(G.N.S) Dt. 17
મોરબી,

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે,
*જનતા અને ભાજપ વચ્ચેનો અતૂટ સંબંધ વિકાસની ગતિનો આધાર છે
ગુજરાતની સુરક્ષા સાથે બાંધછોડ કરનાર લુખ્ખા-તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી યથાવત રહેશે
કોંગ્રેસના શાસનમાં અસુરક્ષા અને ભ્રષ્ટાચાર હતો, ભાજપે ખેડૂતો અને ગરીબોના હક અપાવ્યા છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર અર્થે મોરબી જિલ્લાના આમરણ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ભવ્ય ‘વિકાસ સંકલ્પ સભા’નું યોજાઈ હતી. આ પ્રસંગે મોરબી જિલ્લાના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીએ નાયબ મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માસભર અને ભવ્ય સ્વાગત કર્યું હતું.
સભાને સંબોધતા શ્રી હર્ષભાઈ સંઘવીએ કાયદો અને વ્યવસ્થા અંગે કોંગ્રેસના શાસનકાળને આડેહાથ લેતા જણાવ્યું કે, કોંગ્રેસના દુશાસનમાં સૌરાષ્ટ્રની બહેન-દીકરીઓને અંધારું થતા જ સુરક્ષાના કારણોસર ઘરે બેસી જવું પડતું હતું. પરંતુ આજે ભાજપ સરકારમાં લુખ્ખા-ટપોરી તત્વોની ખેર નથી. જો કોઈ બહેન-દીકરીને છંછેડવાની હિંમત કરશે, તો ગુજરાત પોલીસ તેના એવા હાલ કરશે કે જેલમાંથી છૂટ્યા પછી પણ તે છ મહિના સુધી ઘરની બહાર નીકળવા જેવો નહીં રહે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આવા દરેક ટપોરીને વીણી-વીણીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે.
ખેડૂતોના કલ્યાણની વાત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં આજે ખેડૂતોના ખાતામાં સીધા વર્ષના 6 હજાર રૂપિયા જમા થાય છે. કોંગ્રેસના સમયમાં તો ખેડૂતોને માત્ર ધોકા મળતા હતા. જનતાએ કોંગ્રેસને સવાલ કરવો જોઈએ કે અમારા હકના એ 6 હજાર રૂપિયા તમે કયા ઘરમાં ભેગા કર્યા હતા?
સરકારની સિદ્ધિઓ વર્ણવતા તેમણે કહ્યું કે, ભાજપ અને ગુજરાતના નાગરિકો વચ્ચેનો સંબંધ અતૂટ છે. કનેક્ટિવિટીના કારણે જે મુસાફરીમાં પહેલા 2 થી 3 કલાક લાગતા હતા, ત્યાં આજે માત્ર 1 કલાકમાં પહોંચી શકાય છે. આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓ થકી જનતાનું જીવન સ્તર ઊંચું આવ્યું છે. શું કોંગ્રેસને આ વિકાસ દેખાતો નથી?
આમરણની સભા બાદ પહેલા શ્રી હર્ષભાઈ સંઘવીએ મોરબીના સનાળા સ્થિત ‘કમલમ’ કાર્યાલય ખાતે ઉમેદવારો અને પાયાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે આગામી ચૂંટણીના રણનીતિક આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, મોરબી જિલ્લા પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ, જિલ્લા પ્રમુખ શ્રી જયંતિભાઈ સહિતના હોદ્દેદારો, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

