(જી.એન.એસ) તા. ૧૯
જામનગર,
થોડા દિવસ અગાઉ જામનગર મહાનગરપાલિકા દ્વારા જડેશ્વર પાર્ક વિસ્તારમાં કરવામાં આવેલા ડિમોલિશનનો મામલો હવે ગરમાયો છે. આ મુદ્દે હવે સમગ્ર આહિર સમાજ એકજુથ થઈને મેદાને આવ્યો છે. સમાજના ટોચના આગેવાનો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને ‘નંદુમાંનો આશરો હતો અને કાયમ રહેશે, આહિરનો આશરો હતો અને કાયમ રહેશે’ના ગગનભેદી સૂત્રોચ્ચારો સાથે નંદુમાંના આશ્રયસ્થાનને ફરીથી ઊભું કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આહિર સમાજના આગેવાનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ડિમોલિશનની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આહિર સમાજના વૃદ્ધ દંપતી નંદુબેન બેરા અને નારણભાઈ બેરા સાથે અત્યંત અન્યાયપૂર્ણ અને બેહુદુ વર્તન કરવામાં આવ્યું હતું. તંત્રની આ જોહુકમીના વિરોધમાં સોમાવારે જ્ઞાતિના પ્રમુખ રણમલભાઈ કાંબરિયાની આગેવાનીમાં એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ સ્થળ પર પહોંચીને અજોડ એકતાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સામાજીક અગ્રણીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, પ્રાથમિક કાગળો અને દસ્તાવેજોના નિરીક્ષણ પરથી સામે આવ્યું છે કે જે જગ્યા પર આશરો બનાવવામાં આવ્યો હતો, તે જમીન નંદુમાંની પોતાની માલિકીની જ છે. સમાજના આગેવાનોએ ખાતરી આપી હતી કે, આ મુદ્દે આવનારા દિવસોમાં જો કોઈ પણ પ્રકારની કાનૂની લડત લડવાની જરૂર પડશે, તો સમગ્ર આહિર સમાજ નંદુમાંના પરિવાર સાથે ખભેખભા મિલાવીને મક્કમતાથી ઊભો રહેશે.
સમાજના સેંકડો લોકોની હાજરીમાં ડિમોલિશન વાળી જગ્યા પર પ્રતિકાત્મક રીતે નવા બાંધકામનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જ્ઞાતિજનો દ્વારા સૌપ્રથમ બેલા (પથ્થર) મૂકીને ફરીથી આશરો ઊભો કરવાની શરૂઆત કરાઈ હતી. આગેવાનોએ હિંમતભેર જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અહીં ફરીથી સંપૂર્ણ આશ્રયસ્થાન ઊભું કરવામાં આવશે અને નંદુમાંને ન્યાય અપાવવા માટે સમાજ સંગઠિત રીતે આગળ વધશે.
આ કાર્યક્રમ દરમિયાન પીડિત વૃદ્ધ દંપતી નંદુબેન અને નારણભાઈની ઉપસ્થિતિમાં સમાજના યુવાનો અને વડીલો દ્વારા એકતાના સોગંદ લેવાયા હતા અને સમગ્ર વિસ્તાર ‘જય દ્વારકાધીશ’ના નારાઓથી ગુંજી ઊઠ્યો હતો.

