Home ગુજરાત “મારા ડીગ્રીવાળા વીરા, તને લારી લઇ દઉ! પણ તને “આત્મ સન્માન’’...

“મારા ડીગ્રીવાળા વીરા, તને લારી લઇ દઉ! પણ તને “આત્મ સન્માન’’ ક્યાંથી લાવી દઉ ?’’

1250
0

(જી.એન.એસ., -ભાર્ગન પરિખ) તા.8
બે વર્ષ પહેલા હું બિમાર પડ્યો ત્યારે મારો હજામ દરરરોજ દાઢી કરવા ઘરે આવતો. એનો દીકરો મારા ઘરે બેસીને ભણતો હતો. એને એન્જિનિયરિંગમાં ભણવું હતું. મારા હજામને એજ્યુકેશન લોન અપાવી એના છોકરાને એન્જિનિરિંગમાં એડમિશન અપાવ્યું અને છોકરો ભણ્યો….આજે એની દિકરીના લગ્ન હતાં. છેલ્લા કેટલાક દિવસથી હું મુંબઇ હતો. એટલે રોજ ફોન કરતો કે લગન વેળા સમયસર પાછા આવી જાજો. અમદાવાદ આવીને બધા કામ પડતા મૂકી એના ઘરે ગયો. એનો પ્રેમ જોઇને ભૂલ્યા વિના લગ્નમાં ગયો. એણે પૂરા માન સન્માન સાથે પરિવારના સભ્યો સાથે મારો પરિચય કરાવ્યો. હું લગ્નમાં એક ખૂણો શોધીને બેઠો હતો. એના સગાઓ મને કંપની આપવા સાથે બેઠા હતાં. શું વાત કરવી તેની ખબર ન હતી. એમના સવાલો આવતા જતા હતાં. કે બજેટ કેવું છે? સરકાર શું કરશે?…હું એમને સમજાય એવી રીતે જવાબો આપતો જતો હતો. એવામાં જાન માંડવે આવી ગઇ. જાનમાં જાનૈયાઓ બેન્ડ વાજાના તાલે નાચતા હતાં. એમાં ગીત વાગતું હતું કે ‘’મારા વીરા તને ચાર ચાર બંગડીવાળી ગાડી લાવી દઉ.. !’’ ખરૂ પૂછો તો મને આખી વાતમાં મજા આવતી ન હતી. મારી જોડે ઊભેલા એક ભાઇને પૂછ્યું કે, છોકરો શું કરે છે? તો એમણે કહ્યું કે, એમબીએ થયો છે, નોકરી તો મળી જશે. પ્રયાસ ચાલુ છે. એવામાં મને અમીત શાહે રાજ્યસભામાં આપેલું ભાષણ યાદ આવી ગયું. છેલ્લા દસેક દિવસથી ચાલતા પકોડા પોલિટિક્સના મુદ્દે એમણે કહ્યું હતું કે, ભીખ માગવી એના કરતાં પકોડાની લારી કરવી સારી. મને ગીતની લાઇન બદલવા જેવી લાગી…કે વરરાજા આટલું ભણ્યો છતાં નોકરી નથી મળી તો એની બહેનોએ ફટાણા ગાવા જોઇએ કે, ‘’મારા ડીગ્રીવાળા વીરા તને ચાર ચાર પૈડાવાળી પકોડની લારી લાવી દઉ.’’ હું મનમાં જ થોડું મલક્યો. થોડી વિધિ પતી એટલે ત્યાંથી નીકળીને હું ઘરે આવ્યો. રાષ્ટ્રપતિના ઉદબોધનનો આભાર માનવા ગૃહમાં પ્રધાનમંત્રી ઉર્ફે પ્રધાન પ્રચારકનું ભાષણ ચાલતું હતું. પ્રધાનમંત્રી ભૂલી ગયા હતા કે, તેઓ સંસદને સંબોધી રહ્યા છે. કર્ણાટકની ચૂંટણી સંબોધતા હોય તેમ બોલ્યા કે દેશનો યુવાન નોકરીની ભીખ નહીં માગે. આત્મ સન્માન સાથે ખુદ કામ કરશે. ગર્ભીત જવાબ હતો કે, નોકરીની ભીખ માગવી એના કરતાં ભણી ગણીને ચાર પૈડાવાળી ભજીયાની લારી કરવી. મને એ ન સમજાયું કે 32 વર્ષના પત્રકારત્વમાં એકેય રાજકારણીના છોકરાએ આત્મ સન્માન માટે ભજીયાની લારી કરી હોય! એવું જોયું હોય. અમીત શાહના દીકરાને અમીતભાઇએ આત્મ સન્માન માટે નારણપુરામાં ભજિયાની લારી કરવાની પ્રેરણા નથી આપી. અમીત શાહે પોતે 90ના દાયકામાં પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરી કરીને નુકસાન કર્યું ત્યારે આત્મ સન્માન માટે તેમણે પણ ભજિયાની લારી નહોતી કરી. ખેર, મને થયું કે ભજિયાની લારી કરવાથી કેવું આત્મ સન્માન મળે એ જોવા મેં ગાડી કાઢી અમદાવાદની ગલીઓમાં ફરવાનું શરૂ કર્યું.
