વડાપ્રધાનશ્રીના નિર્ણયો બદલ આભાર વ્યકત કરતા અંદાજિત 2.લાખ 80 હજાર પોસ્ટકાર્ડ ભરુચના લાભાર્થીઓ પાઠવશે
આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫: આખા ભરૂચ જિલ્લાભરમાંથી ૧૦ હજાર આભારપત્ર લખાયા
(જી.એન.એસ) તા. 27
ભરૂચ,
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સરકારે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) માં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોની બચતમાં વધારો કરવાનો અને ખેડૂતો સહિત નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે. આ પગલાથી સમગ્ર દેશમાં આર્થિક ગતિવિધિઓને વેગ મળ્યો છે, જેના કારણે ખેડૂતો સહિત ગ્રાહકો અને વેપારીઓ બંનેને લાભ થઈ રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાના સહકારી મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, સભાસદો, નાના વેપારીઓ, ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે. ત્યારે આજરોજ ધી ભરૂચ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી.ભરૂચ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આભાર પત્ર લખવાનો કાર્યક્રમ યોજાયો હતો.
વર્ષ ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. ઉપરાંત દેશનું સહકારી માળખું મજબૂત કરવા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ ખેડૂતો, પશુપાલકો તથા યુવાઓને સહકારી ક્ષેત્રમાં જોડાવવા તથા રોજગારી તકો ઉભી કરવા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિવિધ હિતલક્ષી નિર્ણયો તથા યોજનાઓ અમલી કરાઇ છે. જેનાથી સહકારી મંડળીઓના સભાસદોને વિવિધ લાભ થયા છે. સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને તેનો સીધો લાભ મળ્યો છે. આ ક્ષેત્રો વધુ મજબૂત અને સક્ષમ બને તે માટે તાજતેરમાં સ્વદેશી – વોકલ ફોર લોકલ- વિદેશથી કૃષિ – દૂધ પ્રોડકટ આવતી અટકાવવાનો નિર્ણય તથા જીએસટી દરમાં ઘટાડો કરાયો છે. જેનાથી ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા પશુપાલકો ખાસ કરીને આ ક્ષેત્ર સાથે જોડાયેલી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનશે. વડાપ્રધાનશ્રીના સહકારી ક્ષેત્રને મજબૂત તથા પશુપાલકોને સક્ષમ બનાવવાના આ નિર્ણયથી લાભાન્વિત થનાર ભરુચના સહકારી મંડળીના સભાસદો તથા પશુપાલકો પોસ્ટકાર્ડના માધ્યમથી પોતાની લાગણી વ્યકત કરીને વડાપ્રધાનશ્રીનો દિલથી આભાર વ્યકત કર્યો હતો.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સહકાર મંત્રાલય શરૂ કરવા અને સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો પશુપાલકોના હિતમાં સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ ઈનીશીએટિવ્ઝ, જી.એસ.ટી અને સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા માટે અત્યાર સુધી લેવાયેલા હિતલક્ષી નિર્ણયો બદલ ભરુચ જિલ્લાના પશુપાલકો તથા સહકારી મંડળીના સભાસદો વડાપ્રધાનશ્રીને ૧૦ હજાર પોસ્ટકાર્ડ પાઠવીને આભાર વ્યકત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરુચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક તથા ગુકોમાસોલ , પશુપાલકો, સભાસદો, ખેડૂતો દ્વારા અંદાજિત 2. લાખ 80 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરશે. ૩૦ સપ્ટેમ્બર સુધી તમામ પોસ્ટકાર્ડ વડાપ્રધાનશ્રીને પાઠવી દેવાશે. ત્યારે આજરોજ ભરુચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, ગુજકોમાસોલ અને ભરૂચ જિલ્લા સહકારી સંઘના સહકારથી ભરૂચ જિલ્લાની સહકારી મંડળીઓએ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડથી અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. ત્યારે વડાપ્રધાનશ્રીએ સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવીને સહકારીતાના વિઝનને આગળ ધપાવતા ૬૦ જેટલા ઈનિશ્યેટીવ્ઝ લીધા છે. જેનાથી સહકારી મંડળીઓને અનેક ફાયદા પહોંચ્યા છે. ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાથી કૃષિ-ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ તથા જીએસટીમાં ઘટાડાના નિર્ણયથીસહકારી મંડળીઓ તથા દૂધ મંડળીઓને તેનો સીધો લાભ મળશે.
આ અંગે, ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાદ ગામના રહેવાસી સચિન પઢિયારે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દેશબહારથી આયાત કરાતી કૃષિ અને ડેરીના ઉત્પાદનો પરની રોકના કારણે પશુપાલકો તથા સહકારી મંડળીઓને ખૂબ ફાયદો થશે. જેનાથી સહકારી ક્ષેત્ર
નો વિકાસ થશે અને ખાસ કરીને પશુપાલકો વધુ આત્મનિર્ભર બનશે. સાથે જ ચોક્કસ પણે કહીશ કે,નાના વેપારીઓ માટે આ નિર્ણય એક વરદાન સમાન છે. GST ઘટવાથી વસ્તુઓની કિંમત ઓછી થઈ છે, જેના કારણે ગ્રાહકોની ખરીદ શક્તિ વધી છે અને દુકાનોમાં ઘરાકી વધી રહી છે. આનાથી અમારી આવકમાં પણ વધારો થયો છે.”ત્યારે પોસ્ટકાર્ડના માધ્યમથી અમે અમારા દિલની વાત વડાપ્રધાનશ્રીને પહોંચાડીને તેનો આભાર વ્યકત કરશું.

