દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ ઓગસ્ટમાં સત્તર વર્ષથી વધુની ટોચે પહોંચી છે. અમેરિકી ટેરિફના પડકારો વચ્ચે પણ મજબૂત ઘરેલું માગના કારણે ઉત્પાદન ક્ષેત્રની ગતિ તેજ રહી. એક સર્વે રિપોર્ટ અનુસાર ઓગસ્ટમાં મેન્યુફેકચરિંગ પીએમઆઈ વધીને ૫૯.૩૦ની સપાટીએ રહ્યો. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલ એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેકચરિંગ પીએમઆઈ જુલાઈમાં ૫૯.૧૦ સાથે ૧૬ મહિનાની ટોચે હતો, જે ઓગસ્ટમાં વધીને ૫૯.૩૦ થયો. પીએમઆઈમાં ૫૦થી ઉપરનો આંકડો તે ક્ષેત્રના વિસ્તરણને દર્શાવે છે. નોંધનીય છે કે સતત પચાસ મહિનાથી પીએમઆઈ ૫૦થી ઉપર જ જોવા મળી રહ્યો છે.
ઉચ્ચ ઘરેલું માગના કારણે ફેક્ટરીઓના ઓર્ડરોમાં મોટો વધારો જોવા મળ્યો છે. ઓગસ્ટનો ૫૯.૩૦ પીએમઆઈ કામકાજની સ્થિતિને છેલ્લા ૧૭.૫ વર્ષમાં સૌથી મજબૂત દર્શાવે છે. નવા ઓર્ડરોની માત્રા ૫૭ મહિનાની ટોચે રહી, જેના કારણે ઉત્પાદન વોલ્યુમમાં વધારો નોંધાયો છે. કાચા માલની માગમાં સૌથી વધુ વધારો થયો છે, ત્યારબાદ કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ગુડ્સના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે. અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણયને કારણે નિકાસ ઓર્ડરોમાં સામાન્ય ઘટાડો થયો.
ટેરિફની અનિશ્ચિતતા વચ્ચે અમેરિકન આયાતકારોએ નવા ઓર્ડરો મોકૂફ રાખ્યા. છતાંય, ઘરેલું માગ જોરદાર હોવાથી ઓગસ્ટમાં ટેરિફની અસર મર્યાદિત રહી. ભાવિ ઉત્પાદન અંગે ઉત્પાદકોના આશાવાદ યથાવત રહ્યા છે, જે પોઝિટિવ સંકેત છે. જોકે નિકાસ ઓર્ડરોની વૃદ્ધિ પાંચ મહિનાની નીચી સપાટીએ જોવા મળી છે. ભારતના ઉત્પાદકોને એશિયા, યુરોપ, મધ્ય પૂર્વ તથા અમેરિકાના ક્લાયન્ટ્સ પાસેથી નવા ઓર્ડરો પ્રાપ્ત થયા છે. કાચા માલના ખર્ચમાં સતત વધારો થવાથી ફિનિશ્ડ ગુડ્સની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે.

