(G.N.S) Dt. 20
વડોદરા,
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના કોયલી તથા મંજુસર ખાતે વિકાસ સંકલ્પ સભા યોજાઇ હતી. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં સર્વત્ર ‘કમળમય’ વાતાવરણ છે અને જનતાનો આ પ્રચંડ પ્રતિસાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાની ભવ્ય જીતનો પૂર્વનિર્ધારિત સંકેત છે. તેમણે ભૂતકાળની કોંગ્રેસની સરકાર અને વર્તમાન સુશાસન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનની અગાઉની સ્થિતિ અને આજના બદલાવના સાક્ષી ગુજરાતના વડીલો, ખેડૂતો અને કરોડો નાગરિકો છે.
શ્રી પટેલે કહ્યું કે, વડોદરાના ૮ તાલુકાઓના ૫૫૯ ગામોને ફ્લોરાઈડયુક્ત પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી છે. ‘જળ જીવન મિશન’ અંતર્ગત ₹૮૪૭ કરોડના ખર્ચે વિવિધ યોજનાઓ અને જળ શુદ્ધિકરણ પ્લાન્ટ્ દ્વારા આજે ઘરે-ઘરે નળથી શુદ્ધ પાણી પહોંચી રહ્યું છે. જળસંચય ક્ષેત્રે અનેક મહત્વના કાર્યો ભાજપા સરકારમાં થયા છે. વડાપ્રધાનશ્રી મોદીજીની ‘કેચ ધ રેઈન’ મુહિમને વેગ આપવા રાજ્ય સરકારે દરેક ધારાસભ્યને વિશેષ ગ્રાન્ટની ફાળવણી કરી છે જેથી વરસાદના પાણીનો સંગ્રહ થઈ શકે. આ સાથે જ માર્ગ વિકાસની ક્ષેત્રે રસ્તાઓને ૪ અને ૬-લેનમાં પરિવર્તિત કરી કનેક્ટિવિટીને વધુ સુદ્રઢ બનાવવામાં આવી રહી છે. તેમણે ભાજપા સરકારની જનતાને સીધો લાભ આપતી વિવિધ યોજનાઓનો ચિતાર રજૂ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, અગાઉની ચૂંટણીઓમાં જ્ઞાતિ-જાતિ અને ધર્મના નામે વૈમનસ્ય ફેલાવવામાં આવતું હતું, પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકાસની રાજનીતિ’ સ્થાપિત કરી છે. તેમણે ઉમેર્યું કે ભાજપાનો કાર્યકર માત્ર ચૂંટણી ટાણે જ નહીં, પરંતુ સતત ૩૬૫ દિવસ પ્રજાની વચ્ચે રહીને સેવા કરે છે, જ્યારે વિપક્ષી ઉમેદવારો ચૂંટણી હાર્યા પછી ક્યારેય જનતાની વચ્ચે દેખાતા નથી. આગામી ૨૬ તારીખે મહત્તમ મતદાન કરી ભાજપાના ઉમેદવારોને વિજેતા બનાવવા જાહેર જનતાને આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખશ્રી ડો. વિજયભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી રસિકભાઇ પ્રજાપતિ, જિલ્લાના પ્રભારીશ્રી ડૉ. ઋત્વિજભાઈ પટેલ, ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લાના સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ઉમેદવારશ્રીઓ, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

