અમેરિકાએ ભારતીય માલસામાન પર કુલ ૫૦% ટેરિફ બુધવારથી લાગુ કર્યો છે. તેની સીધી અસર કાપડ, રત્નો અને ઝવેરાત સહિતના અનેક સ્થાનિક ઉદ્યોગો પર પડવાની ધારણા છે. આ પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ બાર્કલેઝ રિસર્ચે તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે કે વધેલા ટેરિફ છતાં ભારતીય કોર્પોરેટ ક્રેડિટ મજબૂત રહેશે.
બાર્કલેઝના આંકડા અનુસાર ભારતીય નિકાસ પર ટ્રેડ વેઇટેડ ટેરિફ દર હાલના ૨૦.૬% પરથી વધીને ૩૫.૭% થઈ જશે અને ૨૭ ઓગસ્ટથી કુલ ૫૦% ટેરિફ અમલમાં આવશે. આ દર ૨૦૨૫ની શરૂઆતમાં માત્ર ૨.૭% હતો. બીજી તરફ, ભારત દ્વારા અમેરિકન આયાત પર લાગુ ટેરિફ ૯.૪% જ રહેશે. પરિણામે બંને દેશો વચ્ચેનું વેપાર અસંતુલન દાયકાઓના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.
રિપોર્ટ મુજબ લગભગ ૫૫ અબજ ડોલરની ભારતીય નિકાસ હવે સીધા જોખમ હેઠળ આવી ગઈ છે, જે અમેરિકામાં થતા કુલ શિપમેન્ટના આશરે ૭૦% જેટલું છે. ખાસ કરીને ઇલેક્ટ્રિકલ મશીનરી, રત્નો-ઝવેરાત, કાપડ અને મશીનરી પર સૌથી વધુ ટેરિફ વધારો લાગ્યો છે. જોકે સ્માર્ટફોન, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને ફાર્માસ્યુટિકલ્સ હાલમાં આ વધારાથી મુક્ત છે.
નિકાસને લાગેલા આંચકાની છતાં કોર્પોરેટ દેવા પર અસર મર્યાદિત રહેશે તેવી ધારણા છે. બાર્કલેઝના વિશ્લેષકોનું માનવું છે કે ઉચ્ચ ક્વોલિટી ધરાવતા ધિરાણ પર સ્પ્રેડમાં કામચલાઉ વધારો થઈ શકે છે, પરંતુ મજબૂત કોર્પોરેટ ફંડામેન્ટલ્સ અને સ્થાનિક ભંડોળની ઉપલબ્ધતા લાંબા ગાળે જોખમને મર્યાદિત રાખશે.
તેમ છતાં, નિકાસ આધારિત કેટલીક કંપનીઓ માટે જોખમ ઊભા થયા છે. ઉદાહરણ તરીકે, બાયોકોન બાયોલોજિક્સની આવકનો 44% હિસ્સો અમેરિકામાંથી આવે છે. જો ટ્રમ્પના સંકેત પ્રમાણે ફાર્માસ્યુટિકલ પર ટેરિફ 200% સુધી વધી જાય, તો કંપની મધ્યમથી ઊંચા જોખમમાં આવી શકે છે. તે જ રીતે, જેએસડબલ્યુ સ્ટીલના અમેરિકન પ્લાન્ટો માર્જિન પર દબાણનો સામનો કરી શકે છે, જ્યારે ટાટા સ્ટીલનું જોખમ મર્યાદિત છે.

