(G.N.S) dt. 20
ગાંધીનગર
પીવાના અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતા અંગે અત્યારથી ચિંતિત બની ડાંગર અને ઘઉંના સ્થાને દિવેલા, ચણા અથવા રાયડાનું વાવેતર કરવા આહ્વાન
દેશના ગૃહ અને સહકારી મંત્રી તથા સંસદ સભ્ય અમિતભાઈ શાહ દ્વારા ગાંધીનગરના તેમના મતવિસ્તારના ખેડૂતોને ઘઉં અને ડાંગરના પાકનો વાવેતર વિસ્તાર ઘટાડવા તેમજ કઠોળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર વિસ્તારમાં ભૂગર્ભજળ ઊંડા જતા હોઇ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો એ બધાની ફરજ છે ત્યારે ખેતીમાં પણ કુદરતી સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે જરૂરી છે. એવામાં શિયાળુ વાવેતરમાં રાઈ અને ચણા જેવા કઠોળ પાકોનું વાવેતર વધુ હિતાવહ છે.
ઘઉં એ અગત્યનો ધાન્ય પાક છે પરંતુ તેની પાણીની જરૂરિયાત વધારે છે. ઘઉંમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ઓરવણ ઉપરાંત વાવણી પછી ઓછામાં ઓછા છ પિયત આપવાની જરૂરિયાત રહે છે. વર્ષ: ૨૦૨૩-૨૪ માટે સરકાર દ્વારા ઘઉંના ટેકાના ભાવ રૂપિયા ૨૧૨૫/- પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા હતા અને જિલ્લાની છેલ્લા ત્રણ વર્ષની ઘઉંની સરેરાશ ઉત્પાદકતા પણ ૩૫.૧૦ ક્વિન્ટલ પ્રતિ હેક્ટર હતી આ હિસાબે ગણતરી કરતાં એક હેક્ટર ઘઉંમાંથી આવક રૂપિયા ૭૪૫૮૭/- પ્રતિ હેક્ટર થાય અને તેનું ભુસુ ઢોરના માટે સૂકા ચારા તરીકે કામ આવે છે. પણ ગાંધીનગર વિસ્તારમાં ભૂગર્ભજળ ઊંડા જતા હોઇ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો એ બધાની ફરજ છે ત્યારે ખેતીમાં પણ કુદરતી સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે જરૂરી છે. ઘઉંની સાપેક્ષે પ્રમાણમાં ઓછા પાણીની જરૂરિયાત છે એવા રાઇનો પાક લઈ શકાય છે. રાઈનો પાક ઓરવણ પછી ત્રણ થી ચાર પિયતથી જ પાકી જાય છે.
ઘઉંની જેમ જ વર્ષ: ૨૦૨૩-૨૪ માટે સરકાર દ્વારા રાઇના ટેકાના ભાવ રૂપિયા ૫૪૫૦/- પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા હતા અને છેલ્લા ત્રણ વર્ષની રાઇની સરેરાશ ઉત્પાદકતા ૧૮.૫૪ ક્વિન્ટલ પ્રતિ હેક્ટર હતી. આમ રાઈ પાકમાંથી હેક્ટરે રૂપિયા ૧,૦૧,૦૪૩ની આવક થાય છે. પણ પશુધનને સૂકો ઘાસચારો મળતો નથી ત્યારે રાઈના પાકની સાથે એક હેક્ટરે રજકાનું પાંચ કિલોગ્રામ બિયારણ મિશ્ર કરી વાવવામાં આવે તો ઘાસચારો પણ મળી રહે છે. ઉપરાંત ઘઉંના કરતા રાઈ અને રજકાના મિશ્ર પાકમાં ઓછા પાણીએ વધુ આર્થિક વળતર મળે છે.
દેશ અત્યારે ખાદ્યતેલની આયાત કરતો હોઇ ઘઉંના સ્થાને રાઇનું રજકા સાથે મિશ્રવાવેતર કરાશે તો ખાદ્ય તેલના પ્રશ્નનું પણ નિરાકરણ આવશે. આજ રીતે શિયાળામાં ઘઉંના સ્થાને જો ચણાનું વાવેતર કરવામાં આવે તો પાણીની બચત સાથે આર્થિક વળતર અને પશુઓ માટે ગુણવત્તા સભર સૂકોચારો મળી શકે તેમ છે. સરકાર દ્વારા વર્ષ:૨૦૨૩-૨૪ માં ચણાના ટેકાના ભાવ રૂપિયા ૫૩૩૫/- અને ગાંધીનગર જિલ્લાની છેલ્લા ત્રણ વર્ષની ચણાની ઉત્પાદકતા ૧૫.૯૮ પ્રતિ ક્વિન્ટલ ધ્યાને લેતા ચણામાંથી હેક્ટર રૂપિયા ૮૫૨૫૩/- નું આર્થિક વળતર અને તેની સાથે સાથે આપણા પશુધન માટે પ્રોટીન સભર ગુણવત્તાયુક્ત સુકોચારો મળી રહે છે. આ ઉપરાંત વટાણા અને રાજમા જેવા કઠોળ પાકો તથા રાજગરાને પણ વાવી શકાય છે.
આજ રીતે ક્યારીની જમીનોને બાદ કરતાં નીચાણ વાળા વિસ્તારો કે જ્યાં ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં વરાપ થઈ જાય છે તેવી જમીનમાં ડાંગરના સ્થાને ઓગસ્ટ માસમાં દિવેલાની જીસીએચ-૭ અને જીસીએચ-૮ તથા જુવાર અને સપ્ટેમ્બર માસમાં દિવેલાની જીસીએચ-૫ જાતનું વાવેતર કરી તથા ઉનાળું ડાંગરના સ્થાને ઉનાળું મગનું વાવેતર કરી પાણીની બચત સાથે આર્થિક વળતર મેળવી શકાય છે. આ તમામ પરિસ્થિતિઓનું આંકલન જોતાં ગૃહમંત્રીએ જિલ્લાના ખેડૂતોને પીવાના અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતા અંગે અત્યારથી ચિંતિત બની ડાંગર અને ઘઉંના સ્થાને દિવેલા, ચણા અથવા રાયડાનું વાવેતર કરી દેશ સેવાના કાર્યમાં યોગદાન આપવા અનુરોધ કર્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.