(જી.એન.એસ) તા. 10
એકતાનગર,
કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી તથા જળશક્તિ મંત્રી શ્રી વી. સોમન્નાએ તા. 09 ઓક્ટોબર, 2025ના રોજ ભારતના સૌથી સુંદર અને આધુનિક ગ્રીન રેલવે સ્ટેશનોમાંના એક તથા ગુજરાતના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન એકતાનગરની મુલાકાત લીધી હતી. શ્રી સોમન્નાએ સ્ટેશન પરિસરનું નિરીક્ષણ કરીને સમગ્ર તયા સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ અને ગ્રીન ટેકનોલોજી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે રેલવે અધિકારીઓ સાથે સંવાદ સાધી જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શ્રી સોમન્નાએ જણાવ્યું કે, છેલ્લા 11 વર્ષોમાં ભારતીય રેલવેએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરતા નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. વર્ષ 2025-26 માટે ગુજરાતને રૂ.17155 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે વર્ષ 2009-14ની સરખામણીએ 229 ગણું વધુ છે. વર્ષ 2014 પછી ગુજરાતમાં 2739 કિ.મી. નવા રેલવે ટ્રેકનું નિર્માણ તથા 3144 કિ.મી. રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ પૂર્ણ થયું છે. રાજ્યના 87 સ્ટેશનોને “અમૃત ભારત સ્ટેશનો” તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે.

તેમણે ઉમેર્યું કે, મુસાફરોની સુવિધા માટે 97 લિફ્ટ, 50 એસ્કેવેટર તથા 335 સ્ટેશનો પર વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યમાં ચાર વંદે ભારત ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ એકતાનગર, વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં રેલવે સુવિધાઓ આધુનિક સ્તર સુધી લોકોની સેવામાં પહોંચી છે.
ભારતના પરિવહન ઈતિહાસમાં મહત્વના માઈલસ્ટોનરૂપ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે શ્રી સોમન્નાએ જણાવ્યું કે, ગુજરાતમાં પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, બુલેટ ટ્રેન ભારતના ગૌરવનું પ્રતીક બનશે ગુજરાત આજે સમગ્ર દેશ માટે વિકાસનું રોલ મોડલ બની ગયું છે.
નિરીક્ષણ દરમિયાન શ્રી સોમન્નાએ વડોદરા વિભાગના વિભાગીય રેલ વ્યવસ્થાપક શ્રી રાજુ ભડખે સાથે સુરત-એકતાનગર ખંડનું વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ પણ કર્યું હતું. મંત્રીશ્રીએ રેલવે ટ્રેકની સુરક્ષા, સંચાલન કાર્યક્ષમતા તેમજ ચાલી રહેલી વિકાસ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. તેમની સાથે વડોદરા વિભાગના જનસંપર્ક અધિકારી શ્રી અનુભવ સક્સેનાએ પણ મંત્રીશ્રીને રેલ વ્યવસ્થા અને સુવિધાઓ અંગે માહિતી પ્રદાન કરી હતી. તેમજ એકતાનગર રેલવે સ્ટેશન પરિસરમાં સરદાર સાહેબની 3ડી તથા સુંદર વોલ પેઇન્ટિંગને નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયા, નાયબ કલેકટર પ્રોટોકોલશ્રી એન. એફ. વસાવા, DRM વડોદરા શ્રી રાજુ ભડખે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે આજે રેલવે અને જળશક્તિ મંત્રાલયના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રી વી. સોમન્નાએ વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની મુલાકાત લીધી હતી.
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય, વડોદરામાં ઉદ્યોગ વ્યવસાયિકો માટે ચાલી રહેલા વિવિધ એમટેક અભ્યાસક્રમો, જેવા કે ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, રેલવે એન્જિનિયરિંગ, બ્રિજ અને ટનલ એન્જિનિયરિંગ, રોડ અને હાઇવે એન્જિનિયરિંગ વિશે જાણકારી મેળવી અને તેની પ્રશંસા કરી હતી. મંત્રીશ્રીએ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક ક્ષેત્રમાં ભારત ઝડપી ગતિએ વિકાસ કરે એ માટે મિટિંગમાં ઉપસ્થિત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપકોને અનુરોધ કર્યો હતો. તેમણે આ વિદ્યાલયમાં ચાલી રહેલા અભ્યાસક્રમમાં આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં પ્રાથમિકતા આપવા અંગે અધિકારીઓ-પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો.
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય હવાઈ, રેલવે, માર્ગ અને સમુદ્રી પરિવહન માટે ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ક્ષેત્ર શિક્ષણ આપનારી વિશ્વકક્ષાની વિદ્યાલય છે. આ વિશ્વવિદ્યાલયમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ લેવા અહીં આવે છે. કેન્દ્રીય મંત્રીની મુલાકાત દરમિયાન તેમને હાલ અહીંયા ચાલી રહેલા અભ્યાસક્રમો, વિવિધ ઉપક્રમોની જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સલર ડૉ. મનોજ ચૌધરી, રજિસ્ટ્રાર વી ચિંતાલા, જોઈન્ટ રજિસ્ટ્રાર કેપ્ટન રવિ સૈની, વડોદરા રેલવે વિભાગના ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડખે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

