(જી.એન.એસ) તા. 03
ભાવનગર,
ભાવનગર ખાતે ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશનના પ્રમુખની અધ્યક્ષતામાં એક ભવ્ય રેલી યોજવામાં આવી હતી જેમાં રેલી બાદ કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પુરવઠા મામલતદાર અને જિલ્લાના ગોડાઉન મેનેજરોની મનમાની અને દાદાગીરી સામે આવેદન આપીને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. પ્રમુખનું કહેવું છે કે રેશનશોપ ડીલરોને જે સરકારી અનાજનો જથ્થો આપવામાં આવે છે, તેમાં સરકારી અનાજની ચોરી કરવામાં આવે છે.
આ બધુ થવા પુરવઠાના અધિકારીઓ જવાબદાર હોવાનું આરોપ લગાવવામાં આવ્યો હતો, આ રેલીમાં 300 જેટલા સસ્તા અનાજના દુકાનદારો જોડાયા હતા. સાથે એ પણ ચીમકી આપી કે જો સસ્તા અનાજના દુકાનદારો સાથે આ જ પ્રમાણે અન્યાય થતો રહેશે તો આગામી સમયમાં સરકાર સામે આંદોલન કરીશું. ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આજે શહેરના ટાઉનહોલથી કલેકટર કચેરી ખાતે 300 અનાજના દુકાનદારોની હાજરીમાં વિવિધ પ્લે કાર્ડ સાથે સુત્રોચાર તેમજ વિરોધ કરીને ભાવનગર કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રની અંદર રજૂઆત કરવામાં આવી છે કે જ્યારે સરકારી અનાજ સસ્તા અનાજની દુકાનો ઉપર પહોંચે છે, તેમાંથી ખૂબ મોટા પ્રમાણમાં સરકારી અનાજની ચોરી થાય છે. સૌથી મહત્વની બાબતો એ છે કે ટેન્ડરની શરત મુજબ કામગીરી કરવામાં આવતી નથી, નિગમ દ્વારા સમયસર અનાજનો જથ્થો પણ મળી રહ્યો નથી. આ સાથે જ વિવિધ માગોને લઈ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે ગંભીર બેદરકારી દાખવનાર નાગરિક પુરવઠા નિગમ ભાવનગર જિલ્લાના પુરવઠા મામલતદાર અને ગોડાઉન મેનેજર ઉપર કડક પગલાં ભરવામાં આવે તેવી માગ કરી હતી. આ સાથે જ ઈ કેવાયસી મુદ્દે ચાલી રહેલા લડત સામે પણ ફેર પ્રાઈસ એસોસિએશનના પ્રમુખે પોતાનું વલણ સ્પષ્ટ કરીને જણાવ્યું હતું કે આ પ્રશ્ન રાજ્ય સરકાર અને લાભાર્થીનો છે, માટે સસ્તા અનાજના દુકાનદારોનું આમાં સમર્થન નથી. તાજેતરમાં જ પ્રહલાદ મોદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેને ટાંકીને પણ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે પ્રહલાદ મોદી વડાપ્રધાનના ભાઈ છે તે પોતાનું એસોસિએશન છે અને પોતાની વિચારધારા છે એમનું નિવેદન એમના માટે અંગત માનીએ છીએ.
