ગુજરાતમાં થશે શિયાળા ની શરૂઆત
(જી.એન.એસ) તા. ૬
ગાંધીનગર,
આખરે હવે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે, આજથી કમોસમી વરસાદની સંભાવના નહીંવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો જોવા મળશે અને રાજ્યમાં આજથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અમરેલીમાં સૌથી ઓછું તાપમાન 17.2 ડિગ્રી, અમદાવાદમાં 22.3 ડિગ્રી, નલિયામાં 19, મહુવામાં 19.9 ડિગ્રી, દીવમાં 19.7, કેશોદમાં 20.2 ડિગ્રી, કંડલા અને ભાવનગરમાં 20.8 ડિગ્રી, ગાંધીનગરમાં 21.2, સુરેન્દ્રનગરમાં 21.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, હવે વરસાદની શક્યતાઓ નહિવત છે. ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાશે. રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. પવનોની દિશા બદલાતા તાપમાનનો પારો ગગડશે. રાજ્ય પરથી હવે વરસાદી સિસ્ટમો દૂર થઈ ગઈ છે. હવેથી રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગે બેવડી ઋતુની આગાહી કરી છે. પવનોની દિશા બદલાતા હવે વાતાવરણ સૂકૂ રહેશે. મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો ઘટાડો રહી શકે છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહી શકે છે. જ્યારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. હવે વરસાદની શક્યતાઓ લગભગ નહિવત છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી 12મી નવેમ્બર સુધીમાં વાતાવરણ સૂકૂ રહેશે. લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. હાલમાં ઉત્તર અને દક્ષિણ દિશાના પવનો ફૂંકાઈ રહ્યાં છે. આજે અમદાવાદમાં વાતાવરણ સ્વચ્છ રહેશે. શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. કચ્છના નલિયામાં રાજ્યમાં સૌથી ઓછું 15.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આગામી સમયમાં વાતાવરણમાં કોઈ ફેરફારની શક્યતાઓ નથી. હવે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાશે.

