Home ગુજરાત ગાંધી આશ્રમ પાસેથી આદિવાસી અને ઝૂંપડ પટ્ટીવાળાનું લોહી વહે છે !

ગાંધી આશ્રમ પાસેથી આદિવાસી અને ઝૂંપડ પટ્ટીવાળાનું લોહી વહે છે !

1003
0

છેલ્લા ચાર દિવસથી ગુજરાતના જાણીતા અખબારમાંમાં નર્મદાના પાણીની હાલત પર આવતા અહેવાલોએ મન ખિન્ન કરી દીધું હતું. એમાંય આજે કોઇ અજાણ્યા વ્યક્તિએ વોટ્સ અપ પર મોકલેલા વિડિયોએ મારા દિલમાં નમક પાયેલું તીર ભોંક્યું હોય એવો અહેસાસ થયો કારણ કે ઉત્તર ગુજરાતના ગામડાઓમાં પોલિસ બેરહમીથી પાણી લઇ રહેલા ખેડૂતોની પાઇપલાઇન કાપી રહી છે. નર્મદાના નીરના સપનાં આંખમાં આંજીને બેઠલા લોકોની નજર સામે એમનો ઊભો પાક પાણી વગર બળી જવાનો છે. પણ એનો કોઇની પાસે જવાબ નથી. માત્ર ગાંધીનગરની ગાદીએ પાડેલા કલમના એક ગોદાએ ખેડૂોને પાયમાલી તરફ ધકેલી દીધા છે.
આમ જોવા જઇએ તો નર્મદા માટેના સંઘર્ષનો હું 32 વર્ષનો સાક્ષી છું. એટલે જ આ વિડિયો જોઇને આખો ય ઘટનાક્રમ ફિલ્મના ફ્લેશ બૈકની માફક દિમાગમાં ફ્લેશ બેક થઇ રહ્યો છે. હું પત્રકારત્વમાં આવ્યો ત્યારે ગુજરાતમાં ભયંકર દુકાળ હતો. પાણીના એક એક ટીપાં માટે લોકો તરસતા હતાં. ખેતી તો બરબાદ જ થઇ ગઇ હતી. પણ ઘાસચારા માટે વલખા મારતા ઢોરોની લાશોના ઢગલા મેં જોયા હતાં.
1990ના વર્ષની વાત છે, એ વખતે હું જન્મભૂમિમાં ઉત્તર ગુજરાતમાં રિપોર્ટિંગ કરતાં ક્યાં ખારૂં પાણી કેવું હોય તેનો અહેસાસ થયો. એ જમાનામાં લોકો સાયકલ પર પીવાનું પાણી લાવી સમી હારીજમાં પૈસાથી વેચતા હતાં. નેધરલેન્ડની મદદથી પાણી આવતું હતું. અમરેલીમાં ખારા પાણીથી લોકોના બરડ થયેલા હાડકાંથી પથારીમાંથી ઊભા ન થઇ શકે તેવા રિપોર્ટિંગનો અભિયાનમાં વિક્રમ વકિલનો અહેવાલ આંખમાં પાણી લાવી દે એવો હતો.
આ અરસામાં મેધા પાટકરે નર્મદા વિરોધી આંદોલન છેડયું હતું. એ વખતે ચીમનભાઇ પટેલે દિવસો સુધી ફેરકૂવા પાસે ગુજરાતની જનતાને એકઠી કરી મેધા પાટકરનો ગુજરાતમાં પ્રવેશ રોક્યો હતો. હું જન્મભૂમિમાં હતો. વડોદરાની હોટલમાં સરકાર તરફથી ઉતારો હતો અને ગાડી આપી હતી. હું ફેરકુવાના રિપોર્ટિંગ કરવાની સાથે સાથે નર્મદા વિરોધીઓને પણ મળતો અને અહેવાલ લખતો. જન્મ ભૂમિ ગ્રુપના ફૂલછાબ અને કચ્છ મિત્રમાં છપાતા, પરંતુ તંત્રી હરિન્દ્ર દવે ક્યારેય વાંધો લેતા ન હતાં.
