૨૦૨૫ના પ્રથમ અર્ધવર્ષ દરમિયાન ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) એ મુખ્ય ભૂમિકા ભજવી છે. કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વોલ્યુમમાં યુપીઆઈનો હિસ્સો ૮૫% રહ્યો છે, જે તેની ઉપયોગની સરળતા, કાર્યક્ષમતા અને સર્વત્ર ઉપલબ્ધતાનું પ્રતિબિંબ છે. જોકે મૂલ્યના હિસાબે યુપીઆઈનો હિસ્સો માત્ર ૯% રહ્યો છે, જે દર્શાવે છે કે તે મુખ્યત્વે નાના અને રિટેલ સ્તરના વ્યવહારો માટે વપરાય છે. વર્ષ ૨૦૧૯માં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૧૦૭૯ કરોડ હતી, જે વધીને ૨૦૨૫ સુધીમાં અંદાજે ૧૭૨૨૧ કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. ટ્રાન્ઝેક્શનનું કુલ મૂલ્ય ૨૦૧૯ના રૂ. ૧૮.૪ લાખ કરોડથી વધી ૨૦૨૪માં રૂ. ૨૪૬.૮ લાખ કરોડ થયું છે. ૨૦૨૫ના પ્રથમ અર્ધવર્ષમાં જ યુપીઆઈ મારફતે ૧૦૬૩૭ કરોડ વ્યવહારો થયા છે, જેનું કુલ મૂલ્ય રૂ. ૧૪૩.૩ લાખ કરોડ છે.
રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) સિસ્ટમ મૂલ્યના દ્રષ્ટિકોણથી ૬૯% હિસ્સો ધરાવે છે, પરંતુ વોલ્યુમમાં તેનું યોગદાન ફક્ત ૦.૧% જેટલું છે. RTGS મુખ્યત્વે મોટા મૂલ્યના વ્યવહારો માટે વપરાય છે, જેમાં લઘુત્તમ ચુકવણી રૂ. ૨ લાખ છે. રિઝર્વ બેંકના આંકડાઓ મુજબ, ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ વચ્ચે RTGS વ્યવહારો વોલ્યુમના આધારે ૧૩.૭૦% અને મૂલ્યના આધારે ૧૩.૭૮% વધ્યા છે. આ વ્યવહારોમાં મોટાભાગના ગ્રાહક ટ્રાન્ઝેક્શન છે, જે વોલ્યુમમાં ૯૯%થી વધુ અને મૂલ્યમાં ૮૯%નો હિસ્સો ધરાવે છે. આ વચ્ચે, રિઝર્વ બેંકે એક મહત્વપૂર્ણ પગલું લેતા જાહેર કર્યું છે કે ૧ એપ્રિલ ૨૦૨૬થી તમામ ઓવર-ધ-કાઉન્ટર (OTC) ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શન માટે “યુનિક ટ્રાન્ઝેક્શન આઇડેન્ટિફાયર (UTI)”નો ઉપયોગ ફરજિયાત થશે.
આ પ્રસ્તાવ રિઝર્વ બેંકના તાજેતરના ડ્રાફ્ટમાં સામેલ છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં કમિટી ઓન પેમેન્ટ્સ એન્ડ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યોરિટીઝ કમિશન્સ દ્વારા જારી કરાયેલ ટેકનિકલ માર્ગદર્શિકા અનુસાર, દરેક યુટીઆઈ ૫૨ અક્ષરો સુધીનો હશે – જેમાં લીગલ એન્ટિટી આઇડેન્ટિફાયર તથા અનન્ય સંકેત અંકોનો સમાવેશ રહેશે. આ આઇડેન્ટિફાયર એક ડેરિવેટિવ વ્યવહારના સમગ્ર જીવનચક્ર દરમિયાન અવિચલ રહેશે. યુટીઆઈને વૈશ્વિક સ્તરે મુખ્ય ડેટા ઘટક તરીકે માન્યતા આપવામાં આવી છે, જેથી નીતિ નિર્માતાઓને OTC ડેરિવેટિવ બજાર અંગે વધુ સ્પષ્ટ અને વ્યાપક દ્રષ્ટિકોણ મળી શકે, તથા ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ અને પારદર્શિતામાં વધારો થાય.

