓ માટે લૂ થી બચવા જરૂરી પગલાં જાહેર કરવામાં આવ્યા છે.
વધી રહેલા તાપમાનને કારણે કાર્યસ્થળે આરોગ્ય સંબંધિત જોખમો વધવાની શક્યતા રહે છે. તેથી દરેક નોકરીદાતાએ કામદારો માટે પીવાના ઠંડા અને શુદ્ધ પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી અનિવાર્ય છે. સાથે સાથે છાશ, ઓ.આર.એસ., બરફના પેક અને પ્રાથમિક સારવાર પેટી ઉપલબ્ધ રાખવી જરૂરી છે. કામદારોને આરામ માટે યોગ્ય જગ્યા પૂરી પાડવી અને સીધા સૂર્યપ્રકાશમાં કામ કરવાની સ્થિતિ ટાળવી.
સખત મહેનતવાળા કાર્યો દિવસના ઠંડા સમયગાળા દરમિયાન ગોઠવવા તથા બહારની પ્રવૃત્તિઓમાં વિશ્રાંતિ સમય વધારવો. જે કામદારોને વધારે ગરમીમાં કામ કરવાની ટેવ ન હોય, તેમને હળવું અને ટૂંકા સમયનું કામ સોંપવું. સગર્ભા સ્ત્રીઓ અને શારીરિક રીતે નબળા કામદારો પ્રત્યે ખાસ ધ્યાન રાખવું.
કામદારોને હીટવેવ અંગે સચેત રાખવા અને જરૂરી માર્ગદર્શન આપવું. શક્ય હોય ત્યાં સુધી લોકોને ઘરઆંગણે જ રહેવાની સલાહ આપવામાં આવે છે. ઘરગથ્થુ ઉપાયો જેમ કે કાચી કેરી, ડુંગળી અને ધાણાજીરું વડે બનાવેલ ખોરાક ગરમીથી બચાવવામાં મદદરૂપ થાય છે. પંખાનો ઉપયોગ, ઢીલા કપડાં અને વારંવાર ઠંડા પાણીથી સ્નાન કરવું પણ જરૂરી છે.
માનવતા દર્શાવતા પગલાં તરીકે, આપના કાર્યસ્થળ કે રહેઠાણે આવતા ફેરિયા અથવા ડિલિવરી કર્મચારીઓને પાણી પીવડાવવું. વાહન વ્યવહારમાં કાર પુલીંગ અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરીને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં સહયોગ આપવો.
પર્યાવરણ સુરક્ષા માટે સૂકા પાંદડા, ખેતીનો કચરો અથવા અન્ય કચરો બાળવાથી બચવું. પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ કરવું અને વરસાદી પાણી સંચય પદ્ધતિઓ અપનાવવી. ઊર્જા કાર્યદક્ષ સાધનો અને વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો.
જો કોઈ વ્યક્તિને ચક્કર આવવું, થાક લાગવો અથવા અસ્વસ્થતા અનુભવાય તો તરત જ તબીબી સલાહ લેવી અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
હીટવેવથી બચવા બેદરકારી નહીં, જવાબદારી જરૂરી. સાવચેતી રાખશો તો સ્વસ્થ અને સુરક્ષિત રહેશો.