આ અરસમાં અભિયાનમાં જોડાયો. અભિયાને નર્મદા વિરોધી ચળવળને સમર્થન આપવાનું નક્કી કર્યું. તેથી મેધા પાટકર સાથે હું ફરતો અને તરાપામાં બેસી રિપોર્ટિંગ કરવા જતાં, તો કાદવ ખુંદીને ડૂંગરા ચઢતા ને રિપોર્ટિંગ કરતો તે અભિયાનમાં છપાતું રહેતું . એ અરસામાં 1993માં મારા લગ્ન થયા. હું હનીમૂનથી પરત આવતો હતો ત્યારે અભિયાને મેધા પાટકરને ગુજરાત બોલાવી. ગુજરાતીઓની લાગણી આળી હતી
. અભિયાનના પાણી પરિષદના ફંકશન પર હલ્લો બોલ્યો. મારા સાથી કર્મચારીઓને માર પડ્યો. અને હું અમદાવાદ પરત ફર્યો.
અભિયાન પર થયેલા હુમલાના વિરોધમાં મે ઝનૂનથી રિપોર્ટિંગ કર્યું તો મારા ઘરે ઘમકીઓ મળવા લાગી. મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલે પોલિસ પ્રોટેક્શન આપેલું. ચીમનભાઇ નર્મદા બોન્ડ બહાર પાડ્યા હતાં. ગુજરાતીઓએ નર્મદા મૈયા માટે ખોબલે ને ખોબલે પૈસા આપ્યા અને હિસાબ પણ માગ્યો ન હતો. અભિયાન છોડીને ચિત્રલેખામાં આવ્યો. તે વખતે નર્મદા આંદોલન ભૂલાતું જતું હતું. કારણ કે સુપ્રીમમાં કેસ ચાલતો હતો. ફરી પાછો ચિત્રલેખામાંથી અભિયાનમાં આવ્યો એવામાં 1998માં દુકાળ પડ્યો. ટેન્કરમાં પાણી માટે વલખા મારતા લોકો જોયા, સુક્કા ભઠ્ઠ ખેતરો જોયાં. પણ એ દુકાળ વખતે દિલને હલાવી દે એવું રિપોર્ટિંગ કર્યું તે જિંદગીભર યાદ રહી ગયું. 1998માં એ લેખ છપાયો કે, ‘’બનાસકાંઠા અને સાબરકાંઠા’’ ના આદિવાસી પટ્ટામાં દુકાળના કારણે ખાવાનું નહીં મળતું હોવાથી છોકરીઓ દેહ વ્યાપાર કરતી હતી. માત્ર દોઢસો રૂપિયામાં શરીર વેચી પોતાના કુટુંબનો પેટનો ખાડો પૂરતી હતી. સ્ટોરી પૂરી થઇ પણ રિપોર્ટ લખતી વખતે પેન ઉપડતી ન હતી. ભૂખ માણસને શરીર વેચવા સુધી મજબુર કરે?….મારી સાથે મારા ફોટોગ્રાફર હેમંત પટેલ (હાલ અમેરિકા છે)એ મને ગાળ આપતા કહ્યું હતું કે, એક સ્ટોરી માટે દોઢસો ખર્ચીને એક સ્ત્રીના નાગા ફોટા લીધાં? તું સાચો છે એની સાબિતી માટે ? અરે એને દોઢસો આપી દેવા હતા તો એ દુઆ આપત, ખેર મહીનાઓ સુધી લાચાર મહીલાઓની વાતોએ દુઃખી કર્યો.
અચાનક 1998માં અભિયાનના તંત્રી સ્વ. ભૂપત વડોદરિયાએ મને કહ્યું કે, ‘‘ભાર્ગવ મધ્ય પ્રદેશમાં મેધા પાટકર વિરુધ્ધ આદીવાસીઓ આંદોલન કરે છે. એ લોકો ગુજરાતમાં નર્મદા બંધ બને તેની તરફેણમાં છે. પણ મેધા પાટકર આણિ મંડળી એમને આવવા દેતી નથી. તું રિપોર્ટિંગમાં જા.’’
