(જી.એન.એસ) તા. 4
અમદાવાદ,
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેસન પરથી રેલવે પોલીસ દ્વારા નકલી ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE) ને ઝપી લેવામાં આવ્યો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ રવિવારે રાત્રે TTE તરીકેની ઓળખ આપીને મજૂરો અને ઓછા શિક્ષિત વ્યક્તિઓ પાસે ખોટી રીતે ટિકિટો ચકાસીને ઓનલાઈન પેમેન્ટ દ્વારા પૈસા વસૂલતા નકલી TTEની ધરપકડ કરી છે.
આ બાબતે અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનથી 2 જૂનના રોજ રાત્રે 10 વાગ્યે નકલી TTEની ધરપકડ કરવામાં આવી હતી. નિયમિત સુરક્ષા તપાસ દરમિયાન RPFના સબ-ઇન્સ્પેક્ટર પિયુષ ચૌધરીને TTE યુનિફોર્મ પહેરેલા એક શંકાસ્પદ દેખાતા વ્યક્તિની પૂછપરછ કરી હતી. જેમાં શખ્સે યોગ્ય પૂરાવા કે ઓળખ ન આપતા નકલી TTE હોવાનું સામે આવ્યું હતું. આ પછી રેલવે પોલીસે આરોપીને RPF ચોકી પર લઈ ગયા હતા. જેમાં આરોપી 45 વર્ષીય શિવ શંકર જયસ્વાલ મૂળ ઉત્તર પ્રદેશના વારાણસીના સુંદરપુરનો હોવાનું જણાયું હતું.
પકડાયેલ વ્યક્તિની રેલવે પોલીસ દ્વારા પૂછપરછમાં કબૂલ્યું હતું કે, તેણે TTE તરીકે ઓળખાણ બનાવી હતી અને ટિકિટ ચેકિંગના બહાને મુસાફરો પાસેથી છેતરપિંડીથી પૈસા વસૂલ્યા હતા. આરોપી ટિકિટમાં ખામી બતાવીને અથવા વેઇટિંગ લિસ્ટના મુસાફરોને બર્થ (સૂવાનો ડબ્બો) આપવાના નામે QR કોડ દ્વારા પૈસાની વસૂલાત કરતો હતો.
વધુમાં આ મામલે RPFના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જયસ્વાલ પાસે કોઈ માન્ય રેલવે આઈડી કે ઓથોરાઇઝેશન દસ્તાવેજો ન હતા. ફક્ત એક આધાર કાર્ડ અને એક એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યું હતું. અગાઉ 30 મે 2025ના રોજ પણ આરોપીએ અમદાવાદ સ્ટેશન પર આવી જ હરકત કરી હતી. આરોપી મજૂરો અને અભણ મુસાફરોને નિશાન બનાવતો હતો. આરોપી પોતાની ઓળખ છુપાવવા અને રેલવે સ્ટાફ સાથે ભળી જવા માટે માસ્ક પહેરતો હતો.
રેલવે પોલીસ દ્વારા પકડવામાં આવેલ આરોપી જયસ્વાલને વધુ કાનૂની કાર્યવાહી માટે અમદાવાદના સરકારી રેલવે પોલીસ (GRP)ને સોંપવામાં આવ્યો હતો. જ્યારે રેલવે વહીવટીતંત્રે મુસાફરોને સતર્ક રહેવા અને માન્ય ઓળખ ધરાવતા અધિકૃત ટિકિટ ચિકરને જ તેમની ટિકિટ બતાવવા વિનંતી કરી છે. તેમજ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક રેલવે પોલીસ અથવા સંબંધિત અધિકારીઓને જાણ કરવી જમાવ્યું હતું.