પકોડાની લારીઓ પર ફરવાનું શરૂ કર્યું, અહીં ઊભા રહીને જોયું કે, શહેરમાં નવ પ્રકારના પકોડા મળે છે. મેથીના ભજિયા, દાળવડાં, મરચાના ભજિયા. બ્રેડ પકોડા, સૌરાષ્ટ્રના ટામેટાના ભજિયા. બટાકા વડા, લસણિયા બટાકાના ભજિયા, લાંગની દાળના ભજિયા, લટકામાં નવા શરૂ થયેલા મેગીના ભજિયા..
ભજિયાના પ્રકારો જોયા પછી મેં ભજિયાનું ઇકોનોમિક્સ સમજવાનું શરૂ કર્યું. પશ્ચિમ વિસ્તારમાં ચારપૈડાંવાળી લારી પર 300 રૂપિયે કિલો પકોડા મળતા હતાં. અને પૂર્વ અમદાવાદમાં 250 રૂપિયૈ કિલો પકોડા મળે છે. એકેય લારીવાળો છાતી ઠોકીને આત્મ સન્માનથી ભજિયા વેચતો હોય એવું દેખાયું નહીં. અહીં આવનારો અઢીસો મિક્સ ભજિયા આપ, બે બ્રેડ પકોડા આપ, કાંદા વધારે આપજે અને આ ટેબલ તો સાફ કર, એમ કહી તુચ્છકારથી સંબોધતા હતાં.
સારી રેસ્ટોરામાં જઇએ તો વેઇટરને પણ કોઇ આટલા તુચ્છકારથી બોલાવતું નથી. કદાચ તોછડાઇભર્યું સંબોધન પ્રધાન પ્રચારક ઉર્ફે પ્રધાનમંત્રીજીના મતે આત્મ સન્માન ગણાતું હશે.
ખેર, ભજિયા વેચવા એ સરકાર દ્વારા અપાયેલી રોજગારીનો પર્યાય અને તુચ્છકારને આત્મસન્માન ગણતા નરેન્દ્ર મોદીના આ ગણિતને સમજવા પ્રયાસ કર્યો. તો પકોડા બનાવવા પણ સહેલી વાતતો નથી એ સમજાઇ ગયું. પકોડા બનાવવા માટે ત્રણ પ્રકારના ચણાના લોટ આવે છે. સૌથી સસ્તો લોટ 62 રૂપિયે કિલો છે. જેમાં ચણાના લોટમાં મેંદો અને ચોખાનો લોટ મિક્સ કરેલો હોય છે. પછી થોડો શુદ્ધ લોટ આવે, તે 68 રૂપિયે કિલો અને એકદમ શુદ્ધ ચણાનો લોટ 83 રૂપિયે કિલોના ભાવે આવે છે.
જ્યારે દાળવડા માટે 70 રૂપિયે કિલોના ભાવની મગની દાળમાં 250 ગ્રામ અડદની દાળનું મિશ્રણ કરાય છે. જેથી ઓછા તેલમાં પણ એ તળી શકાય. પકોડા તળવા માટે 71 રૂપિયે કિલોના ભાવનું કપાસિયાનું તેલ વપરાય છે. અને આ બધી સામગ્રી ભેગી કર્યા પછી એક કલાક ગેસ બળે તો એના બીજા 83 રૂપિયા થાય છે. પકોડા બનાવનારની આત્મ સન્માન મેળવવા માટેની ઓફિસ એટલે ચાર પૈડાવાળી લારીના 12 હજાર રૂપિયા થાય.
નાની રેસ્ટોરામાં સન્માનથી ઓર્ડર લખાવનારો માણસ જ્યારે આ ભજિયાની લારી પર આવે ત્યારે લારીવાળા સાથે તોછડાઇવાળા આત્મસન્માન સાથે ઓર્ડર આપે એટલે પકોડાવાળો ભાઇ 200 ગ્રામ ભજિયામાં લટકામાં કાદા મરચાં, ચટણી, એકસ્ટ્રા પેપર ડીશ આપવા આત્મ સન્માન સાથે આવે છે. આ બધા માટે એને એક કિલો પકોડાની પડતર 195થી 210 રૂપિયે કિલોના ભાવે પડે છે. પણ એની ઉપર એને આત્મ સનમાન સાથે જીએસટી, ઇનકમ ટેક્સ, ફલાણો કે ઢિંકણો ટેક્સ ભરવો પડતો નથી. ઉપરથી આત્મ સનમાન સાથે સરકારી જમીન પર દબાણ કરીને કામની શરૂઆત કરે છે. એટલે જ રોજગારીની ઉત્તમ તક આપનાર પ્રધાન પ્રચારક ભૂલી ગયા કે, સરકારી જમીન પર ગેરકાયદે લારી ચલાવવા માટે આ ભણેલા લોકોને પોતાના આત્મ સન્માનની જાળવણી માટે કોરિપોરેશનના દબાણ ખાતાને દરમહિને 300 રૂપિયા પોલિસને, ગાડી લઇને આવતા પોલિસને 1600 રૂપિયા અને કોન્સ્ટેબલને બક્ષીસરૂપે 300 રૂપિયા આપવા પડે એવો વણલખ્યો નિયમ છે. એટલે રોજ ઓછામાં ઓછો રોજનો સવાસો રૂપિયાનો ચઢાવો આ બધાને ચડાવવો પડે છે.
