(જી.એન.એસ) તા. 24
અમદાવાદ,
અમદાવાદમાં એસ. જી હાઇવે પર આવેલ ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે, ગ્રામ્ય કોર્ટે કાર્તિક પટેલની જામીન અરજીને ફગાવી દીધી છે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડનાં આરોપી કાર્તિક પટેલે નિયમિત જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જો કે, રાજ્ય સરકારનાં વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
જો કે આ પહેલા આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. આરોપી કાર્તિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી. આરોપીની આ અરજીને કોર્ટે મંજૂર કરી હતી. કાર્તિક પટેલે પોતાની જમીન વેચાણ કરવા માટે હંગામી જામીન માગ્યા હતા. આથી, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 2 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા હતા.
આ વર્ષે એપ્રિલ મહિનામાં આરોપી કાર્તિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા 5670 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુલ 130 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદન નોંધ્યા હતા. તેમ જ BNS 183 મુજબ કુલ 7 સાહેદોનાં નિવેદનો મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવ્યા હતા. તેમ જ પોલીસ દ્વારા તપાસ દરમિયાન કુલ 20 ઈલેક્ટ્રોનિક્સ પુરાવા કબ્જે કરવામાં આવ્યા હતા. ઉપરાંત, હોસ્પિટલની 38 ફાઈલ અને 11 રજિસ્ટર પણ કબજે કરવામાં આવ્યા હતા.
આ કેસમાં ખ્યાતિ હોસ્પિટલ સામે આરોપ છે કે સરકારી યોજનાનો આર્થિક લાભ લેવાની લાલચમાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા, જેમાં કેટલાક દર્દીઓનાં મોત નીપજ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં આરોપી અને ખ્યાતિ હોસ્પિટલનાં ડાયરેક્ટર કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આરોપી કાર્તિક પટેલે નિયમિત જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જો કે, કોર્ટે આરોપીની જામીન અરજીને ફગાવી દીધી છે. રાજ્ય સકરારનાં વકીલ દ્વારા આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે.