હું ટેક્સી લઇને નીકળી પડ્યો. મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં દસ દિવસ સુધી ભટકતો રહ્યો. અનેક આદિવાસીઓને મળ્યો. મારું મોસાળ ઇન્દોર છે, એટલે થોડી ઘણી નિમાડી આવડે. નિમાડી ભાષામાં એ લોકો સાથે વાત કરી. શરીરમાં લખલખું ફરી ગયું. મધ્ય પ્રદેશના સંખ્યાબંધ આદિવાસીઓ ડૂબમાં જતી જમીન છોડવા તૈયાર હતાં. એમની માછીમારીની આવક, માંદા પડે તો જંગલની જડી બુટ્ટી, જંગલમાંથી મળતા લાકડાનું ઇંધણ, છોડીને ગુજરાત આવવા માગતા હતાં. સંખ્યાબંધ આદિવાસીઓને મળીને અહેવાલ તૈયાર કર્યો. 12 દિવસના રઝળપાટમાં આદિવાસી ખોરાકનો અનુભવ થયો. એમના માટે એમની જમીન છોડવી દુષ્કર હતી. કારણ કે મકાઇનો રોટલો અને લસણની ચટણી, કંદનું શાક અને રસોઇ બનાવવાનું બળતણ બધુ ખેતર અને જંગલમાંથી મળતું હતું. મને ઠંડીના કારણે શરદી થઇ ગઇ તો જડી બુટ્ટીનો કાઢો પિવડાવીને એક દિવસમાં સાજો કરી દીધેલો. આદિવાસીઓ ગુજરાત આવે તો આ બધુ છીનવાઇ જતું હતું. પરંતુ એમને હતું કે જમીન ડૂબમાં જશે તો ગુજરાતમાં એમને ઘર મળશે. ગરીબ ખેડૂતને પાણી મળશે અને એની દુઆઓ મળશે.
પરંતુ હું જોઇ શકતો હતો કે ગુજરાતમાં આવ્યા પછી એમને ઘણું ગુમાવવાનું હતું. પણ આદિવાસીઓમાં રાજકારણીઓના વાયરસ ન હતાં. એ લોકો આવવા તૈયાર થયા. અભિયાનમાં એ લેખ છપાયો, મોટી ઘટના હતી. લેખ વાંચીને આજના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નર્મદા નિગમના અધિકારી સામે ત્યાંની પરિસ્થિતિનું વર્ણન કરવા બોલાવ્યો. મધ્યપ્રદેશના આદિવાસીઓને ગુજરાત બોલાવવા શું કરવું જોઇએ? વગેરેનો વિચાર વિમર્શ કર્યો.
મારા એ લેખની કેટલાક પ્રેમી પત્રકારોએ ટીકા કરી, આથી મેં આદિવાસીઓને ગુજરાત બોલાવવાનું નક્કી કર્યું. એમને આવવાની વ્યવસ્થા થઇ. સદ્વિચાર પરિવારના હરિભાઇ પંચાલે આદિવાસીઓને રહેવા મફત જગ્યા આપી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઉત્કર્ષ શાહે પ્રેસ કોન્ફરન્સ માટે ચેમ્બરનો હોલ આપ્યો અને ચ્હા નાસ્તાનો ખર્ચ પણ ઉપાડી લીધો.
મોટા પાયે આખી ય ઘટનાને મોટું સ્વરૂપ મળ્યું, 1998ના દુકાળે મારો નર્મદા યોજના પ્રત્યેનો અભિગમ બદલી કાઢ્યો. સુપ્રીમ કોર્ટે વર્ષ 2000માં ગુજરાતની તરફેણમાં ચુકાદો આપ્યો. હું ઘટના ધીરે ધીરે ભૂલતો જતો હતો. 2004માં ઝી બિઝનેસ માટે સ્ટોરી કરવાની આવી. જયનારાયણ વ્યાસે નર્મદાના પાણી આવવાથી ખેતીમાં શું ફરક પડે,? એની વિગતો આપી. ગુજરાતમાં કેળાંથી માંડીને તમામ વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થતો જોઇ આનંદ થયો, આ તરફ વર્ષો પહેલા નંદલાલ વાધવાએ જેનું વિઝન જોયું હતું તે રીવરફ્રન્ટનો પ્રોજેક્ટ હાથ પર લેવાયો હતો. રીવરફ્રન્ટની બ્યૂટી માટે ઝૂંપડપટ્ટીના લોકોને ખસેડવામાં આવ્યા, એમના મૂળિયા ઉખેડી નાંખવામાં આવ્યા. તો ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી પાણીની તકલીફ દૂર થતી ગઇ, સરકાર ગાણાં ગાવા માંડી કે, ગુજરાતમાં ટેન્કરરાજ ખતમ થઇ ગયું. અમે ઠેર ઠેર પાણી લાવ્યા. 2017ની ચૂંટણીમાં નર્મદાને ચૂંથવાનું ચાલું થયું. ન્યૂઝ ચેનલોના ડિબેટ શો માટે સાબરમતિ રિવરફ્રન્ટ ખુલ્લો મૂકી દેવાયો. સૌરાષ્ટ્રમાં સૌની યોજનાના નામે ભર ચોમાસામાં ડેમ છલકાવી દેવાયાં.
