વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન દેશના ગોલ્ડ રિઝર્વમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. અત્યાર સુધીમાં ગોલ્ડ રિઝર્વમાં ૩૧ અબજ ડોલરનો વધારો થઈ કુલ સ્તર ૧૦૮ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે, જ્યારે માર્ચ ૨૦૨૫ના અંતે આ આંક ૭૭ અબજ ડોલર હતો. આ વૃદ્ધિ પાછળ બે મુખ્ય પરિબળો છે – વૈશ્વિક સ્તરે સોનાના ઊંચા ભાવ અને રિઝર્વ બેંક દ્વારા કરાયેલ નવાં સોનાની ખરીદી. રિઝર્વ બેંકના સૂત્રો અનુસાર, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને રોકાણકારોમાં સુરક્ષિત રોકાણ તરફ ઝોકને કારણે સોનાની માંગમાં વધારો થયો છે, જેના પરિણામે રિઝર્વમાં ગોલ્ડનો હિસ્સો વધ્યો છે. ૨૦૨૫ દરમિયાન સોનાના ભાવમાં સતત તેજી રહી છે.
ભૌગોલિક-રાજકીય તણાવ અને નીચા વ્યાજ દરોને કારણે રોકાણકારોએ સોનાને સેફ હેવન તરીકે અપનાવ્યું છે. ભારત સહિત અનેક કેન્દ્રીય બેંકો પણ સોનાની ખરીદી ચાલુ રાખી રહી છે. ગયા નાણાકીય વર્ષના અંતે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ ૨૮૫૭ ડોલર હતો, જે વર્તમાન વર્ષમાં વધીને ૪૩૭૯ ડોલર સુધી પહોંચી ગયો છે. સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં દેશના કુલ વિદેશી ચલણ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધી ૯ ટકા થયો છે, જ્યારે એક વર્ષ પહેલા તે માત્ર ૪% હતો. ભારતે નોન-કરન્સી એસેટ્સ, ખાસ કરીને ગોલ્ડમાં રોકાણ વધારીને પોતાની બાહ્ય બેલેન્સ શીટ મજબૂત કરવાની વ્યૂહરચના અપનાવી છે. ગોલ્ડ જેવી નોન-કરન્સી એસેટ્સ કરન્સી વોલેટિલિટી અને વૈશ્વિક આર્થિક આંચકાઓ સામે પ્રભાવકારક હેજ તરીકે કામ કરે છે.

