(જી.એન.એસ) તા. 30
અમદાવાદ,
રાજ્યમાં અપર એર સાયક્લોનિક સક્યુલેશનની સિસ્ટમ સક્રિય થવા પામી છે ત્યારે હવામાન વિભાગે અલગ-અલગ જીલ્લાઓ માટે સામાન્ય, ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર- કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 45 થી 55 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓ છે. સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આવતીકાલે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત તથા નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાથે જ વડોદરા, ખંભાત, બોડેલી, મહિસાગર, પંચમહાલ, તાપી નર્મદાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તથા ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ, થરાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેમજ દસાડા, માંડલ, વિરમગામમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા સાણંદ, ધોળકા, લખ્તર, લિંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, ચોટીલા તથા થાનમાં ભારે વરસાદ આવી શકે છે. જેમાં વરસાદ 15 જુલાઈ સુધી ચાલુ રહેશે.
છેલ્લા 24 કલાકમાં દ્વારકાના જામખંભાળિયામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. સલાયામાં ધોધમાર પોણા બે ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડ રોડ, મસ્જીક ચોકમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જામખંભાળિયામાં સવારથી ધીમીધારે વરસી રહેલા વરસાદે બપોરના સમયે તોફાની બેટિંગ કરી છે. જેના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે.

