નીચા વ્યાજ દરના માહોલમાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણની માગમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે થાપણની વૃદ્ધિ તેની સરખામણીએ ધીમી રહી છે. પરિણામે આગામી સમયમાં બેન્કો માટે ભંડોળ ઊભું કરવાનું દબાણ વધવાની શક્યતા જોવાઈ રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના તાજા ડેટા મુજબ વર્તમાન વર્ષના ૨૮ નવેમ્બરે પૂરા થયેલા પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ ૧૧.૪૨% રહી હતી, જ્યારે થાપણ વૃદ્ધિ ૧૦.૧૯% નોંધાઈ હતી. આમ, ધિરાણની વૃદ્ધિ થાપણની સરખામણીએ ૧.૨૩% વધુ રહી છે. એક વર્ષ અગાઉની સમાન અવધિમાં ધિરાણ અને થાપણ બંનેની વૃદ્ધિ ૧૦.૫૮% સમાન સ્તરે હતી.
વર્તમાન વર્ષના ૧૪ નવેમ્બરે પૂરા થયેલા પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ ૧૧.૪૦% રહી હતી, જ્યારે થાપણ વૃદ્ધિ ૧૦.૨૦% હતી, જે દર્શાવે છે કે તાજેતરના સમયગાળામાં આ અસમાનતા સતત વધી રહી છે. ફેબ્રુઆરીથી રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં કુલ ૧.૨૫%નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેના પરિણામે બેન્કોને લોનના વ્યાજ દર ઘટાડવા પડ્યા છે અને તે પ્રમાણે થાપણ પરના વ્યાજ દર પણ નીચે આવ્યા છે. બેન્ક થાપણોની સરખામણીએ ઈક્વિટી, ડિબેન્ચર્સ, સોનું-ચાંદી જેવા અન્ય રોકાણ વિકલ્પોમાં વધુ વળતર મળતું હોવાથી બચતકારો થાપણમાંથી બહાર આવી અન્ય એસેટ ક્લાસ તરફ વળ્યા છે. આ કારણોસર થાપણ વૃદ્ધિ મંદ પડી છે, જ્યારે લોન સસ્તી બનતાં ધિરાણની માગમાં વધારો થયો છે.
વધતી ધિરાણ માગને પહોંચી વળવા રિઝર્વ બેન્કે પ્રવાહિતા વધારવાના પગલાં પણ લીધા છે. કેન્દ્રીય બેન્કે ઓપન માર્કેટ ઓપરેશન (ઓએમઓ) મારફતે રૂપિયા એક લાખ કરોડની સરકારી સિક્યુરિટીઝ ખરીદવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પાંચ અબજ ડોલરના ત્રણ વર્ષના ડોલર-રૂપિયા ખરીદ/વેચાણ સ્વેપનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ૨૮ નવેમ્બરે પૂરા થયેલા પખવાડિયાના અંતે બેન્કિંગ સિસ્ટમમાં બાકી પડેલી કુલ થાપણનો આંક રૂપિયા ૨૪૨.૬૦ લાખ કરોડ રહ્યો હતો, જ્યારે બાકી પડેલી કુલ ધિરાણ રકમ રૂપિયા ૧૯૫.૩૦ લાખ કરોડ નોંધાઈ હતી.

