કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ કમ્પોનન્ટ હેઠળ અત્યાર સુધી ગુજરાત સ્ટેટ કેમ્પાને કુલ રૂ. ૨૩૪૯.૧૨ કરોડ ટ્રાન્સફર કરાયા
(જી.એન.એસ) તા. 11
ગાંધીનગર,
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે કેમ્પા યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં તાપી જિલ્લામાં કુલ ૮૫૫ હેક્ટરમાં રૂ. ૯.૯૧ કરોડના ખર્ચે રોપાઓના વનીકરણની કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સ્ટેટ કેમ્પાને વિવિધ કમ્પોનન્ટ હેઠળ કુલ રૂ. ૨૩૪૯.૧૨ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે વર્ષ ૨૦૨૩-૨૪માં તાપી જિલ્લામાં રૂ. ૨.૧૧ કરોડના ખર્ચે ૧૯૦ હેક્ટરમાં ૧.૭૪ લાખ રોપાનું વનીકરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી જીવંત રોપાની ટકાવારી ૮૯.૦૪ જેટલી છે. આ કામગીરી થકી ૨૭,૩૬૮ માનવદીન ઉત્પન્ન થયા છે. તેવી જ રીતે વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૭.૮૦ કરોડના ખર્ચે ૬૬૫ હેક્ટરમાં ૫.૭૭ લાખ રોપાનું વનીકરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી જીવંત રોપાની ટકાવારી ૯૬.૩૮ જેટલી છે. આ કામગીરી થકી ૯૮,૩૭૨ માનવદિન ઉત્પન્ન થયા છે.
વન (સંરક્ષણ) ધારા-૧૯૮૦ વિશે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે જંગલ જમીનના બિન જંગલ ઉપયોગ માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજુરી મેળવવાની રહે છે. આ મંજુરીની શરત મુજબ યુઝર એજન્સી પાસેથી
વળતર વનીકરણ, સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ નેટ પ્રેઝન્ટ વેલ્યુ-એન.પી.વી., કેન્દ્ર સરકાર દ્વારા અમુક દરખાસ્તોમાં મૂકવામાં આવેલ અન્ય શરતો તેમજ અમુક દરખાસ્તોમાં વન (સંરક્ષણ) ધારા-૧૯૮૦ ના ભંગ બદલ દંડનીય જોગવાઈ મુજબની રકમ વસૂલ કરવામાં આવે છે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું કે નેશનલ કેમ્પા તરફથી ગુજરાત સ્ટેટ કેમ્પાને અત્યાર સુધી વળતર વનીકરણ માટે રૂ. ૯૯૭.૨૪ કરોડ, કેચમેન્ટ એરીયા ટ્રીટમેન્ટ પ્લાન માટે રૂ. ૬.૭૨ કરોડ, વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ પ્લાન માટે રૂ. ૧૨.૭૯ કરોડ, નેટ પ્રેઝન્ટ વેલ્યુ માટે રૂ. ૧૧૯૧.૫૩ કરોડ, વ્યાજ પેટે રૂ. ૫૪.૬૪ કરોડ અને અન્ય રૂ. ૮૬.૨૦ કરોડ એમ કુલ રૂ. ૨૩૪૯.૧૨ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