દરેક ટીવી ચેનલોની ડિબેટમાં કહેવાતુ કે, વિકાસ જુઓ, આ રિવરફ્રન્ટ છે…બ્લા બ્લા…વાર્તાઓ ચાલી. પણ આ પાણી વાસ્તવમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છના ખેડૂતોના ઉનાળું પાક માટે બચાવવાનું હતું. નર્મદા નિગમના અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, ‘’અમે પહેલેથી ના પાડી હતી કે, સૌની યોજના અને સી પ્લેન ઉડાડવા, ટી.વીની ડીબેટમાં વિકાસ દેખાડવા માટે પાણી ના વાપરો.’’ પણ કોઇ માનવા તૈયાર ન હતું.
પાણીનો આ તાયફો ચૂંટણીમાં વોટ મેળવવા માટે થયો છે. આ પાણી આપવા માટે પોતાની જમીન, ઘર, સહિત બધુ છોડી જનારા એ આદિવાસી અને ઝૂંપડપટ્ટીવાળાઓએ પોતાનો પરસેવો અને લોહી પાણી એક કરેલી જમીન ઘર અને જંગલ આપી દીધા. એમના મૂળિયા ઉખાડીને બનેલા આ રિવરફ્રન્ટનું પાણી જ્યારે જાપાન અને ચીનના વડાપ્રધાન આવે ત્યારે લાલ-પીળી લાઇટોથી શણગારાય છે. ત્યારે આ લાલ પીળા દેખાતા પાણીમાં ગરીબ આદિવાસી અને ઝૂંપડપટ્ટીવાળા ગરીબોનું લોહી નજરે આવે છે. કારણ કે 32 વર્ષના આ સંઘર્ષના સાક્ષી તરીકે અનેક લોકોના આંદોલન સમયે માથા કૂટતા અને લોહી વહેતા મેં જોયા છે. અને હવે રૂપાણી કહે છે કે, ખેડૂતોને માટે પાણી નથી. ઇન્ડસ્ટ્રીઝ અને કેટલાક બિલ્ડરોના ગોલ્ફ પાર્કમાં નર્મદાના પાણી વાપરી નાંખ્યા છે. શહેરની કોસ્મેટિક વેલ્યુ વધારવા અને એનો દેખાડો કરવા નર્મદાને નચાવી છે. નર્મદાનું પાણી આટલા વર્ષે કેમ ઓછું થયું? એ માટે આવતી કાલે વાંચો ખુદ નર્મદા નિગમની કબુલાત! રૂપાણી કહે છે કે, ‘’મારી પાસે પાણી નથી. તો ચૂંટણીના તાયફામાં નર્મદાને તવાયફ કેમ બનાવી?’’ પછી તમને ગાંધી આશ્રમ પાસેથી વહેતી નદીમાં આદિવાસી અને ઝૂંપડપટ્ટીવાળાનું લોહી વહેતુ દેખાશે.(જી.એન.એસ., -ભાર્ગવ પરિખ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“મારા ડીગ્રીવાળા વીરા, તને લારી લઇ દઉ! પણ તને “આત્મ સન્માન’’ ક્યાંથી લાવી દઉ ?’’
Next articleનગરપાલિકાની ચૂંટણીઓમાં નોટા અંગે અસમંજસ : ચાર ઉમેદવારની પસંદગી પણ NOTAનું બટન એક જ…!?