વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)- ઉત્તર ગુજરાત
(જી.એન.એસ) તા. 10
મહેસાણા,
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાતના બીજા દિવસે આજે ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) દ્વારા નિકાસ અને વિદેશ વેપાર નીતિઓ પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઉત્તર ગુજરાતના ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓએ વ્યાપક ઉપસ્થિતિ દર્શાવી હતી. જેમાં FIEOના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સુવિધ શાહ ઉપસ્થિતિ રહ્યા હતા. આ સેમિનારમાં ભારતની વિદેશ વેપાર નીતિ (ફોરેન ટ્રેડ પોલીસી) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં ભારત અને વિદેશી દેશો વચ્ચેના ઇમ્પોર્ટ-એક્સપોર્ટ મિકેનિઝમ, ટ્રેડ પોલીસી, સ્વદેશી ઉત્પાદન, એક્સપોર્ટ પ્રોત્સાહન, મેન્યુફેક્ચરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બેન્કિંગ, ECGC (એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન) તથા FIEO જેવા મહત્ત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
શ્રી સુવિધ શાહે જણાવ્યું કે, ભારત સરકારની નવી વેપાર નીતિઓ દ્વારા નિકાસકારોને વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાશીલ બનાવવા માટે વિશેષ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આ માટે AI અને ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મજબૂત કરવું જરૂરી છે. ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટમાં ઘર આંગણે બાયર- સેલર મીટિંગ્સને પ્રોત્સાહન આપીને વેપારીઓને આંતરરાષ્ટ્રીય બાયર્સ સુધી પહોંચવાની સરળતા પૂરી પાડી છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું કે, આજે બાયર શોધવું ઘણું સરળ બની ગયું છે કારણ કે FIEO અને ગુજરાત સરકારના પ્લેટફોર્મ દ્વારા B2B મીટિંગ્સ અને રિવર્સ બાયર- સેલર મીટ્સ દ્વારા વેપારીઓને વૈશ્વિક તકો મળી રહી છે.
આ સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને વેપાર અને નિકાસ ક્ષેત્રના અન્ય ક્ષેત્રોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા નવયુવાનોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અને તાલીમ કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ પોતાને મુંઝવતા પ્રશ્નો રજૂ કરી વેપાર નીતિઓ અને નિકાસ પ્રોત્સાહન પર વધુ સ્પષ્ટતા મેળવી હતી. જેમાં ઉત્તર ગુજરાતના કૃષિ, ડેરી અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા પર ભાર મૂકાયો હતો.

