(જી.એન.એસ) તા. ૨૦
સુરત,
ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરત ખાતે રૂ.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નારી સંરક્ષણગૃહનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઘોડદોડ રોડ ખાતે કલામંદિર જવેલર્સની સામે G+2 માળનું નવું નારી સંરક્ષણગૃહ બનશે, જેમાં ૧૦૧ પીડિત, શોષિત મહિલાઓ આશ્રય લઇ શકશે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ ઘોઘારી, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી રાકેશ શંકર, વિભાગના નાયબ કમિશનરશ્રી મનીષાબેન પટેલ, નાયબ નિયામકશ્રી ડી. બી. પંડ્યા, નિયામકશ્રી (મહિલા કલ્યાણ) શ્રીમતિ પી. એ. નિનામા, પ્રાંત અધિકારી વી.જે. ભંડારી, જિલ્લા પૂરવઠા અધિકારી દર્શન શાહ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વર્તમાન નારી સંરક્ષણ ગૃહમાં હાલ ૨૪ મહિલા બહેનો અને ૧ બાળક એમ કુલ ૨૫ આશ્રિતો આશ્રય મેળવી રહ્યા છે
જનનીધામ કેમ્પસ, આંબોલી, તા.કામરેજ ખાતે હાલ કાર્યરત નારી સંરક્ષણ ગૃહમાં ૧૮ થી ૫૯ વર્ષની વય ધરાવતી કોઈ પણ પ્રકારની ઘરેલું હિંસા, જાતિગત હિંસા કે દુર્વ્યવહારથી પીડિત મહિલાઓને આશ્રય આપવામાં આવે છે. હાલ ગૃહમાં ૨૪ મહિલા બહેનો અને ૧ બાળક એમ કુલ ૨૫ આશ્રિતો આશ્રય મેળવી રહ્યા છે. જેઓને નવું ગૃહ તૈયાર થયા બાદ શિફ્ટ કરવામાં આવશે.

ખાસ કરીને ઘરેલુ હિંસા, કૌટુંબિક સમસ્યા, શોષણ કે આર્થિક સંકટથી પીડાતી મહિલાઓને તાત્કાલિક સુરક્ષા, આશ્રય અને સન્માનજનક જીવન આપવામાં આવે છે.