આત્મ સન્માન સાથે કામ કરવા માટે આ અધિકારીઓને રોજ પાણીની મફત બોટલ, અને ભજિયાના પડિકા આપવા પડે છે તે તો જુદા, ત્યારે સવાલ એ થાય કે, પાંચ લાખ રૂપિયાની ફી ખર્ચીને એન્જિનિયર બનાવવા કે એમબીએ થયા પછી ચાર બંગડીવાળી ઔડીનું સપનું જોવાવાળાને પ્રધાનસેવક ચાર પૈડાની લારીની વાસ્તવિકતાને આત્મ સનમાન સાથે જોડે છે. પરંતુ એમના એક પણ એમ.પી કે એમએલએ, કોર્પોરેટરના દીકરાને આવું લારી ચલાવવાનું આત્મ સન્માન અપાવવાનો પ્રયાસ નથી કરતાં. ગુજરાતમાં જૂન મહીનામાં ગામ ભણાવવા નીકળતા ને પોલિયોની રસી પીવડાવવા નીકળતા નરેન્દ્ર મોદી હવે જાજરૂં બનાવવામાંથી ઊંચા આવ્યા, એટલે ભજિયાની લારી પર ચડી ગયા છે.
અરે એ તો ભૂલાઇ જ ગયું છે કે, બજેટમાં સ્વાસ્થ્ય માટે સૌથી મોટી આયુષ્યમાન ભારતની યોજના એમણે મૂકી છે. એનો અમલ કરવા માટે પણ લારીઓની જરૂર છે. કારણ કે ભણેલા ગણેલા લોકોને તો ડીગ્રી લેતી વખતે ભજિયાં બનાવવાની ટેકનીક આવતી નથી એટલે ગ્રેજ્યુએટ ભજિયાવાળો જ્યારે આત્મસન્માન સાથે ભજિયા બનાવીને વેચશે ત્યારે લોકોને તળેલું અને લારી પરનું ખાઇ બિમાર પડવાની તક મળશે અને સરકારની પાંચ કરોડ લોકો માટેની નવી સ્વાસ્થ્ય યોજના સારી રીતે ચાલશે, જેથી 2019ની ચૂંટણીમાં પ્રચાર આસાન થશે. કારણ કે 2014માં ચ્હાવાળા તરીકે પ્રચાર કરીને ગાંધીનગરથી દિલ્હીનો લોંગ જમ્પ માર્યો ચે તો આ વખતે આત્મ સન્માનના પકોડાને કારણે બિમાર પડેલા લોકોને સૌથી વધુ સ્વાસ્થ્ય યોજનાનો લાભ મળ્યાનો પ્રચાર કરી શકાશે. 2019ની ચૂંટણીમાં વિપક્ષોના બેરોજગારીના મુદ્દાનો છેદ ઉડાડવા ચાય પે ચર્ચાને બદલે પકોડા પે પંચાયત જેવા દેશભરમાં કાર્યક્રમ થઇ શકશે. આ વાત ન સમજાય તો સમજવાનો પ્રયાસ ન કરતાં, કારણ કે બજેટના નામે મધ્યમ વર્ગને કિટલી પકડાવનાર જેટલી નવા ચાર વેરા નાંખીને પ્રજાને આ વાત સમજાય તે માટે દેશભરમાં હોર્ડિંગ લગાવી પ્રચાર કરશે. કારણ કે જાજરૂ પ્રેમમાં પડેલા પ્રધાન સેવકે દેશમાં જાજરૂ બનાવવામાં જેટલા નાણાં ખર્ચ્યા છે તેનાથી વધારે જાજરૂની જરૂરત સમજાવવા જાહેરાત પાછળ ખર્ચ્યા છે. એટલે જ સ્વચ્છતા અભિયાનમાં વપરાયેલા ચશ્મામાં જ્યાં ભારત લખ્યું છે ત્યાં સ્વચ્છતા નથી અને સ્વચ્છતા લખ્યું છે ત્યાં ભારત દેખાતું નથી. આવું જ ગ્રેજ્યુએટ થયેલા યુવાનો સાથે થવાનું છે…….‘’મારા ડીગ્રીવાળા વીરા તને, ચાર ચાર પૈડાવાળી લારી લાવી દઉ! લારી ન ફાવે તો તને ચાની કિટલી લાવી દઉ! પણ ભણ્યા પછી, તને “આત્મ સન્માન’’ ક્યાંથી લાવી દઉ ?’’(જી.એન.એસ., -ભાર્ગન પરિખ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘રૂપાણી રાજ’માં અરાજકતાનાં એંધાણ…સમગ્ર રાજયમાં લુટફાટની દહેશત
Next articleગાંધી આશ્રમ પાસેથી આદિવાસી અને ઝૂંપડ પટ્ટીવાળાનું લોહી વહે છે !